"મહારાણીના દેશમાં આપણને રામરાજ છે…. અહીં આપણને દર મહિને-અઠવાડિયે પેન્શન મળે છે, કોઇનું ઓશિયાળુ બનવું ના પડે…દવાખાના-દાકતરની ફી નહિ.. અને મરીએ તો ય શાંતિથી પેટીમાં સૂતાં સૂતાં લકઝરી કારમાં અંતિમયાત્રા થાય” આવું અમે કેટલાય પ્રૌઢ ભાઇ-બહેનો અથવા વૃધ્ધ વડીલોના મોંઢે સાંભળ્યું છે પણ ખરેખર આપણા નિવૃત્ત વડીલો વિસામો લેવાની વયે નિરાંતે આનંદદાયી પળો માણી શકે છે ખરા?! શું આપણે આપણું પેન્શન મેળવી સ્વતંત્રપણે હરીફરી કે ઘરમાં રહી શકીએ છીએ?! આપ સૌ વાંચક વડીલોને થશે કે આવા સવાલો શા માટે પૂછી રહ્યા છીએ? તાજેતરમાં અમારા એક વાંચક બહેને નજરે દીઠેલ એક કિસ્સો અમને જણાવ્યા પછી આ સવાલો મનમાં ઊઠ્યા છે.
બ્રેન્ટ બરોના ઇલીંગ રોડ પરની લાયબ્રેરીમાં આ બહેન કોઇ પુસ્તક લેવા જઇ ચઢ્યાં. પુસ્તક લઇ બીજાં ગુજરાતી મેગેઝીન પર નજર નાખવા એ ટેબલ પર બેઠાં. બરોબર એમની સામે ૮૦-૮૫ વર્ષનું એક વૃધ્ધ દંપતિ બેઠું હતું. એ બન્નેમાંથી કોઇ મેગેઝીન, છાપુ કે પુસ્તક વાંચતું નહતું. આ બહેન મેગેઝીન વાંચતા હતા એ વખતે સામે બેઠેલા વૃધ્ધ વડીલે એમના પત્નીને કહ્યું, “ચાલો હવે આપણે ઘરે જઇએ? ત્યારે એમનાં પત્નીએ કહ્યું, :ના… હમણાં થોડીવાર બેસો, હજુ આપણે ઘરે જવાની વાર છે. એમ કહી પત્નીએ કોટના ખિસ્સામાંથી પડીકું કાઢી મિઠાઇનો કટકો વડીલને આપ્યો, લો આ ખાઇ લો !!” વૃધ્ધ દંપતિનો આવો વાર્તાલાપ સાંભળનાર પેલા બહેન કાઉન્સિલનાં સોશ્યલ વર્કર હતાં. એ થોડીવાર ત્યાં વધુ રોકાયાં. લાયબ્રેરીની ખુરસી પર બેસીને થાકેલા વડીલે વીસેક મિનિટ પછી ફરી પત્ની ને કહ્યું, હવે ચાલી શું? ત્યારે ફરી એ વૃધ્ધ પત્નીએ જરા ઉંચા અવાજે કહ્યું, “ હજુ વહુ ઘરે નહિ આવ્યાં હોય…. હજુ સાડા ત્રણ થયા છે.. ..થોડી વાર પછી નીકળીએ છીએ.”!!
આ સોશ્યલ વર્કર બહેને અમને સવાલ કર્યો કે, “આ દેશમાં ૬૦-૬૫ વર્ષે વડીલોને પેન્શન મળતું થયું છે. દીકરા કે દીકરીઓ સાથે રહેતાં પેન્શનર મા-બાપોનું જીવન આવું ઓશિયાળું કેમ?