શુક્રવારની સાંજ એટલે લંડનગરાઓને નિરાંત માણવાના વીકેન્ડનો શુભારંભ. મે મહિનો એટલે ચારેકોર બ્લોસમ ખીલી મદમસ્ત વેધર. આવી વેધરમાં ક્લબ, રેસ્ટોરન્ટોમાં ખાણી-પીણી અને નાચગાનની મસ્તી માણવા યુવાહૈયા ઉત્સુક બને એ સ્વાભાવિક છે. ઓલ્ડસ્ટ્રીટ સ્ટેશન નજીક “ગુજરાત સમાચાર" કાર્યાલયના કર્મયોગા હાઉસના આસપાસનો વિસ્તાર શુક્રવારે સાંજ પડે એટલે જાણે લંડનભરના ખૂણે ખૂણેથી યુવા યુગલોની વણથંભી વણઝાર ઉભરાવા માંડે.
ગયા શુક્રવારની સાંજે અમે ઓલ્ડસ્ટ્રીટ અંડર ગ્રાઉન્ડમાં નોર્ધન લાઇનમાં ઘરે જઇ રહ્યા હતા ત્યારે હકડેઠ્ઠ ટ્રેનમાં માંડ જગ્યા કરી એક ખૂણે ભરાઇને ઉભા રહ્યાં. અમારી સાથે એ ટ્રેનમાં એક આપણા ગુજ્જુભાઇ પણ ઘૂસ્યા. ટ્રેનના બે બારણા બંધ થાય ત્યાં જ વચ્ચોવચ ઉભેલા એ ભાઇના મોંઢામાં આપણા ભારતીયોને "સૌથી વહાલી" ગૂટકા ઘૂમરડા લેતી હતી. ગાઢા મરૂન કલરના દાંત વચ્ચે ગૂટકા ચગળતા ભાઇના મોંઢામાંથી એવી તીવ્ર દુર્ગંધ આવતી હતી કે એની આજુબાજુ ઉભેલા ગોરા પ્રવાસીઓના બગડતા મોંઢાના હાવભાવ જોઇ એક ભારતીય તરીકે અમને પણ શરમાવા જેવું લાગ્યું.
ગૂટકા-તમાકુ તો અમેરિકામાંય સર્વત્ર ઘૂમરાય છે એનું કારણ છે આપણા ગુજરાતનાં ગામડાં ત્યાં જ ઠલવાયાં છે ને? બે એક વર્ષ પહેલાં લંડન-ન્યૂયોર્ક જતી એરઇન્ડિયાની ફલાઇટમાં અમે અમેરિકા જઇ રહ્યા હતા ત્યારે ભારત ફરવા ગયેલા ગુજરાતી અમેરિકન બે મિત્રો સહપરિવાર અમારી બાજુની સીટમાં હતા. એમની બોલચાલ પરથી મૂળ ચરોતરી હોવાનું લાગ્યું. ફલાઇટમાં બપોરનું લંચ લઇ ઉભા થયેલા એક મિત્રએ ચૂનો-તમાકુવાળી પોટલી ખિસ્સામાંથી કાઢી હથેળીમાં મસળતાં પેલા મિત્રને પૂછ્યું, “અલ્યા…. આપણે કેટલે આયા ?! તમાકુ-ચૂનાને હથેળીમાં મસળી ટપલી મારી એ સાથે જ આગલી હરોળમાં બેઠેલા ગોરા દંપતિએ પાછુવાળી જોઇ કશુંક બબડતાં નાક પર ટીસ્યૂ દબાવી રાખ્યું…. પણ એ અમેરિકન ગુજ્જુ તો ભઇ બિનધાસ્ત…તમાકુવાળા હાથ ખંખેરતા મિત્ર સાથે વાતોમાં મશગૂલ હતા.
ભારતમાં કેટલાક રાજ્યોમાં ગૂટકા પર પ્રતિબંધ લાદ્યો હોવા છતાં એના વેચાણમાં ઓટ આવતી જણાતી નથી. આપ ઇન્ડિયા જતા હોય તો ચોક્કસ નોટિસ કર્યું હશે કે શહેરો ને ગામડામાં મોટરબાઇક, સ્કૂટર, રીક્ષા કે કારચાલકો ગાલના ગલોફાંમાં ભરેલી ગૂટકાની લહેજતમાં વાહનો હંકારતા હોય છે. અમદાવાદ, વડોદરા , રાજકોટ કે આણંદ જેવા શહેરોની લીફટમાં એકાંતનો લાભ લઇ ગૂટકાની પીચકારી ના મારે એટલે લીફટની દિવાલના નીચેના ભાગમાં વિવિધ ભગવાનના ફોટા ચોંટાડવામાં આવે છે.
ભારતનો રૂપિયો છોડી આપણે અહીં બ્રિટીશ પાઉન્ડ કમાવા આવ્યા પણ પેલી ગૂટકાને તો ખિસ્સામાં સાથે જ લઇ આવ્યા. આપ આપણા ગુજરાતીઓનો ગઢ કહેવાય એ વેમ્બલીના ઇલીંગ રોડ પર કયારેક ગયા છો? મોટાભાગના ગુજરાતીઓ તો ગયા જ હશે. આપણા ગુજ્જુઓએ ઇલીંગ રોડ પર રોપેલાં ઝાડનાં થડિયાં ગૂટકાની પીચકારીઓ મારીને ગેરુ (લાલઘૂમ) રંગનાં કરી નાખ્યાં છે. વેમ્બલી હાઇરોડથી શરૂ કરી ઠેઠ ઇલીંગ રોડની દુકાનોનો એકેય ખૂણો ગૂટકાની પીચકારીઓથી બાકાત રહ્યો નથી. બ્રેન્ટ કાઉન્સિલને દિવાલો ને રોડ પર મારેલી પીચકારીઓની આ લાલ ગંદકી સાફ કરવા વર્ષે £30,000નો ખર્ચ આવે છે. કાઉન્સિલે ગૂટકા થૂંકે એને £80 દંડ ફટકારવાની જાહેરાત વેમ્બલી હાઇરોડ પર મૂકી છે પણ આપણે કોણ છીએ!? ગુર્જરવાસી ગુજરાતીઓ ભાઇ….!! એમ આપણે થોડા પકડાઇએ? કેમેરાની આંખે ના ઝડપાઇએ એમ ખૂણે જઇ પીચકારી મારી લઇએ તો કોણ પકડવાનો છે? આ પાન-ગૂટકાની પીચકારીઓ ઇસ્ટ, સાઉથ, નોર્થ-વેસ્ટ લંડનથી માંડી ઠેઠ લેસ્ટર, બર્મિંગહામ સુધી પહોંચી છે. બ્રિટનનું મિની ગુજરાત એટલે લેસ્ટર. અહીંની સિટી કાઉન્સિલે પાન-ગૂટકાની પીચકારી મારનારા માટે £150નો દંડ રાખ્યો છે.
ભારતમાં મોંઢાના કેન્સરના કેસ દિનપ્રતિદિન વધતા જાય છે. તમાકુ, ગૂટકા ખાનારાઓને ખબર હોય છે કે આ ખરાબ વ્યસનથી આપણે મોતને જાણી જોઇને આવકારીએ છીએ તેમછતાં એના બંધનથી મુક્ત થવાતું નથી.