તા. ૩૦-૪-૧૬ના અંકમાં ગણપતભાઇ ચૌહાણ (લેસ્ટર)નો પત્ર 'ચર્ચાના ચોતરે' વિભાગમાં વાંચ્યો. વાંચીને ઘણું જ દુ:ખ થયું. ગણપતભાઇએ પોતાના પત્ર દ્વારા હિન્દુ ધર્મને ગાળો ભાંડવા સીવાય શબ્દો દ્વારા પોતાના મનની બધી જ ગંદકી ઠાલવી દીધી છે. તેમના નામ અને અટક જોતાં તેઅો મૂળ ભારતના હશે તેમ માની લઇને કેટલાક પ્રશ્નો કરવાનું મન થાય છે.
શું તેમને હિન્દુ ધર્મમાં કશું જ સારૂ નથી લાગતું? દા.ત. માનવતા, સહિષ્ણુતા, સ્ત્રી દાક્ષિણ્ય, શિક્ષકો - વડિલો અને બીમાર લોકો અરે પશુ પક્ષીઅો પરત્વેનો આદર અને લાગણી વગેરે? આજે આખું વિશ્વ ભાગવદ્ ગીતા, મહાભારત અને રામાયણને અનુસરે છે, શિક્ષાપત્રી, જેને લોકો જીવનના 'કોડ અોફ કંડક્ટ' તરીકે અનુસરે છે. વેદ - ઉપનિષદ શું ખાલી કાગળના થોથા છે? આયુર્વેદ, ચરક સંહિતા, યોગ અને શાકાહાર શું બીન હિન્દુઅોની શોધ છે? ભાષા-ગીત-સંગીતની વાત કરીએ તો સંસ્કૃત, છંદ, શાસ્ત્રીય સંગીત અને નૃત્ય, રાગ રાગીણીઅો વગેરે શું હિન્દુઅો દ્વારા પ્રચલિત નથી થયા.
શ્રવણ, ભરત, રાજા દશરથ, અર્જુન, શ્રી કૃષ્ણ, શ્રી રામ અને અન્ય પૌરાણિક પાત્રો આપણને ઘણું બધુ શિખવી જાય છે અને સુંદર સંદેશ આપી જાય છે. આપણે જો ગહનતાથી વિચાર કરીશું તો તેમાંથી સાચી રીતે જીવન જીવવાનો મર્મ મળી શકે છે અને આજે દુનિયામાં જે હિંસા, અધર્મ અને દુરાચારનો વ્યાપ વધી રહ્યો છે તે અોછો થશે.
મને લાગે છે કે મુરબ્બી શ્રી ગણપતભાઇ ચૌહાણને ખુદને ભૂતકાળમાં નીજી જીવનમાં કોઇ અજ્ઞાત તકલીફ કે મુશ્કેલી પડી હશે અને તેને કારણે તેઅો સમગ્ર હિન્દુ સમુદાય અને ધર્મને ધૃણા કરે છે. જે ભોગ બન્યા હોય તે વ્યક્તિ જ જો તકલીફનું નિવારણ કરવા પ્રયાસ કરે તો તે તકલીફને વધુ સારી રીતે દૂર કરી શકાય છે. જે તે પ્રશ્નનું નિરાકરણ લાવવા ગણપતભાઇએ પ્રયત્નો કર્યા હોત તો સમાજની સાચી સેવા થઇ હોત.
ભારત દેશ પર લાગલગાટ હજાર કરતા વધુ વર્ષો સુધી વિધર્મીઅો દ્વારા કરાયેલા શાસન પછી ગણપતભાઇ ચૌહાણ અને તેમના જેવા જૂજ લોકો હિન્દુ ધર્મ પરત્વે ધૃણા કરે તેમાં જરા પણ શંકા નથી. સારૂ એ છે કે આવા લોકોની સંખ્યા ખૂબજ મર્યાદીત છે અને હિન્દુ ધર્મ પરત્વે આટલી ધૃણા અને દ્વેષ હોવા છતાં તેઅો આપણા સમુદાયમાં ટકી શક્યા છે, પોતાનો અવાજ રજૂ કરી શકે છે. આ બધું જ હિન્દુ ધર્મના લોકોની સહિષ્ણુતાના લીધે જ છે. બાકી બાંગ્લાદેશ તો ઠીક હમણા યુકેમાં ગ્લાસગોના દુકાનદાર અસદ શાહની તેમણે 'હેપી ઇસ્ટર'નો સંદેશો મૂકાયા બાદ હત્યા કરાઇ હતી.
અર્જુન પટેલ, હેરો.
શુકન-અપશુકન અને મંગળ-અમંગળ
તા. ૩૦ એપ્રિલ, ૨૦૧૬ના 'ગુજરાત સમાચાર'માં ‘ચર્ચાના ચોતરે’ વિભાગમાં હિન્દુ ધર્મ, અંધશ્રદ્ધા, શુભ-અશુભ, શુકન-અપશુકન વિશે ગણપતભાઇ ચૌહાણ, લેસ્ટરનું મંતવ્ય વાંચ્યું. તેમણે ન્યુ ઝીલેન્ડથી વી. બ્રાયન નામના માણસે અંગ્રેજીમાં મોકલેલા ઈ-મેઈલ્સ પરથી હિન્દુ ધર્મ વિષે અભિપ્રાય બાંધ્યો હોય તેમ લાગ્યું. શ્રી ગણપત ચૌહાણના મંતવ્ય સાથે હું બિલ્કુલ સહમત નથી. હિન્દુ ધર્મ પોતાના શાસ્ત્રો થકી જીવન જીવવા માટે ઉપદેશ અને સલાહ સૂચનો આપે છે.
હિન્દુ ધર્મને તેના ધર્મગુરૂઓ, સંતો, બાબાઓ, બાપુઓ, બ્રાહ્મણો વિગેરે કેવી રીતે રજૂ કરે છે તે મહત્ત્વની વાત છે. અમુક લોકો પોતાના સ્વાર્થ, અહંકાર, મોટાઈ માટે લવારા કરતા હોય છે અને પોતે જે ઉપદેશ આપે છે તે જ સાચો છે, પોતાનો સંપ્રદાય સર્વશ્રેષ્ઠ છે તેવી રજૂઆતો કરતા રહે છે. આવા લોકો પોતાની વાતો લોકોના મનમાં ઠસાવવા માટે પવિત્ર-અપવિત્ર, અંધશ્રદ્ધા, શુકન-અપશુકન, મંગળ-અમંગળ, દેવી-દેવતાના કહેવાતા પ્રકોપનો ભય પેદા કરીને પોતાના થકી ભગવાનને ભજવાની વાતો કરે છે. આવા ભ્રમમાં ફક્ત અભણ કે ઓછું ભણેલા લોકો જ નહિં પણ ખૂબ ભણેલા-ગણેલા અને પરદેશમાં રહેતા લોકો પણ ફસાય છે. આવા લોકો દોરા-ધાગા, તાવીજ, જ્યોતિષ વિ.નો આશરો લેવા ખૂબ નાણાં ખર્ચે છે એટલે ગુરૂઓ, બ્રાહ્મણો, બાબાઓ સાથે આ ભણેલો વર્ગ પણ એટલો જ જવાબદાર છે. આ બધું હિન્દુ ધર્મ પૂરતું મર્યાદિત નથી પણ બીજા ધર્મના કેટલાક ધર્મગુરૂઓ, પાદરીઓ, મુલ્લાઓ પણ તે જ રીતે વર્તે છે. ગયા મહિના કેનેડાના પ્રખ્યાત અંગ્રેજી સમાચાર પત્ર, ટોરોન્ટો સ્ટારમાં બે પાનનો મોટો આર્ટીકલ 'Fortune telling industry'માં જણાવ્યું હતું કે દર વર્ષે કેનેડાના લોકો આવાધતીંગો પાછળ ૧થી ૨ બિલિયન ડોલર ખર્ચે છે અને કેટલાય લોકો તેમાં છેતરાઈને હજારો ડોલર ગુમાવે છે. 'ગુજરાત સમાચારે' આર્થિક ભીડ વેઠીને પણ દોરા-ધાગા, તાવિજ, જ્યોતિષી વિ. જાહેરાતોને નહિં સ્વીકારીને સમાજ સેવાનું મોટું કાર્ય કર્યું છે જે માટે તમે અભિનંદનને પાત્ર છો.
- સુરેશ અને ભાવના પટેલ, મારખમ કેનેડા
બની બેઠેલા બ્રાહ્મણો દ્વારા થતું નુકસાન
તા. ૩૦ એપ્રિલના અંકમાં શ્રી ગણપતભાઈ ચૌહાણનો લેખ વાંચ્યો અને વાંચીને દુઃખ થયું. તેમના વિચાર પ્રમાણે પોતે પૈસા ખર્ચ કરીને દુઃખી થવું તેનું નામ યાત્રા અંગે પ્રખર વિદ્વાન સ્વામી શ્રી સચ્ચિદાનંજી મહારાજ (દંતાલીવાળા) કહે છે કે યાત્રા કરવાથી નવા સ્થળો જોવાય છે, બીજા માણસોને મળવાનો મોકો મળે છે. જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે અને પોતાની સંકુચિતતા દૂર થાય છે અને વિશાળ વિશ્વના દર્શન થાય છે.
ન્યુ ઝીલેન્ડના બ્રાયન નામના માણસનો ઈમેઈલ મને આવશે તો હું તેને બ્લોક કરીશ, બ્રાયન, હિન્દુ ધર્મ વિશે વાત કરવા માટે અધિકૃત નિષ્ણાંત કે તજજ્ઞ વ્યક્તિ નથી.
બ્રાહ્મણ જ્ઞાતિને ટાર્ગેટ કરવા તે કોઈ પ્રકારે યોગ્ય નથી તેઓ તો માત્ર પોતાની સેવા આપે છે અને તેના બદલામાં યથાયોગ્ય દક્ષિણા મેળવતા હોય છે. પરંતુ આજના સંજોગો જોતા કેટલાક બની બેઠેલા બ્રાહ્મણો ધર્મને વધારે નુકસાન કરાવે છે. યુકેની વાત કરીએ તો એક ભાઈ ભજનમાં તબલાં વગાડતા હતા જેઅો આજે સ્પિરિચ્યુઅલ લીડર બની ગયા છે. લંડનમાં ગુજરાતી વિસ્તારોમાં માતાજીના નામે ચરી ખાતા બીનબ્રાહ્મણો અને યુકેના નાના ગામોમાં પાઘડી બાંધીને લોકોનું ભવિષ્ય જોતાં બીન બ્રાહ્મણ લેભાગુ તત્વોનું લીસ્ટ ઘણું લાંબુ છે. ભલે તમે કોઈપણ ધર્મ અપનાવો પરંતુ હિન્દુ ધર્મને બદનામ ના કરો.
કમલેશ વ્યાસ, પૂજારી, હિન્દુ મંદિર, બ્રિસ્ટોલ
હિંદુ ધર્મ...જ્ઞાનનો ભંડાર
હિન્દુ ધર્મઃ અંધશ્રદ્ધા, શુભઅશુભ, શુકન-અપશુકન વગેરે વિષે તા. ૯-૪-૧૬ના 'ગુજરાત સમાચાર'નો લેખ વાંચ્યો.
મારા મંતવ્ય મુજબ હિન્દુ ધર્મમાંથી જેટલું શીખવા મળે છે અને સી.બી. પટેલની 'જીવંત પંથ' કોલમમાંથી જેટલું જાણવા મળે છે તેટલું અત્યારના કોઈ પુસ્તકમાંથી નથી મળતું. મંદિરમાં જવાથી ઘણો જ ફાયદો થાય છે.
હિન્દુ ધર્મના વખાણ આજથી નથી થતા. ૧,૦૦૦ વર્ષ પહેલાંથી છે. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ.
ગાંધીજીને અહિંસાનો માર્ગ શ્રીમદ્ રાજચંદ્ર પાસેથી મળ્યો છે અને આજે આપણા સહુને તે મળે છે.
‘ગુજરાત સમાચાર’માંથી ઘણું જ શીખવા મળે છે.
- એન. આર. રાજા, બર્મિંગહામ
હિંદુ ધર્મ અને સનાતન ગુણ
શુભ...અશુભ... અપશુકન વગેરે માન્યતાવાળા હિંદુ ધર્મમાં નથી માનતા તે શીર્ષક પ્રમાણે સત્ય છે. પણ ૧૦૦ ટકા ધર્મને ફીટ થતું નથી, ધર્મ તો શુદ્ધ છે અને માન્યતાઓ તે પ્રમાણે આચરણ કરનારનો દોષ હોય છે. હિંદુ ધર્મ તેના સનાતન ગુણ અને અન્ય બીજા દેશોની ધર્મકથાઓમાં પ્રતિબિંબિત થવા માટે વખાણવા લાયક છે. આધુનિક જમાનામાં પણ દેશમાં અને નવા શબ્દપ્રયોગો વડે પ્રચલિત અને જીવંત છે. જ્યારે નવીનતર ધર્મો અને પંથો નાશ પામ્યા છે. આ ચિરંતન ગુણ જ શૌચ.. યોગ. સૂર્યનું ઉત્તરાયણ વગેરે ચિરંતન જ્ઞાન, યોગ, મેડિટેશન, અહિંસા, વેજિટેરિયન ખોરાક વગેરે વખાણવા લાયક છે.
નિમ્નિલિખત વાક્યો પર મનન કરવા જેવો છે.
વેદિક હિંદુ બોધ આજની ભાષામાં આ મુજબ છે. ત્વમેવ માતા-પિતા ત્વમેવ વગેરેમાં ફેમિલી મૂલ્યો તેમજ માતૃદેવો ભવ વગેરેમાં સિવિલ મૂલ્ય આવે છે. વિમાનનું એરોપ્લેન, ચાણક્ય.. કૌટિલ્ય, આર્યભટ્ટ, આજના પોલિટિશ્યન, ઈકોનોમિસ્ટ, એસ્ટ્રોનટ છે. શુક્રાચાર્ય, અગત્સ્ય, અત્રિ આજના અુગસ્ટન, ઈટ્રુસ્કન, શોકાટીર્સ છે. શાંતિપાઠ આજનું એન્વારમેન્ટલ ચળવળ છે. ગ્રહો સોમ, મંગળ, બુધ વગેરેનું રૂપાંતર સંડે - મંડે, ટ્યુસડે વગેરે થયું.
સાઉથ અમેરિકાના હોનડ્યુરાસમાં હનુમાનની મૂર્તિઓ મળી છે. ઉત્તર અમેરિકાના ગ્રાન્ડ કેન્યનમાં જટાધારી હિંદઓનું શહેર લાગે. આઈરીસ વિરાંગના બોડીશીયાનું અનુમાનિત નામ બુદ્ધશ્યા છે. આયર્લેન્ડના આધ્યસંસ્થાપકો એ ગીતા જેવા સાહિત્યનું સ્તવન કરેલ છે. ઈન્ડોનેશિયામાં સંસ્કૃત નામકરણ અને ચલણી નોટો પર ગણેશ, મેરું પર્વત અને અયોધ્યાના ચિત્ર છે. કેન્યામાં હિંદુ ધર્મ સાથે સંકળાયેલા હર અને અમ્બેનો સમાવેશ કરી હરમ્બેનો નારો લાગાવાયો.
ગાંધીજીએ અંગ્રેજોને ભારતમાંથી કાઢ્યા પણ ધર્મ પ્રભાવથી તેમના બાવલા યુકેમાં લગાવાયા છે. જપાનમાં હિંદુ ધાર્મિક પ્રથા આધારીત ગુફાઓ છે. આવા તો કઇં કેટલાય ઉદાહરણ છે તેથી સમસ્ત ધર્મને વખોડવો અયોગ્ય જ છે.
રમેશ ઝાલા, નોર્બરી
ભક્ત-ભગવાન વચ્ચેનો અતૂટ સંબંધ: ધર્મ
પહેલા તો ધર્મ એટલે શું? ધર્મ એટલે વ્યક્તિ અને ભગવાન વચ્ચેનો એક અતૂટ સંબંધ. ધર્મ લોકોને તેના સમાજ તરફના કર્તવ્યને જાગૃત કરે છે. ધર્મ સજાગતા સકારાત્મક ભાવના ઉત્પન્ન કરે છે. જે લોકો ધાર્મિક હોય છે તેઅો જલ્દી ડિપ્રેસ નથી થતા અને ખોટી લતમાં અોછા ફસાય છે. ધર્મને કોઈ વ્યાખ્યામાં બાંધી ન શકાય.
અત્યારે અમુક લોકો પોતાની માગણી પૂરી કરાવવા ધર્મ પરિવર્તનની ધમકી આપે છે. ધર્મ કઈ વસ્ત્ર કે વસ્તુ નથી કે તેના બદલવાથી માગણી કરી શકાય. ગણપતભાઇ ચૌહાણે જે લખ્યું છે તે ઉપરથી તેઓ નાસ્તિક છે, કે તેઅો કહેવાતા કોઈ ઠગ સાધુ બવા દ્વારા છેતરાયા હોય એવું લાગે છે. ધર્મ વિશેની સાચી સમજણ કેળવવી જરૂરી છે. હા યુવા પેઢી હિન્દુ ધર્મમાં પેઠેલા સડાને લઈને દૂર ભાગે છે. પણ દરેક ધર્મમાં કંઈને કંઈ સડો હોય જ છે. અરે ભાઈ તમારે શ્રવણ ન થવું હોય તો ન થાવ. શા માટે ધર્મની પાછળ પડ્યા છો.
હિન્દુ ધર્મ ખૂબ પુરાણો ધર્મ છે તેના અવશેષો ફક્ત ભારતમાં નહીં પણ વિશ્વના અનેક દેશોમાં જોવા મળે છે. કંબોડિયા, શ્રીલંકા દેશોમાં રામાયણ, હનુમાનજીની મૂર્તિ ધરાવતા મંદિરો પણ છે. હિન્દુ ધર્મ જેવો સહિષ્ણુ ધર્મ એક પણ નથી. આપણે કોઈને બંધુકની નોક પર ધર્મ પરિવર્તન નથી કરાવતા. કોઈને લાલચ આપીને કે ચતુરાઈ કરીને ધર્મ પરિવર્તન નથી કરાવતા.
શુભ-અશુભ, શુકન- અપશુકન તો દરેક ધર્મના લોકો માને છે. કોઈપણ ધર્મ કે ધાર્મિક ક્રિયા ભયથી ન કરો. જેના ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ હોય તે કરો. ધર્મ માટે તો શીખ ગુરુએ પોતાની જાન આપી છે. પહેલા તો ખુદ પર વિશ્વાસ પેદા કરો, જેને પણ માનો સમજણથી, બુદ્ધિથી વિચારીને માનો. આપણા ધર્મમાં ઘણીક ક્રિયાઓ વિજ્ઞાનના નિયમ મુજબની છે. ફક્ત ભગવદ્ ગીતાને સમજીએ તો જીવન કેવી રીતે જીવવું એ સમજાય જાય છે.
- નયના નકુમ, સાઉથ હેરો.
પ્રભુસેવા વિરૂધ્ધ મનુષ્ય સેવા
મનુષ્ય સેવા એ જ પ્રભુ સેવા છે. પહેલાં પુરૂષાર્થ પછી પ્રારબ્ધ. વૈજ્ઞાનિકો સંશોધન દ્વારા વિવિધ શોધો કરે છે. આપણે બળિયાદવેને પુજીએ છીએ અને તેમણે રસી શોધી દુનિયાને બળિયામાંથી મુક્ત કરી. મગનભાઈ, મેકવાન થઈ ગયો કારણ બરબાદીમાંથી તેને પાદરીબાવાએ ઉગાર્યો. આપણા પંડીતોને મંદિર બહાર નીકળી મનુષ્યસેવા કરવી નથી. બિરલાએ મંદિર બાંધ્યું અને ટાટાએ હોસ્પિટલ બાંધી મનુષ્ય કલ્યાણ કરે છે. ધાર્મિક કાર્યક્રમોના કારણે પોલીસ દોરડાં નાંખી રસ્તો બંધ કરે તેથી હજારો લોકોને અવરોધ ઊભો થાય. આજુબાજુના દવાખાનાં, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, બેંકો વિ. ના કામકાજ રોકાઈ પડે. રામકથા કે ભાગવત સપ્તાહમાં ૫૦૦ લોકો ૭ દિવસ હાજર રહે તો રોજના ૪ કલાક લેખે ૭,૦૦૦ માનવ કલાકનો બગાડ થાય. એટલા સમયમાં કેટલી બધી મનુષ્યસેવા કે ગ્રામસેવા થઈ શકે. વધુમાં વધુ સમય, નાણાં અને મનુષ્યશક્તિની બરબાદી થાય.
ધાર્મિક સ્થળોએ પૂજા-પ્રાર્થના થાય જ્યારે આજુબાજુ કાદવમાં બેસી માણસો ભીખ માગતા જોવા મળે છે. આવો વિરોધાભાસ ક્યાંય જોવા ન મળે. મંદિરોના અડધા ભંડારોમાંથી લોકકલ્યાણ માટે બ્રહ્મપુત્રા-ગંગાના પાણી આંધ્ર, બિહાર અને મરાઠવાડામાં આપી શકાય. જલાબાપાએ મનુષ્યધર્મ અપનાવી પોતે શ્રમ માથે લેતા હતા. આજના વ્યવસ્થાપકોનું આરસ, અન્નકૂટ દર્શન, મહાપ્રસાદ, પધરામણી, કથાના પુનરાવર્તનની વ્યવસ્થામાં વધુ ધ્યાન હોય છે. પ્રજાને શિસ્ત અને જાગૃતિની જરૂર છે. સીબીને વિનંતી છે કે કાંઈક સૂચવો.
- મનુભાઈ પટેલ, ન્યુ માલ્ડન
ધર્મ અને ગરીબોને મદદ
તા. ૩૦-૪-૨૦૧૬ના પેપરમાં ગણપતભાઈનો પત્ર વાંચ્યો. વાંચીને આનંદ થયો કે એમણે લખવાની હિંમત બતાવી. આ લેખ આપણા અંધશ્રદ્ધાળુ ભાઈ-બહેનોને નહીં ગમે, આપણો હિન્દુ ધર્મ સાચો છે પણ આપણા કેટલાક મહારાજાઓ અને ગુરૂઓએ તેને બગાડ્યો છે. આ પૂજા કરો, આ યજ્ઞ કરો, આ બાધા રાખો તો તમારું કામ પાર પડશે, તમારું સારું થશે, તમારા દુઃખો દૂર થશે એવી સલાહ આપે. જેની પાછળ લોકો દોવાય છે. આપણે આ બધા પાછળ એ હદે પૈસા ખર્ચીએ છીએ જેનાથી આ દુનિયામાં જેમની પાસે ઘર, કપડાં, ખાવાનું નથી તેમને તે મદદ કરી શકાય. તેમને મદદ કરવાની જરૂર છે. તેઓના આશીર્વાદ મળશે અને બાકી બાધા રાખવાથી તો તમો ભગવાનને તકલીફ આપો છો.
બીજો સંદેશ આપણા મોટી ઉંમરના ભાઈ-બહેનો માટે છે કે તમો તમારા પૌત્ર-પૌત્રીઓની સાથે ગુજરાતીમાં બોલશો તો તેઓ જરૂર આપણી ભાષા જાણશે. તેઓને ગુજરાતી સ્કૂલમાં જવાની જરૂર પણ નહીં પડે.
- સરોજ જોશી, હેરો.
અંધશ્રદ્ધાની દવા
જાતે જાગૃતિ કેળવી, ગુરુ થા તારો તું જ
માને પેટ અવતર્યો, કોઈ ન પ્રકાશ પૂંજ
ગઈ કાલ તે ભૂત છે આવતીકાલ સપનું,
આજનું સુખાનંદ તો તારે છે ખપનું
શ્રેષ્ઠ દિવસ, તિથિ વારમાં રામસીતા પરણ્યાં,
તો પણ દુઃખી દુઃખી થઈ વનમાં ભટક્યાં
ભૂત પિશાચ ચૂડેલ ખવીસ નબળાંને કનડે,
મક્કમ મનના માનવીને રસ્તે પણ ન ચડે
કોઈનાં ચરણ કમળ નથી, બધા ટાંટિયે ધૂળ
લાંબા થઈ દંડવત્ કરી, કદી ન કરશો ભૂલ.
તારા જીવનની પળો, તું જ ઘડી લે ભાઈ,
પરાવલંબી બન નહીં, તું જ તાકાત સવાઈ
તું ઘેટું તો છે નહીં, કોઈને ના અનુસર,
તારી વિવેક બુદ્ધિ કહે, તેવું જ તું આચર
જોશીડા જો ભાવિને જાણી શકતાંહોય,
કદીય એના કુટુંબમાં અકસ્માત ન હોય.
સત્ય ભલે કડવું દીસે, અંતે વિજય થશે,
આગામી તું જ પેઢીઓ, જીવન વિજેતા થશે.
કોઈ કહે તે માન ના વિવેકબુદ્ધિ વિચાર,
સ્વનિર્ભર બન તો જ તું પામીશ જીવનસારી
- બળવંત દેસાઈ, ફોરેસ્ટ ગેટ
000000000
પ્રિય વાચક મિત્રો,
શ્રી ગણપતભાઇ ચૌહાણે (ગુજરાતસમાચાર તા. ૩૦-૪-૨૦૧૬ પાન - રજૂ કરેલા વિચારો અંગે આપના અમૂલ્ય મંતવ્યો જણાવી આપ જનમતને જાગૃત કરી શકો છો. તો ઉઠાવો.. કલમ અને અમને આપનો અભિપ્રાય ૨૦૦ શબ્દોની મર્યાદામાં લખી જણાવો. 'ગુજરાત સમાચાર' પાસે જાગૃત અને સિધ્ધાંતપરસ્ત વાચકો છે તેનું અમને ગૌરવ અને અભિમાન છે અને વિભિન્ન મત વ્યક્ત કરનાર સૌને અમે વંદન કરીએ છીએ.
આપના મંતવ્યો ન્યુઝ એડિટર શ્રી કમલ રાવને Gujarat Samachar, Karmayoga House, 12 Hoxton Market, London N1 6HW પોસ્ટ દ્વારા, ફેક્સ નં. 020 7749 4081 દ્વારા કે પછી [email protected] પર ઇ-મેઇલ દ્વારા મોકલો.
- કમલ રાવ