કમ્પાલાઃ યુગાન્ડાના સૌથી મોટા શહેરની સ્કૂલ કમ્પાલા પેરન્ટ્સના મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ રુપારેલિયાએ સોમવાર, ૨૯ જૂને ચાઈલ્ડ રેપર્સ ફ્રેશ કિડ અને ફેલિસ્ટાને ગેલેક્સી ટેબલેટ્સ કોમ્પ્યુટર દાનમાં આપ્યા હતા જેથી તેઓ ઓનલાઈન અભ્યાસ કરી શકે. કમ્પાલામાં આ ટેબ્લેટ્સની ભારે માગ છે અને તેની કિંમત હાલ ૧ મિલિયન શિલિંગ્સ છે જે કોવિડ અગાઉ ૪૦૦,૦૦૦ શિલિંગ્સ હતી. રાજીવે આ ટેક ઉપકરણ લાવી આપવાનો તત્કાળ પ્રતિભાવ નહિ આપવા બદલ ફ્રેશ કિડ તરીકે પ્રખ્યાત પેટ્રિક સેન્યોન્જોની માફી પમ માગી હતી. રાજીવે કહ્યું કે સ્માર્ટ સાધન નહિ હોવાથી ફ્રેસ કિડ ઝૂમ દ્વારા અભ્યાસ કરી શકતો નહિ હોવાનું એક મિત્રે જણાવ્યું હતું. તમામ બાળકો શીખવાનું ચાલુ રાખે તે મહત્ત્વનું છે કારણકે ઘેર આળસમાં બેસી રહેવાનું વધુ નુકસાન કરે છે.
રાજીવના પારિવારિક રુપારેલિયા ફાઉન્ડેશને આ બે બાળ કલાકારોની પ્રતિભા અને શિક્ષણની જરુરિયાતના આધારે સ્કોલરશિપ્સ આપેલી છે. કમ્પાલા પેરન્ટ્સ સ્કૂલ એલીટ સ્કૂલ છે જ્યાં બહુમતી પેરન્ટ્સને કોમ્પ્યુટર સાધનો પોસાય તેમ છે જેના આધારે તેમના બાળકો અભ્યાસ કરી શકે. જોકે, જે બાળકોને તેણે સ્કોલરશિપ આપી છે તેમને પણ કોમ્પ્યુટર સાધનો પોસાય તેમ રાજીવ માની લેતા નથી.
કમ્પાલા પેરન્ટ્સ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ રુપારેલિયાએ કહ્યું હતું કે ‘આપણા બાળકોના શિક્ષણ માટે ટેકનોલોજીને ગળે લગાવવી અને ટેક ગેજેટ્સનો ઉપયોગ કરવાનું આ સારું ઉદાહરણ બની રહેશે. કોવિડ-૧૯ ક્યારે જશે તેની આપણને ખબર નથી.’ કોવિડ-૧૯ની રજાઓ દરમિયાન દૂરના અંતરે બાળકો સાથે સંપર્ક અને અભ્યાસ માટે ઝૂમ ટેલિકોન્ફરન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.