લંડનઃ બ્રિટનના ‘બીવર્લી હિલ્સ’ તરીકે જાણીતા સરેના ધનાઢ્ય વિસ્તાર વેબ્રિજમાં સેન્ટ જ્યોર્જ હિલ્સ નજીકની ખાનગી પ્રોપર્ટીમાં ચાર વર્ષના બાળકની સામે જ ૩૮ વર્ષીય માતા સોનિતા નિઝવાનની ઘરમાં રવિવારે હત્યા થઈ હોવાનું કહેવાય છે. માથા અને ગળામાં જીવલેણ ઈજાથી તેમનું મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. સોનિતાના ૪૬ વર્ષીય ઈન્વેસ્ટમેન્ટ બેન્કર પતિ સંજય નિઝવાન પણ ઘરમાં ભારે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. સંજયને હોસ્પિટલમાં દાખલ કરાયો છે અને સાજા થયા પછી તેની પૂછપરછ કરાશે. સંજયે પોતાના જ ગળા અને હાથ પર ચાકુના ઘા માર્યા હોવાનું મનાય છે. પત્નીની હત્યાના શકના આધારે સંજય નિઝવાનની ધરપકડ કરવામાં આવી હતી. ચાર વર્ષના પુત્રની હાલત ‘મમ્મી ક્યાં છે’ના સતત રટણ સાથે ખરાબ થઈ છે.
સોનિતા સરે અને સાઉથ લંડનમાં અને હોમ્સની માલિકી ધરાવતા ફેમિલી કેર હોમ બિઝનેસના ડિરેક્ટર અને એકાઉન્ટન્ટ તરીકે કામ કરતી હતી, જ્યારે સંજય નિઝવાને બાર્કલેઝ અને એબીએન એમરોમાં કામ કર્યા પછી ૨૦૦૯માં પોતાની કંપની સ્થાપી હતી. સોનિતાના પિતાએ તેને મૃત હાલતમાં જોઈને એમ્બ્યુલન્સ અને પોલીસને ફોન કર્યો હતો. હાલ તો ગ્રાન્ડપેરન્ટ્સ ગભરાઈ ગયેલા નાના બાળકની દેખભાળ કરી રહ્યા છે. ધનાઢ્ય નિઝવાન દંપતી માત્ર ૧૫ દિવસ અગાઉ જ આ પ્રાઈવેટ એસ્ટેટના નવા ઘરમાં રહેવા આવ્યાં હતાં. આ વિસ્તારમાં જ્હોન લેનોન, રિન્ગો સ્ટાર, કેટ વિન્સ્લેટ, સર ક્લિફ રિચાર્ડ, સર એલ્ટન જ્હોન, ફૂટબોલર જ્હોન ટેરી,પીટર ક્રાઉચ અને તેની મોડેલ ગર્લફ્રેન્ડ એબી ક્લેન્સી જેવી નામાંકિત વ્યક્તિઓનો નિવાસ છે.
સંજયે હત્યા કરી હોઈ શકે તેવા પડોશીના પ્રશ્નના ઉત્તરમાં સોનિતાના પિતાએ કહ્યું હતું કે,‘ તેમની પુત્રી સાથે સંજયનો હિંસક વર્તાવ હોવાનું તેમણે કદી સાંભળ્યું નથી. સોનિતાએ છેલ્લે તેમનો સંપર્ક કર્યો હતો તેથી બન્ને વચ્ચે કોઈ દલીલબાજી કે વિખવાદ થયો હોવો જોઈએ.’ પારિવારિક મિત્ર ડો. અજિત પ્રસાદે સંજયને શાંત સ્વભાવનો ગણાવી ઉમેર્યું હતું કે બન્ને વચ્ચે સંબંધોમાં કોઈ સમસ્યા હોવાની કોઈને ખબર નથી. સોનિતા અને સંજયના મિત્રો અને પડોશીઓએ પણ બન્નેનો સંબંધ મધુર અને લગ્નમાં કોઈ સમસ્યા ન હોવાનું જણાવ્યું હતું.