લંડનઃ બકિંગહામશાયરના ઇવર શહેરની ચાર વર્ષની સુપર જિનિયસ અલાના જ્યોર્જે ૧૪૦ ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ (IQ) સાથે વિશ્વના સૌથી સ્માર્ટ લોકોની સોસાયટી મેન્સામાં સ્થાન મેળવ્યું છે. તેણે વિશ્વના સૌથી નાની વયના બીજા ક્રમના જીનિયસ તરીકે ઈતિહાસમાં સ્થાન મેળવ્યું છે. એલાના વિન્ડસર કેસલની સેન્ટ જ્યોર્જ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેને આ વર્ષના આરંભે ઈન્ટેલિજન્સ એસેસમેન્ટ ટેસ્ટ લેવાયો હતો, જેમાં તેણે ૧૪૦નો આઈક્યુ સ્કોર હાંસલ કર્યો હતો.
સામાન્ય રીતે ચાર વર્ષનાં બાળકોનો IQ ૯૦થી ૧૧૦ની વચ્ચે હોય છે, પરંતુ અલાના તેની ઉંમર કરતાં અનેકગણી હોશિયાર છે. મેન્સાની ટેસ્ટ માટે અલાનાને સાત વર્ષના બાળકને પૂછાય તેવા સવાલો પૂછાયાં હતા, જેના ઉત્તરો આપી તે મેન્સા સોસાયટીની બીજા નંબરની સૌથી યંગ મેમ્બર બની છે. મેન્સાનો સૌથી નાનો સભ્ય અઢી વર્ષનો એલ્સી ટાન-રોબર્ટ્સ છે જે ૨૦૦૯માં માત્ર બે વર્ષની વયે મેન્સામાં સામેલ કરાયો હતો. સૌથી વયસ્ક મેમ્બર ૧૦૩ વર્ષના છે.
તેના પેરન્ટ્સ નાદીન અને એડમન્ડનું કહેવું છે કે તે સાત મહિનાની હતી ત્યારથી બોલતી થઈ હતી અને જાતે જ વાંચતાં શીખી છે. સ્કૂલમાં જતાં પહેલાં તે મોટા ફકરાઓ વાંચતી થઈ ગઈ હતી. દોઢ વર્ષની ઉંમરે તે નર્સરીનાં જોડકણાં અને નંબર્સ કડકડાટ બોલતી હતી. બે વર્ષની હતી ત્યારથી કાર્ટુન શો જોવાનાં બદલે પોતાની મેળે યુટ્યુબ પર એન્ડલેસ નંબર્સ જેવા શો જોવા લાગી હતી. તેને ગણિત પ્રત્યે વધુ રુચિ છે. ત્રણ વર્ષની વયે તો તેની વયના બાળકો વાંચે તેના કરતા વધુ બુદ્ધિક્ષમ પુસ્તકો વાંચતી થઈ હતી.
મેન્સા સોસાયટી શું છે?
લગભગ ૭૨ વર્ષ પહેલાં જિનિયસ લોકોની સોસાયટી ‘મેન્સા’ની સ્થાપના થઈ હતી જેમાં માત્ર સુપરસ્પેશ્યલ ઇન્ટેલિજન્સ ધરાવતા લોકોને જ સ્થાન મળે છે. આ સોસાયટીમાં દુનિયાની કુલ વસતીના માત્ર બે ટકા લોકો જ હિસ્સો બની શક્યા છે. મેન્સા દ્વારા બૌદ્ધિક ક્ષમતાની ખાસ ટેસ્ટ લેવાય છે અને એમાં ૯૮ પર્સન્ટાઇલ ધરાવતા લોકોને જ સ્થાન મળે છે. હાલમાં આ ગ્રુપમાં આશરે ૧,૩૪,૦૦૦ લોકો છે જેમની ગણના સુપરસ્માર્ટ લોકોમાં થાય છે.