આપણે ગુજરાતીઓ જ્યાં ગયા ત્યાં આપણી જીવનશૈલી, પરંપરા અને આહાર-વ્યવહારને સાથે લઇને ગયા છીએ. ગુજરાતી તરીકેની આપણી આગવી ખાસિયત, નીતિ-રીતિ, સ્વભાવ આપણી રગેરગમાં વણાઇ ગયેલો હોય છે. એ સ્વભાવ કે ખાસિયત એવી કોઠે પડી ગઇ હોય છે કે વર્ષો સુધી, અરે… પેઢીઓ સુધી માદરે વતન ગુજરાત સાથે કોઇ નાતો એટલે કે કનેક્શન જ ના રહ્યું હોય તેમ છતાં ગુજરાતીપણું કોઠે પડી જ ગયું હોય. અમને પણ આ વાતમાં દમ નહોતો લાગતો પણ હમણાં હમણાં ઘરે બેઠાં કામ કરતા હોઇએ એટલે કયારેક કિંગ્સબરી, વેમ્બલી અને હેરોની શાકભાજીની દુકાનોમાં શોપીંગ કરવા જવાનું થાય છે એ વખતે આપણી અસ્સલ ગુજરાતી ખાસિયતો અમારી બાજ નજરે ઝડપી લીધી.
કોરોનાની મહામારીથી બચવા આપણે સૌ વિટામીનયુક્ત આહાર અને લીલાં શાકભાજી, તાજાં ફળફળાદિ ખાવા ઉપર વધુ ભાર મૂકી રહ્યા છીએ. આપણા ગુજરાતી શાકભાજીવાળા પણ રોજે રોજ લીલાં-તાજાં શાકભાજી અને દુનિયાભરનાં ફળફળાદિ ગ્રાહકને આકર્ષિત કરે એટલી સરસ રીતે ડિસ્પ્લે કરતા હોય છે. વહેલી સવારે આપણાં ભાઇ-બહેનો ખાસ કરીને કાકા-માસીલોક મોંઢે માસ્ક (ફ્રેશ હવા માટે નાક તો ખુલ્લું જ હોય) પહેરી, ટ્રોલી ગબડાવતાં શાકભાજીવાળાને ત્યાં પહોંચી જતા હોય છે. અહીં શાક ભાજી વીણવામાં પ્રાવિણ્ય ધરાવનાર માસી-કાકા માટે સરકારી નિયમ સોશ્યલ ડિસ્ટન્સ તો ઐસી તૈસી, એમને માટે તરોતાજા શાકનું સિલેકશન જ મહત્વનું હોય. અત્યારે ઓટમની સીઝનમાં મીડલઇસ્ટ અને ઇઝરાયેલથી ગોલ્ફના દડા જેવું સરસ પીળું ખજૂર (ડેટ્સ) બજારમાં આવ્યું છે, યુરોપની લીલી-કાળી મીઠી દ્રાક્ષ આવી છે, લીલી ડાળખી સાથે મસ્ત મીઠી ચેરી અને સ્ટ્રોબેરી પણ સરસ ડિસપ્લે કરેલી દેખાય છે.
આપણો ગુજરાતી ખાસ કરીને આપણા માસીલોકને પહેલેથી જ કોઇપણ ફળનો સ્વાદ ચાખ્યા વગર સીધું જ બાઇંગ કરવામાં મજા આવતી નથી. અમને યાદ છે કે ૬૦-૭૦ના દાયકામાં ગામ કે શહેરમાં ટેટી, તરબૂચ, પપૈયાં વેચવા લઇને ફેરિયા આવતા ત્યારે એ ફળ ખરીદતા પહેલાં આપણા વડીલોને ચપ્પાની અણીએ ચોરસ ડગરી કાઢીને ચાખવાની ટેવ હતી. એ પરંપરા હજુ આપણામાં ચાલુ જ છે. આપણે ભલે અહીં આવીને બ્રિટીશ બન્યા હોઇએ પણ આપણા ગુજરાતીપણાનો વારસો થોડો ભૂલી જવાય!! આવો… આજે તમને આપણા બ્રિટીશ ગુજરાતી માસીલોક સાથે શાકભાજી લેવા લઇ જઇએ.
બાસ્કેટ લઇને શોપમાં પેસતાં જ તાજાં સોનેરી ખજૂરનો ઢગલો સવારે જ પેલા શાકભાજીવાળાએ કર્યો હોય તોય ઢગલાને પાંચેય આંગળીઓ ખોસી, હાથ ફેરવતાં, ફેરવતાં ત્યાં ઉભા ઉભા જ એક પછી એક છ-સાત ખજૂર તો ચાખી જ લેવાની! એથી આગળ પ્લાસ્ટીકના કન્ટેનરમાં સરસ ગોઠવેલી દ્રાક્ષની લૂમોમાંથી એક ઝુમખું તોડી ટેસ્ટ કરવો જ પડે. ચાલતાં ચાલતાં એકાદ ચેરી ઉપર હાથ મારી એને પણ ન્યાય આપતા જઇએ. પેટનો જઠારાગ્નિ જરાક શાતા અનુભવે એટલે લીલાકચ દેખાતા તાજા તાજા ભીંડા ઉપર નજર પડે… ભીંડાના ઢગલે કાકા-માસીઓનું ઝૂંડ ફરી વળ્યું હોય, શાકવાળાએ સવારે સરસ તાજા જ ભીંડાનો ઢગલો કર્યો હોય પણ એને ઉથલાઇ ઉથલાઇને એક-એક ભીંડો વીણી, પાછલી પૂછડી કટ-કટ તોડી બેગો ભરવાની જાણે હોડ જામે. એકવાર અમેય એમાં સામેલ થયાં. એકસરખા સરસ કૂણા ભીંડા વીણતાં અમે બે માસીઓને પૂછ્યછયું,” તમે આ ભીંડાનું શાક કરતાં પહેલાં ધૂઓ છો?, જવાબ મલ્યો, “હાસ્તો, ચમ બોન આંમ પૂછો છો?!” અમે હસતાં હસતાં એના પરિણામ વિશે જણાવ્યું કે, “માસી આ ભીંડા ધોઇ ડ્રાય તો કરશો પણ પૂછડીયેથી પાણી અંદર પેઠું હશે એટલે ભીંડો વઘારશો તો કેવા ચીકણા તાંતણા થશે! આપણા ગુજરાતીને ભીંડા, ગૂવાર, ચોળી, પાપડી, વાલોર, મરચાં જેવાં ઉત્તમ શાકને પણ વીણે નહિ ત્યાં સુધી મનને સંતોષ થતો નથી!! હવે જઇએ આદુ તરફ… અહીંનું આદુ બ્રિટીશરો જેવું તગડું ને તરોતાજું મળે પણ તોય આપણા ગુજરાતીઓને આદુના ગાંઠિયાના બે કકડા કરે નહિ ત્યાં સુધી સંતોષ ના વળે. અહીં હોલેન્ડ-સાયપ્રસ અને કેન્યાનાં ત્રણ-ચાર જાતનાં સરસ રીંગણાં મળે. ખરીદદાર ગુજ્જુ માસીઓએ ચકચકતાં તાજાં રીંગણાની હાલત દબાવી દબાવીને સાંજ સુધીમાં મરેલા ઉંદર જેવી કરી નાંખી હોય છે. ઝૂડીબધ્ધ તાજી ભાજીઓ અહીં બારેય મહિના જોવા મળે. શાકભાજીની દુકાન બહાર જ સવારે તાજી પાલખ, મેથી, ધાણા અને સૂવાની ભાજીઓની ઝૂડીઓ વ્યવસ્થિત ઢગલાબંધ ગોઠવી હોય છે પણ વહેલી સવારે કાકાઓ અને માસીલોક ઉમટે એટલે ભાજીઓની હાલત જોવા જેવી થાય. આખા ઢગલાને ઉંચો-નીચો કરી, વેરવિખેર કરી સર્વોત્તમ ભાજી-ધાણાની ઝૂડીઓ ઉપાડે. આમ સાંજ સુધીમાં તો ભાજીઓની અનેકવાર ઉથલપાથલ થતાં એની હાલત પીંછાથી વીંખાઇ ગયેલા પક્ષી જેવી બની જાય. ધાણો મેથીમાં ઘૂસ્યો હોય, તો મેથી સૂવામાં…! આપણે ગૌરવવંતા ગુજરાતીઓ છીએ ભાઇ… પૈસા ખર્ચીએ પણ વસ્તુ લેતાં પહેલાં આપણે ચારવાર ચકાસીએ તો ખરા ને?!