આજકાલ ચોર, ધૂતારાઅો અને ઠગોનો રાફડો ફાટ્યો છે. કોઇને કોઇ રીતે બધાને ધનવાન બની જવું છે અને તે માટે ચોરી-ચપાટી અને ઠગાઇ કરવી પડે તો ભલે, પણ ગમે તે રીતે માલદાર બનવું છે. ઇનલેન્ડ રેવન્યુ HMRCનું રીફન્ડ આપવાનું છે, તમને લોટરી લાગી છે, તમારા બેન્ક એકાઉન્ટમાંથી મોટી રકમની ઉઠાંતરી કરાઇ છે વગેરે વગેરે... તમારી માહિતી મેળવીને ગઠીયાઅો લોકોને છેતરી રહ્યા છે. દુ:ખ એ વાતનું છે કે ચાલાક લોકો પણ ગઠીયાઅોની મીઠી જબાનમાં ફસાઇને મોટી રકમ ગુમાવે છે. ઠગાઇ કરવાના બનાવો એટલા બધા બની રહ્યા છે કે સાચુ શું છે તે કહેવું મુશ્કેલ બની ગયું છે. અત્યારે હાલમાં ઠગાઇ કરવાના બનાવોમાં સૌથી વધુ પ્રચલિત ત્રણ રીતો છે તેનો અત્રે ઉલ્લેખ કરાયો છે. ત્રણેય બનાવો સંપૂર્ણપણે સત્ય છે પરંતુ તેમની અોળખ પ્રસ્તુત કરાઇ નથી.
સાઉથ લંડનના ક્રોયડન ખાતે રહેતા ૪૦-૪૨ વર્ષના એક બહેનને તેમના મોબાઇલ ફોન પર દસેક દિવસ પૂર્વે સવારે ૧૧ના અરસામાં એક ગઠીયાનો ફોન આવ્યો. ગઠીયાએ સીધું જ ઉર્દુ મિશ્રીત હિન્દી ભાષામાં જણાવ્યું કે "સીસ્ટર, આપકો ૫૦,૦૦૦ પાઉન્ડ કા લોટરી લગા હે અૌર આપકો બાર્કલેઝ બેન્કસે પૈસા મીલ જાયેગા.” ચબરાક બેન પહેલા જ વાક્યમાં સમજી ગયા કે ગઠીયો તેમને છેતરવા કોશીષ કરી રહ્યો છે. તે ગઠીયો સીસ્ટર સીસ્ટર કહીને સમજાવતો રહ્યો કે તમારો બેન્ક એકાઉન્ટ નંબર આપો, કાર્ડની ડીટેઇલ આપો, તમારી જન્મ તારીખ આપો વગેરે વગેરે. તે બહેને વિગતો અપવાની આનાકાની કરતા ગઠીયો તેમને લોટરી લાગી હોવાની ખાતરી કરાવવા "કાલી માતા કી સોગંધ... ભગવાન રામજીકી સોગંધ" ખાઇને વાતો કરવા લાગ્યો. તે બહેન મક્કમ થઇને પોતાની વાતે વળગી રહ્યા હતા અને ગઠીયાને સાફ જણાવી દીધું હતું કે "ભાઇ તું બેન્કનો રેફરન્સ નંબર આપ, તું કહે તે બેન્કમાં જઇને લોટરીના £૫૦,૦૦૦ લઇ આવું, પણ તને તો મારી વિગતો ન જ આપું.”
બેન છેતરાય તેમ નથી અમે પોતાનો ટાઇમ વેસ્ટ થતો લાગતા ગઠીયો કંટાળીને જાત પર ઉતરી આવ્યો અને બે ચાર ગાળો બોલ્યો. બહેન પણ શરમ છોડીને વિફર્યા અને ગઠીયાને એટલી બધી સુરતી ગાળો સંભળાવી કે તેણે ફોન મૂકી દીધો. કદાચ એ ગઠીયો પણ છેતરવા જતા બે વાર વિચાર કરશે. અમને આગાઉ મળેલી ફરિયાદો મુજબ જે લોકો લાયકા મોબાઇલ કંપનીના ફોન ધરાવે છે તેમના પર ગઠીયાઅો ફોન કરીને લોટરી લાગી હોવાનું જણાવી લુંટવાનો પ્રયાસ કરે છે. લાયકા મોબાઇલ દ્વારા પણ પોતાના ગ્રાહકોને આ અંગે સાવધ કરાયા છે.
અમારા નોર્ધમ્પ્ટનમાં રહેતા એક વાચકને તાજેતરમાં જ HMRC – ઇનલેન્ડ રેવન્યુ વિભાગમાંથી આવ્યો હોય તેવો દેખાવ કરતો એક ઇમેઇલ મળ્યો હતો. જેમાં જણાવાયું હતું કે તમારા ટેક્ષનું £૨૬૫.૮૪નું રીફન્ડ આપવાનું છે અને તમારો રીફંડ નંબર ફલાણો છે. આ કેસમાં તમે કોમ્પ્યુટર પર અોનલાઇન ફોર્મ ભરવા ક્લીક કરો એટલે HMRCની વેબસાઇટ ખુલે અને તેમાં જણાવેલ રીફંડ માટેની લિંક પર ક્લીક કરતાં જ તે ફોર્મ ગઠીયાઅોએ બનાવેલી વેબસાઇટ પર ખુલે છે. તે રીફંડ ફોર્મમાં તમારૂ નામ, સરનામુ, જન્મ તારીખ, ડેબીટ કાર્ડનો નંબર, તેની એક્સપાયરી ડેટ, પાછળના CVV નંબર, મધર્સ મેડન નેમ વગેરે માંગ્યા હોય છે. તમારા હાથ – કાંડા કાપી લે તેવી આ વિગતો વેબસાઇટ પર ભરો એટલે તેઅો તમને ૫-૬ વર્કિંગ ડેમાં પૈસા મળી જશે. પરંતુ ખરેખર પૈસા મળવાના તો દુર, ગણતરીની મિનિટોમાં જ તમારા એકાઉન્ટમાં હોય તેટલી રકમ ઉડી જાય છે અને તમે જે દેશનું નામ પણ સાંભળ્યું ન હોય તે દેશમાંથી તમારા નામે ખરીદી થઇ જાય છે. આપણા વાચક મિત્ર તો ચાલાક હતા અને તેમણે ઇમેઇલનો કોઇ પ્રત્યુત્તર વાળ્યા વગર ગુજરાત સમાચારને પત્ર લખી વાચકોને ચેતવવા વિનંતી કરી હતી.
ત્રીજો બનાવ ઇલફર્ડના સેવનકિંગ્સ વિસ્તારમાં બન્યો હતો. જેમાં ૬૯ વર્ષના એક ગુજરાતી સદગૃહસ્થ બસ સ્ટોપ પર ઉભા હતા ત્યારે નેપાળી જેવો લાગતો એક માણસ આવ્યો હતો અને મી. સિંઘ, સોલીસીટર લખેલી ચબરખી બતાવી તેનું સરનામુ પૂછી વાત શરૂ કરી હતી. આ સમય દરમિયાન જ સામે રોડ પરથી એક બીજી મહિલા પણ ત્યાં આવી હતી અને વાતોમાં જોડાઇ હતી. નેપાલી યુવાને તુરંત જ પોતાના ખિસ્સામાંથી લોટરી કાઢીને જણાવ્યું હતું કે "મને ચાર મિલિયનની લોટરી લાગી છે પરંતુ હું ગેરેકાયદેસર રીતે આ દેશમાં વસતો હોવાથી મને લોટરી મળી શકે તેમ નથી.” આ સમય દરમિયાન મહિલાએ નેપાળી પાસેથી લોટરી માંગીને દુર ગઇ હતી અને ફોન કરીને લોટરી સાચી છે કે નહિં તે પૂછવાનું નાટક કર્યું હતું અને પાછી આવીને સદગૃહસ્થ વડિલને ૪ મિલિયન પાઉન્ડની લોટરી સાચી છે તેમ જણાવ્યું હતું.
નેપાલી ગઠીયાએ તે બહેન અને ભાઇને જણાવેલ કે મને તો લોટરી મળી શકે તેમ નથી પરંતુ તમે બન્ને જો થોડા ઘણાં પૈસા આપો તો હું મારી લોટરીની ટિકીટ તમને આપી દઉં અને તમે ઇનામની રકમ વહેંચી લેજો. સદગૃહસ્થ ભાઇ ઇનામની લાલચે તૈયાર થઇ ગયા હતા. ખૂબ જ સરસ લક્ઝુરીયસ મર્સીડીઝ કાર લઇને આવેલી તે મહિલા અને નેપાલી ગઠીયો બન્ને સદગૃહસ્થ ભાઇને તેમના ઘરે લઇ ગયા હતા. તે વડિલ ઘરે પૈસા લેવા જતા તેમના પત્નીને શંકા ગઇ હતી. તેમના સગા આવી જ રીતે પાંચ હજાર પાઉન્ડ ગુમાવી ચૂક્યા હોવાથી તે બહેને પતિને પૈસા ન આપવા જણાવી બે ચાર સગા પરિચીતોને ફોન કર્યા હતા અને ખાતરી કરી હતી. તે દંપત્તીએ બહાર જઇને તપાસ કરતા નેપાલી જેવો ગઠીયો અને તેની સાથીદાર મહિલા સદગૃહસ્થને આવવામાં વધારે વાર લાગી હોવાથી પોલીસ આવી પહોંચશે તેવા ડરે તેમની ગ્રે કલરની મર્સીડીજ લઇને ફરાર થઇ ગયા હતા.
આ અગાઉ પણ 'ગુજરાત સમાચાર'માં આ રીતે લાગેલી લોટરી ખરીદવા જતા નાણાં ગુમાવ્યા હોવાના સમાચાર પ્રસિધ્ધ થઇ ચૂક્યા છે અને તેમ છતાં સાત આઠ લોકો પોતાના નાણાં ગુમાવી ચૂક્યા છે. ઇનલેન્ડ રેવન્યુ કદી તમને ઇમેઇલ દ્વારા કહેતું નથી કે તમારું રીફંડ મળશે. ઇનલેન્ડ રેવન્યુ તમને સીધો જ રીફંડનો ચેક મોકલી દે છે અને તે માટે કોઇ પત્રવ્યવહાર કરાતો નથી.
પરંતુ મિત્રો, એમ કદી કોઇ મફત પૈસા આપે ખરું? આવી રીતે ઠગાઇ કરવાના એટલા બધા બનાવ બને છે કે બેન્કો અને મોબાઇલ કંપનીઅો પોતાના ગ્રાહકોને ઇમેઇલ દ્વારા અને આપનું પોતાનું ગુજરાત સમાચાર અવાનવાર સમાચારો રજૂ કરીને છેતરપીંડી કરતા ગઠીયાઅો અંગે માહિતી આપીને ચેતવવાની કોશીષ કરે છે.
છેતરપીંડીથી બચવું હોય તો કદાપી કોઇ પણ વ્યક્તિને ચાહે તે પોલીસ હોય કે બેન્કનો અધિકારી હોય કોઇને પણ ફોન પર કે રૂબરૂમાં કદાપી પોતાના બેન્ક કાર્ડની પાછળનો CVV નંબર આપશો નહિં. તમને ખબર ન હોય તો તમારી જન્મ તારીખ અને બેન્ક કાર્ડની ડટેઇલ અોનલાઇન એટલે કે ઇન્ટરનેટ પર આપશો નહિં. બને ત્યાં સુધી ખાનગી દુકાન કે રોડ પર આવેલા કેશ મશીન (ATM)માંથી રોકડ રકમ ઉપાડશો. નાનકડી કે અજાણી હોય તેવી દુકાનમાંથી ખરીદી કરવા પોતાનું કાર્ડ આપશો નહિં.
મિત્રો, દુનિયા એટલી બદલાઇ ગઇ છે કે હવે કોઇની પર પણ ભરોસો કરતા એક બે નહિં પણ દસ વાર વિચાર કરજો અને તમને જેના પર પણ ભરોસો લાગે તેમને પૂછજો. પણ યાદ રાખજો પોતાની અંગત વિગતો ક્યારેય આપવી નહિં. જરૂર જણાય તો કમલ રાવને મોબાઇલ નં. 07875 229 211 ઉપર ફોન કરીને સલાહ મેળવી શકો છો.