લંડનઃ ચેરિટી સંસ્થાના નામે લોકો પાસેથી ૧૬૭,૦૦૦ પાઉન્ડ એકત્ર કરવાની છેતરપિંડી આચરનારા સ્ટ્રેટફર્ડના મોહમ્મદ નઝરુલ આલમને ત્રણ વર્ષ અને ઈલ્ફર્ડના તેના એકાઉન્ટન્ટ સાથી મોહમ્મદ મોહસીનને બ્લેકફ્રાયર્સ ક્રાઉન કોર્ટે નવ મહિનાની જેલની સજા ફરમાવી છે. જે ૧૮ મહિના માટે સસ્પેન્ડ રખાઈ છે.
નોન એલાયન્સ સોશિયલ એઈડ ફાઉન્ડેશનના ટ્રસ્ટી મોહમ્મદ આલમે ચાર વર્ષના ગાળામાં ૧૬૭,૦૦૦ પાઉન્ડની ઉચાપત કરી હતી. આ ટ્રસ્ટ હાલ બંધ હાલતમાં છે. ચેરિટી કમિશને આ સંસ્થાને તેના ચેરિટી રજિસ્ટર પરથી દૂર કરી છે. એકાઉન્ટન્ટ મોહસીને ચેરિટી કમિશનને બનાવટી વાર્ષિક રિપોર્ટ્સ મોકલ્યા હતા. આ સંદર્ભે તેની પ્રોફેશનલ સંસ્થાએ તેનું સભ્યપદ રદ કર્યું છે.
બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસ અધિકારીઓના ધ્યાને આવ્યું હતું કે ચેરિટી દ્વારા રેલવેમાં ભારે રકમો એકત્ર કરવામાં આવે છે પરંતુ, ચેરિટી કમિશનની વેબસાઈટ પર મૂકાયેલા રિપોર્ટ્સ સાચા નહિ લાગતા તપાસ શરુ કરાઈ હતી.