બ્રિટનમાંથી શિયાળો ધીમે પગલે વિદાય થાય ત્યાં સર્વત્ર વસંતના આગમન સાથે વૃક્ષો-વેલીઓ પૂરબહારમાં ખીલી ઉઠે છે, ડેફાડિલનાં પીળાં પુષ્પો પણ જાણે માર્ચમાં આવનારા માતૃદિને સમગ્ર માતૃશક્તિને ઝૂકી ઝૂકીને વંદન કરતા હોય એવું લાગે. આ વર્ષે બ્રિટનમાં ૨૭ માર્ચ, રવિવારે મધર્સ ડે ઉજવાશે. જન્મદાતા મારી મા પરમ વંદનીય પૂજ્ય કાશીબાને ચરણે નતમસ્તકે અંજલિ આપું છું ત્યારે મને પહેલા ધોરણમાં શિક્ષિકાએ શીખવાડેલી કવિતા યાદ આવી. “બોલું હું તો અક્ષર પહેલો બા.. બા..બા, હસતાં બોલું રડતાં બોલું બા.. બા..બા, ખાતાં બોલું પીતાં બોલું બા..બા..બા.” મારી વાત્સલ્યની વિરડી, સમી માને દિવંગત થયાને ૧૫ વર્ષ વીતી ગયાં પણ હજુ હૈયે એનું મમત્વ, અપાર સ્નેહ હજુ તાજાં થાય છે ને આંખે અશ્રુધારા વહેવા લાગે છે.
“કાશીબા" એવું નથી કે હું ફક્ત આજના જ દિવસે તને યાદ કરું છું, આજના દિવસે તો દુનિયાને ફક્ત એટલું જ જણાવું છું કે મારા જીવન ઘડતરમાં તારું કેટલું મોટું અનુદાન છે. પાંચ દિકરીઓ અને ત્રણ દિકરા સાથેનો બહોળો પરિવાર અને પિતાશ્રી વ્યાપારમાં વ્યસ્ત હોવા છતાં તેં અમારું કેટલું સ્નેહથી સંસ્કાર સિંચન કર્યું છે. આ જીવનમાં મેં નથી કરી ચારધામ જાત્રા પણ તુ જ મારું કાશી, ગંગા ને મથુરા માની તારી છત્રછાયા હેઠળ મેં અપાર આશિષ મેળવી છે. માતાના હૈયાના આશીર્વાદ એ જ સંતાનની સાચી મૂડી છે. “મા"ના વાત્સલ્યમાં જગતભરનું રસાયણ ભરેલું હોય છે. ઇશ્વરના ખજાનામાં જયારે પ્રેમ-વાત્સલ્યનો ખજાનો વધી ગયો ત્યારે તેમણે એક સુંદર મમત્વ ભરેલી મૂર્તિનું નિર્માણ કરીને એનામાં અપારપ્રેમની અવિરત સરવાણી વહે એવું હૈયું દીધું અને પૃથ્વીલોકના માનવને "મા"ના રૂપમાં અણમોલ ભેટ આપી.
એક મા જ એવી છે જે તેના સંતાનની આંખમાં જ તેનુ મન વાંચી શકે છે અને જાણી લે છે તેને શું જોઈએ છે.ભગવાનને પ્રાર્થના કરે તો તેમાં પણ તેના સંતાનોના સુખ શાંતિ અને સફળતાની માગણી હોય, પોતાની માટે તો તે ક્યારેય વિચાર શુધ્ધાં નહી કરે. મા જીવે છે તો પરિવાર માટે ! મા પુજનીય છે !
માઁ એક એવો સંબંધ, જે ઉંમરની સાથે વધે છે કે ન તો સમયની સાથે વહે છે. માઁ તો ફક્ત માઁ જ હોય છે. કોઈ પણ વયમાં,એક વર્ષથી લઈને સો વર્ષ સુધી માઁ કદી પણ નથી બદલાતી. સમય બદલાય, સમાજ બદલાય, સંસ્કૃતિ બદદલાય પણ સદીઓથી માઁની વ્યાખ્યા કે "મા" બદલાઇ નથી.
શિશુ નવ માસ માના ગર્ભમાં હોય, જેમ જેમ વિકાસ થાય, તેની બધીજ હલચલનો અનુભવ મા'ને થાય ત્યારે એ રોમાંચ અનુભવે. ગર્ભમાં કોમળ પગથી એ નાની લાત મારે ત્યારે માને કેટલી મીઠી લાગે પરંતુ એ જ સંતાન મોટુ થઈ જ્યારે માને, માના પ્રેમને લાત મારે ત્યારે તેના દિલ પર શું વીતતી હોય છે તેની કલ્પના એ સંતાન નહીં કરી શકે. આપણા ધર્મશાસ્ત્રો કે ધર્મોપદેશકો કેટલીય વાર કહે છે, “માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ" પણ આ ધર્મનો મર્મ કેટલા સમજે છે?!! પશ્ચિમની પરંપરાએ વરસના એક દિવસે જન્મદાતાને યાદ કરાવતા "માતૃદિન"ની ઉજવણી કરવાની પ્રથા શરૂ કરી છે એનું અનુસરણ હવે ભારતની યુવાપેઢી પણ કરી માતૃદિન ઉજવે છે એ આનંદની વાત છે.
સૌ માતૃશક્તિને "મધર્સ ડે"ની શુભકામના.