લંડનઃબ્રિટિશ સિટિઝન એવોર્ડ (BCA) મેળવનારા વધુ લોકોની જાહેરાત ૨૯ ડિસેમ્બરે કરાઈ હતી. ગરીબ, નિ:સહાય પોલિયોગ્રસ્ત, બહેરા-મૂંગા અને અંધ બાળકોને શિક્ષણ માટે સહાયક બનનારા મયૂર પટેલ સહિત ૩૩ વ્યક્તિવિશેષને ખાસ સમારંભમાં BCA ચંદ્રક એનાયત કરવામાં આવનાર છે. મયૂર પટેલને ઈન્ટરનેશનલ એચિવમેન્ટ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયો છે. તમામ ક્ષેત્રોમાં વિશિષ્ટ અને નોંધપાત્ર કામગીરી બજાવનારા લોકોની સિદ્ધિઓને બિરદાવવા ૨૦૧૪ના ઓટમમાં આ પહેલ કરવામાં આવી હતી.
બોલ્ડનસ્થિત મયૂર પટેલે સંખ્યાબંધ સખાવતી કાર્યોમાં સક્રિય બનીને આફ્રિકા અને ભારતીય ઉપખંડમાં ગરીબી અને બીમારીથી અક્ષમ બનેલા હજારો બાળકોની મદદ કરી છે. અાવા વિકલાંગ, ગરીબ બાળકોને યુનિવર્સિટી શિક્ષણ મળી શકે તે માટે તેઅો મદદરૂપ બન્યા છે. તેઓ પોતાની ચેરિટી સંસ્થાઓ માટે ૧.૫ મિલિયન પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરવામાં સહાયક બન્યા છે.
બ્યુરોક્રસી અને ફોર્માલિટીની દખલ વિનાના નવા રાષ્ટ્રીય એવોર્ડની રચનાની આયોજકોની ઈચ્છામાંથી આ એવોર્ડનું સર્જન થયું છે. BCAના સહસ્થાપક માઈક ફોકનરે જણાવ્યું હતું કે એવોર્ડ્સ વિશે માહિતીનો પ્રસાર થતાં નોમિનેશન કરાતા લોકોની સંખ્યા ઘણી વધી છે. આ વાસ્તવમાં પીપલ્સ ઓનર્સ બની રહેલ છે. ડચેસ ઓફ યોર્ક સારાહ પણ ડેમ મેરી પર્કિન્સ અને હિલેરી ડેવીની સાથે બ્રિટિશ સિટિઝન એવોર્ડના પેટ્રન બન્યાં છે.
મયૂર પટેલ ભારત સહિત અાફ્રિકામાં સેવાકાર્ય કરી રહ્યા છે. તેમના દ્વારા ગરીબ વિદ્યાર્થીઅોને ‘અોલ્ડ કંપાલા અલૂમ નાઇટ’ ફંડ દ્વારા સ્કોલરશિપ અાપે છે. બહેરા બાળકો માટે ‘શ્રવણા’ ચેરિટી દ્વારા ૧૧૦૦ જેટલા ગરીબ નિ:સહાયને હીયરીંગ એડ અાપવામાં અાવ્યા છે. અા ઉપરાંત "લીટલ ડ્રોપ્સ" નામક ચેરિટી દ્વારા પણ અક્ષમ વિકલાંગોને શૈક્ષણિક સેવા અાપી રહ્યા છે. તેઅો ‘પોલિયો ચિલ્ડ્રન’ ચેરિટી સંસ્થાના ટ્રસ્ટી છે. એમના મોટાભાઇ અરૂણભાઇ પટેલ જેઅો પોતે પોલિયો પીડિતગ્રસ્ત છે તેઅો અને અમેરિકાસ્થિત એક ભાઇ ડો. શિરીષભાઇ પણ સ્થાપક ટ્રસ્ટી છે. અાફ્રિકામાં અભ્યાસ દરમિયાન અરૂણભાઇએ જાતે અનુભવેલી વિટંબણા બાદ મયૂરભાઇ, અરૂણભાઇ અને ડો.શિરીષભાઇ એ ત્રણેય ભાઇઅોએ અાફ્રિકા અને ભારતના ગરીબ પોલિયોગ્રસ્ત બાળકોને સહાય કરવા સેવાલક્ષી સંસ્થા ‘પોલિયો ચિલ્ડ્રન’ની સ્થાપના કરી છે. એમની અા સંસ્થા દ્વારા રાજસ્થાનમાં ત્યજી દેવાયેલા અસંખ્ય નિ:સહાય, ગરીબ પોલિયોગ્રસ્તોને શિક્ષણ અપાય છે. મયૂર પટેલે જણાવ્યું કે, ‘નેપાળ અને ક્રોએશિયાથી પણ મદદ માટે હાથ લંબાવ્યો છે.’