તંત્રી અને મિત્ર, સી.બી. આપના આગ્રહથી અને તમારા પોતાના પ્રેરણાસભર અનુભવથી હું આ લખવા માટે પ્રેરાઇ છું. નિવૃત્તિકાળમાં અને નિવૃત્તિના આરે આવેલા વિશેષ લોકો પણ સમયનો સદુપયોગ કરી દેશ – સમાજને માટે નાની-મોટી પ્રવૃત્તિઓ - અપેક્ષા કે વેતન વગર કરી શકે તો - કરી શકાય. જેનાથી આપણા પાડોશીઓ (કોઈ પણ જાતના હોય) કે પછી સગાઓ અને વ્હાલાઓ (મિત્રો), અરે! અજાણી વ્યક્તિઓને પણ મદદરૂપ થઈ તેમના જીવનમાં તે દિવસ, થોડા કલાક કે ક્ષણોને આનંદમય કરી શકાય. એકલા લોકોને કે માંદગીને બિછાને નિરુપાય થયેલા થોડા એવા મિત્રો મળવા જઈએ અને વાંસે હાથ ફેરવીને આપણી લાગણી વ્યક્ત કરીએ. થોડુંક ભાવતું ખાવાનું પણ લઈ જઈ શકીએ. તેઓ ખૂબ જ આનંદમાં આવી જશે અને કદાચ તેઓને પોતાને પણ આવા જ કોઈ પ્રકારની સેવા કરવાની ઈચ્છા જાગૃત થાય.
વાચકો, મારી બડાઈ મારવા આ લખતી નથી. આ મારો ઉદ્દેશ્ય નથી. મહાભારતના શાંતિપર્વમાં વ્યાસજી કહે છે, ‘કૃષ્ણ એ જ એક માત્ર કર્તા છે.’ આપણે તો એના જંબુરીયા, જેમ નચાવે તેમ નાચીએ - ‘કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન્’.
એક જાણીતા સમાજશાસ્ત્રીએ કહ્યું છે કે પ્રત્યેક મનુષ્યમાં મૃદુતાનો - ઋજુતાનો અંશ હોય છે, પછી ભલે તે ગમે તેટલો કઠોર કેમ ન હોય? દયાનંદ સરસ્વતીજી પણ કહેતા કે મનુષ્ય સેવા એ પ્રભુસેવા છે. પરમાર્થ કે સેવાધર્મ (અપેક્ષા) વગરનો એ ધર્મ છે. ધર્મ હંમેશા દેવાલયોમાં કે શાસ્ત્રોમાં જ નથી હોતો. વિચાર –
વાણી - વિવેક પણ આખરે તો એક પ્રકારનો ધર્મ જ છે.
છેલ્લા 13-14 વર્ષથી અમે ઘરે બપોરના સમયે વર્ષમાં 2-3 વાર લંચના બહાને મળીએ છીએ. શરૂઆતમાં નાનો પ્રસાદ અને પછી જ્ઞાન – ગમ્મત – સંગીત કોઈ સારા વિષય પર વાર્તાલાપ વગેરેમાં દોઢેક કલાક પસાર કર્યા પછી મોટો પ્રસાદ લઈને અમે છુટા પડીએ છીએ.
પણ હા, એ બધાએ મને (સદ્કાર્ય માટે) પૈસા આપવાના - શરૂઆતમાં રકમ નક્કી કરીને કહેતી, પણ હવે તો વધારે પણ કહું છું તો પણ દિલદાર મિત્રો બહુ જ સારી રકમ આપે પણ છે. આવા એક લંચમાં 700 – 900 પાઉન્ડ ભેગા થઈ જાય – જ્યારે કોઈ વાર સજોડે પણ લંચ યોજ્યા છે, ત્યારે પણ 1500 - 2000 પાઉન્ડ ભેગા થઈ જાય. શરૂઆતમાં 2-3 વર્ષ અક્ષયપાત્ર અને મેકમિલન કેન્સર ચેરિટીને આ નાણાં આપતા હતા, પણ પછી કેન્સર રિસર્ચ
અને ડિમેન્શિયા રિસર્ચમાં આપીએ છીએ. ‘WHO’ (હૂ) અને હોસ્પિસ માટે પણ નાણાં આપ્યા છે.
આ સદ્કાર્યમાં આવતા મિત્રોમાં ભેદભાવ નથી હોતા. ગરીબ પણ આવે છે અને તવંગર પણ આવે છે. શરીરથી અને મનની જે નબળાઈ છે એમને ખાસ આમંત્રણ – આ પ્રકારના લંચમાંથી અમારા આસ્મા સુતરવાલાએ પણ પ્રેરણા લઈ પોતાને ત્યાં પણ ઘણાને આમંત્રિત કર્યા - અને સારી રકમ સદ્કાર્ય માટે ભેગી કરી.
મિત્રો, ‘ગુજરાત સમાચાર’ના વાચકો આપણે આ દેશમાં ઘણા જ નિશ્ચિંત છીએ. હોસ્પિટલો કે ડોક્ટરોના ખર્ચા માટે ભલે આપણે ટેક્સ ભર્યા, પણ અત્યારે આયુષ્ય સરેરાશ પહેલાં કરતાં લાંબુ થતું જાય છે. NHS જિંદાબાદ, આપણને કોઈ કોઈ ચિંતા નથી. પેન્શન, એનએચએસ અને રાણીનું મફત ટ્રાવેલ કાર્ડ! કેમ લાગે છે? અહીં લગભગ આપણે કોઈ એવા ગરીબ નથી. હું જ નહીં, કદાચ આપણે સૌ અહીં રહીને બ્રિટિશર થઈ ગયા. મને તેનું ઘણું જ ગૌરવ છે. જન્મભૂમિ ભલે ભારત કે આફ્રિકા હોય, પણ કર્મભૂમિ આપણી આ જ છે. થોડા જ દિવસ પહેલાં લોર્ડ ડોલરભાઈ પોપટે એક જગ્યાએ આવું જ કહ્યું હતું તે મને હજુ પણ યાદ છે. તેઓને અહીંની પ્રજા અને દેશ માટે ગૌરવ છે.
NHS માટે જે થોડી સેવા થાય તે કરીએ છીએ. (લગભગ 2011માં નાતાલ વખતે X'MAS EVE ના રાત્રિના સમયે હોસ્પિટલની કેઝ્યુલ્ટીમાં કાર ભરીને ખાવાનું લઈને ગયા હું અને મારા પતિ સ્વ. મહેશ. તે લોકો એટલા તો ખુશ થયા અને હોંશે હોંશે બધાં ખાવાનું ઉપાડવામાં મદદ કરવા લાગ્યા. સાથે એમ્બ્યુલન્સ સ્ટાફ પણ. આ પછી હવે અમે દર વર્ષે X'MAS EVE અને NEW YEAR EVE પ્રસંગે આ કાર્ય શરૂ કર્યું છે. બે વર્ષ પછી અમારા બે-ચાર મિત્રોને ખબર પડી તો તેઓ કહે કે અમારે પણ આમાં થોડા પૈસા આપવા છે. આથી હવે બે કાર ભરીને બે હોસ્પિટલમાં કેઝ્યુલ્ટીમાં આપીએ. (ભોજનસામગ્રીમાં સમોસા પણ ખરા.) અરે હા, 22 ડિસેમ્બરે સ્વ. મહેશનો જન્મદિન આવ્યા પછી નવા વર્ષમાં મને ભોજનસામગ્રી પહોંચાડવાનો વિચાર આવ્યો હતો.
કોરોનાકાળ વખતે વર્ષમાં બેથી ત્રણ વાર અમે આ પ્રકારે ભોજનસામગ્રી પહોંચાડી. એક વાર ‘ગુજરાત સમાચાર’ના જ્યોત્સનાબહેન, આસ્માબહેન, શકીનાબહેન મારી સાથે આવ્યાં. તેમને આ બધું આયોજન કઇ રીતે થાય છે તે જાણવાની જિજ્ઞાસા હતી. એટલું જ નહીં, આ ઉમદા કાર્ય માટે આર્થિક સહાય પણ કરી. તેઓએ હોસ્પિટલના સ્ટાફની ખુશી નજરે જોઈ હતી.
બીજી એક વખતે NEW YEAR EVEમાં બીજા મિત્ર આવ્યા. બે હોસ્પિટલમાં ભોજનસામગ્રીનું વિતરણ કરવાનું હતું. અમે રોયલ ફ્રીમાં પહેલાં ગયા. સમોસાની સુગંધ અને પુષ્કળ ખાદ્યપદાર્થ જોઈ તેઓ આનંદિત તો થયા જ. પણ એક એમ્બ્યુલન્સ ડ્રાઈવરે આવીને કહ્યું કે તમારી પાસે થોડીક વધારે (ભોજનસામગ્રી) હોય તો કેમડનમાં એમ્બ્યુલન્સ ડેપોમાં હું લઈ જાઉં. કોરોના વખતે કાફે - રેસ્ટોરન્ટ બધું જ બંધ. રાત્રિના 8થી સવાર 8 વાગ્યા સુધી બિચારા કામ કરતા. વાચકો મિત્રો, આપ માનશો? તેમની આંખોમાં પાણી આવી ગયા હતા. અને અમારા ફ્રેન્ડ ત્યાંથી સીધા કેમડન ડેપો પહોંચ્યા અને અમે બધા બીજી હોસ્પિટલમાં.
અમારી સર્જરી પ્રેક્ટિસ ઘણી જ મોટી છે. લગભગ 30 જણાનો સ્ટાફ છે અને ખરેખર તો સૌ ખૂબ જ સારા છે. વર્ષમાં બેથી ત્રણ વાર સર્જરી માટે હું પોતે જ ઘરમાં બનાવેલો બપોરનો નાસ્તો લઈ જાઉં છું. તેઓને આપણું (ભારતીય) ખાવાનું ઘણું જ ભાવે છે. આ સિવાય અત્યારે સિઝનમાં કેરી પણ ખરી... અને હા, નજીકના મિત્રો કે પાડોશીઓને મળવા પણ ખાસ જાઉં છું કે જેઓ શારીરિક – માનસિક વ્યથામાંથી ગુજરતા હોય. મેં જાતે જોયું છે કે આ લોકોને મળીએ અને પ્રેમથી બેસીને થોડી વાત કરીએ કે વાંસે હાથ ફેરવીએ તો તેઓને ખૂબ જ આનંદ આવે છે. થોડું ભાવતું ખાવાનું પણ લઈ જાઉં... ફોનમાં ખબરઅંતર પૂછી શકાય, પણ આમ પણ ઘણા લોકોને કોઈ મળવા આવવાનું નથી. અને આમાં પણ કોઇ પણ જાતનો ભેદભાવ નહીં કે નાના ગરીબ પાસે ન જવું - તેઓ જ હંમેશા મારી પહેલી પસંદગી છે.
એક વખત મેં ‘રિડર્સ ડાઇજેસ્ટ’માં વાંચ્યું હતું કે ડોક્ટરોની કદર કરવી તે પણ સારું છે. જ્યારે પણ હોસ્પિટલમાં જવાનું થાય છે, કોઈને પણ જવાનું થયું હશે ત્યારે જોયું હશે કે ત્યાં કોઈ જાતના ભેદભાવ નથી. આ દેશમાં પણ મારો 59 વર્ષનો અનુભવ છે. ધન્ય છે... NHSની સેવા પ્રશંસનીય છે. આવી સુવિધા અને સેવા બીજા કોઇ દેશમાં ક્યાંય પણ ઉપલબ્ધ છે? મારા ખ્યાલમાં તો આવું કંઇ નથી.
આ સિવાય સદ્કાર્યના ઉદ્દેશ સાથે 10 વર્ષ પહેલાં ભારતીય વિદ્યા ભવનમાં એક ચેરિટી શો એરેન્જ કર્યો હતો. ભવને મને ભાડામાં સસ્તું આપ્યું તો રાધિ ચોપરાએ પણ ગીત–સંગીત વિનામૂલ્યે આપ્યું. અમે સારા એવા પૈસા ભેગા કર્યાં. અનુક્રમે નારાયણ સેવા સંસ્થા, રામકૃષ્ણ મિશનમાં તેમજ ભારતમાં સુનામી વેળા જે અમુક જગ્યાએ હજુ મદદ નહોતી પહોંચી ત્યાં સારા એવા પૈસા આપ્યા હતા.
આવા બધા સદ્કાર્ય એકલાથી સંભવિત નથી. આમાં ઘણા જ લોકોનો સાથ મળ્યો છે. ખાસ કરીને મારા સ્વ. મહેશનો, મારા દીકરાનો અને સ્નેહાળ મિત્રોનો... આ સૌ મારી માળાના મજબૂત મણકાઓ છે. તેઓનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ...
મને ખબર છે કે આવા સેવાના કાર્યો અનેક લોકો કરી રહ્યા છે. અનેક સંસ્થાઓ પણ કરી રહી છે. પોતપોતાની રીતે જીવનમાં માનવતાના કાર્યો કરીને તેઓ સૌ પોતાના જીવનની સાર્થકતા પૂરવાર કરે છે.
મુખવાસ...
પ્રભુની લીલા અકળ છે, એ સુખ આપે છે ત્યારે દુઃખની પરિસીમા બાંધે છે. પરમ કૃપાળુ બહુ જ મુશ્કેલીએ રીઝે, એમને રીઝવવા ઘણા જ અઘરાં છે, પણ રીઝે ત્યારે ત્યારે અનરાધાર વરસે - પછી એ જન્મજન્માન્તરનો સમય પણ હોય તોય રાહ જોવી પડે... કેમ લાગે છે?