લેસ્ટરઃ મંગેતર ભાવિની પ્રવીણની ચાકુના ઘા મારી કરપીણ હત્યા કરવાના ગુનામાં લેસ્ટર ક્રાઉન કોર્ટે ૧૬ સપ્ટેમ્બર બુધવારે ૨૪ વર્ષના જિગુકુમાર સોરઠીને આજીવન કેદની સજા ફરમાવી હતી. જજ ટિમોથી સ્પેન્સર QCએ ચુકાદો આપતા આ અપરાધને ક્રૂર, ભયાનક અને દયાહીન હત્યા તરીકે ઓળખાવ્યો હતો. સોરઠીએ ઓછામાં ઓછાં ૨૮ વર્ષ જેલના સળિયા પાછળ વીતાવવા પડશે. અગાઉ, શુક્રવાર, ૧૧ સપ્ટેમ્બરે કોર્ટ જ્યુરીએ માત્ર એક કલાકની વિચારણાના અંતે સર્વાનુમતે સોરઠીને હત્યાનો અપરાધી ઠરાવ્યો હતો.
જજ સ્પેન્સરે ૧૬ સપ્ટેમ્બર બુધવારે બપોર પછી અપાયેલા ચુકાદામાં સોરઠીએ ભાવિનીની હત્યા કરવા બદલ કોઈ પશ્ચાતાપ દર્શાવ્યો ન હતો અને લગ્નનો ઈનકાર કરાયાથી પોતાના પરિવારની પ્રતિષ્ઠાને ભારે હાનિ પહોંચ્યાનું વિચારી બદલા તરીકે ‘ઓનર કિલિંગ’ હત્યા કરી હોવાનું પણ જણાવ્યું હતું. લેસ્ટરના બેલગ્રેવના મૂર્સ રોડ પર પ્રવીણ ફેમિલીના ઘરમાં સોમવાર, બીજી માર્ચની ઘટનામાં ભાવિનીનું તેની માતાના ખોળામાં મોત નીપજ્યું હતું.
જજ સ્પેન્સરે જણાવ્યું હતું કે,‘આ ભયાનક, ક્રૂર અને દયાવિહોણું કૃત્ય હતું. તે માત્ર ૨૧ વર્ષની સુંદર અને પ્રતિભાશાળી યુવતીનું જીવન છીનવી લીધું છે. આ શા માટે?’ તેમણે ભાવિનીના પરિવારના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો કે,‘આમાં બે ફકરા દિલને ઝણઝણાવે છે. તેમની દીકરીને ભારત લઈ જઈ ધામધૂમથી લગ્ન કરવાનું તેમનું સ્વપ્ન હતું અને તમે પણ તેના સહયોગી હતા. વાસ્તવિકતા એ છે કે તેઓ દીકરીના અસ્થિવિસર્જન માટે ભારત લઈ જઈ રહ્યા છે. તમે સમગ્ર ટ્રાયલ દરમિયાન કોઈ પશ્ચાતાપ દર્શાવ્યો નથી.’ જજે કહ્યું હતું કે સોરઠી ચાકુ લઈને ત્યાં ગયો હતો તે તેની તૈયારી અને ઈરાદો દર્શાવે છે. સોરઠીએ હત્યાના દિવસે એક માત્ર યોગ્ય કામ પોતાને પોલીસને હવાલે કરવાનું કર્યું હતું.
સોરઠીએ પોલીસ સમક્ષ દાવો કર્યો હતો કે ભાવિનીએ તેની જિંદગી ખરાબ કરી નાખી હતી. જજે જણાવ્યું હતું કે પ્રવીણ ફેમિલીએ તેના સાથે ખરાબ વ્યવહાર કર્યો હોવાનો કે હિંસાની ધમકી આપ્યાની સોરઠીની જુબાની તેમણે અને જ્યુરીએ ફગાવી દીધી છે. જજે જણાવ્યું હતું કે અગાઉ અપરાધી નહિ ઠરેલા સોરઠીને કોઈ માનસિક સમસ્યા હોવાનું તેઓ સ્વીકારે છે. અજાણ્યા વાતાવરણમાં ગોઠવાઈ શકવાનું તેના માટે મુશ્કેલ હતું. આરોપી લેસ્ટરની ફેક્ટરીમાં ઘણા કલાકો કામ કરતો હતો. ભારતમાં તેણે ૧૧ વર્ષની વયે અભ્યાસ છોડ્યો હતો અને ખલાસીની સાદી જિંદગી જીવતો હતો. આનાથી વિરુદ્ધ, ભાવિનીએ કોલેજનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું અને તેને નર્સિંગ કેરિયરમાં જવાની ઈચ્છા હતી.
નોર્થ એવિંગ્ટનના ઈસ્ટ પાર્ક રોડ ખાતેના રહેવાસી સોરઠીએ હત્યાનો ઈનકાર કર્યો હતો. તેણે આવેશમાં આ કૃત્ય કર્યાનું કહ્યું હતું. હળવી સજા આપવાની વિનંતી કરતા સોરઠીના વકીલ તાહિર ખાન QCએ કહ્યું હતું કે તે ૨૩ વર્ષનો છે અને તેને પેરોલની અરજીની તક મળે તે પહેલા તે આધેડ વયનો થઈ જશે. ગ્રે ટ્રેકસૂટ પહેરેલો સોરઠી શાંતિથી કોઈ પ્રતિક્રિયા આપ્યા વિના બેસી રહ્યો હતો. ગુજરાતી દુભાષિયાએ તેને સજાની કાર્યવાહી સંભળાવી હતી અને સજા જાહેર થયા પછી તે આંખના આંસુ લૂછતો રહ્યો હતો. સોરઠી અને ભાવિનીના સિવિલ મેરેજ ભારતમાં ૨૦૧૭માં થયાં હતાં અને ઓગસ્ટ ૨૦૧૮માં તે સ્પાઉઝલ વિઝા પર યુકે આવ્યો હતો. આ પછીના ૧૮ મહિનામાં બંને વચ્ચે મનમેળ ન રહ્યો અને તેઓ અલગ અલગ રહેતાં હતાં.