લંડનઃ ઘણી વખત પુનર્મિલન એટલે કે રીયુનિયનની પ્રક્રિયાને લાગણીશીલ રોલર કોસ્ટર તરીકે સરખાવાય છે. ભૂતકાળની અનેક તીવ્ર લાગણીઓ બહાર વહેવા લાગે છે અને એકબીજાને શોધી કાઢ્યાનો આનંદ ઉદાસી અને હાનિની લાગણીઓમાં પણ ફેરવાઈ જઈ શકે છે. રવિવાર, 28 મે 2023ના દિવસે હીથ્રો ખાતે રેડિસન રેડ હોટેલમાં આયોજિત ‘જિન્જા રીયુનિયન 2023’માં પણ આવી જ લાગણીઓ વહેતી જોવાં મળી હતી. જિન્જાના રહેવાસીઓ અને તેમના જીવનસાથીઓનાં પુનર્મિલન સમારોહમાં શક્તિશાળી સંવેદનાઓ છલકાઈ ઉઠી હતી. બીજા શબ્દોમાં કહીએ તો આ ‘સ્મરણયાત્રા’ પર જવાનો સમય હતો. જિન્જા છોડીને ગયાના 50 વર્ષોમાં વિશ્વભરમાં વિવિધ ક્ષેત્રોમાં ગણનાપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી હોય તેવા કોમ્યુનિટીના સભ્યોને ‘જિન્જા રત્ન’ એવોર્ડ્સથી નવાજાયા હતા.
યુગાન્ડાના યુકેસ્થિત હાઈ કમિશનર અને આયર્લેન્ડના એમ્બેસેડર નિમિષા માધવાણીએ જણાવ્યું હતું કે, ‘હું આજે જ્યાં છું તે મારાં પરિવારના લીધે જ છું. પ્રેસિડેન્ટે આ પદ માટે મારાંમાં વિશ્વાસ મૂક્યો તેનાથી હું સન્માનિત છું. હું આશા રાખું છું કે હું મારાં દેશની બુદ્ધપૂર્વક, વિશ્વાસ અને આદર સાથે સેવા કરી શકીશ. એ સારું છે કે પ્રેસિડેન્ટ મુસેવેનીએ બધા યુગાન્ડન્સને તેમની પ્રોપર્ટી પરત કરવા યુગાન્ડા આવવા આમંત્રણ આપ્યું છે. હું તમને બધાને આવવા અને યુગાન્ડાની મુલાકાત લેવા અનુરોધ કરું છું. આ સહુથી સલામત સ્થળ છે. ખરેખર તો નાઈલ નદીનું મૂળ સ્રોત જિન્જા પૃથ્વી પરનું સ્વર્ગ છે. તાજી હવા, પાણી, ખોરાક, તાજાં પાઈનેપલ અને માટુન્ડાનો જ્યૂસ, આ બધું તમને આમંત્રી રહ્યું છે. યુગાન્ડા જરૂર આવો. અમે માત્ર બેો દિવસમાં તમને વિઝા આપીશું. થોડા મહિના અગાઉ અમે યુગાન્ડામાં લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમનો સૌથી મોટો મેળાવડો નિહાળ્યો હતો. હું આગામી પુનર્મિલન સમારોહ યુગાન્ડામાં યોજવા સૂચન કરું છું.’
આ પ્રસંગે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના ચેરમેન અને એડિટર-ઈન-ચીફ સીબી પટેલે જણાવ્યું હતું કે, ‘ભાનુભાઈ ક્રિકેટર અને પરોપકારી માનવી સ્વરુપે આપણા રોલ મોડેલ છે. હું એ ઉલ્લેખ કરવા માગું છું કે નિમિષાબહેન માધવાણી દરિયાપારના તમામ દેશોમાં એક માત્ર ભારતીય મહિલા છે જેમણે ભારત અને યુકેમાં હાઈ કમિશનર તરીકે સેવા આપી છે. આ કોઈ નાની સિદ્ધિ નથી. માત્ર જિન્જાનું જ નિયમિત રીયુનિયન યોજાય છે, આની સાથે સંકળાયેલા ઘણા સક્રિય અને ઘણા શક્તિશાળી લોકોને હું નમન કરું છું. જિન્જાનું રીયુનિયન કોઈ નાની વાત નથી. થોડા મહિના પહેલા જ લોહાણાની ભવ્ય કોન્ફરન્સ યોજાઈ હતી. આપણે બધાએ આમાંથી શીખવનાનું છે. યુગાન્ડાના એશિયનોએ તેઓ જ્યાં પણ રહે છે ત્યાંના વિકાસમાં ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.’
પીઢ ક્રિકેટ ખેલાડી ભાનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘કોઈ પણ મેળાવડો કે મિલન સમારંભ હોય ત્યારે તકમારે જૂના મિત્રોને મળવા અને જૂની સિદ્ધિઓને યાદ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આથી, તમારી પાસે સમય નથી, કાર અથવા ટ્રાન્સપોર્ટ નથી તેવાં બહાનાં કાઢશો નહિ. તમે આ ઉંમરે પણ ઘણું મેનેજ કરી શકો છો, હું કાર હંકારીને જ અહીં આવ્યો છું.’
નિયમિત જિન્જા સમારંભોના આયોજક ભરત ઘેલાણીએ કહ્યું હતું કે, ‘યુગાન્ડા ઘણો જ સ્વાગતપ્રિય દેશ છે. વિશ્વમાં સૌથી વધુ કુદરતી સૌંદર્ય ધરાવતા દેશોમાં એક છે. મુલાકાત લો, ફરી મુલાકાત લો, પાછા જાઓ અને તમારાં મૂળિયાં તરફ નજર નાખો અને ઈન્વેસ્ટમેન્ટ કરવા વિશે વિચારો. આ સલામત દેશ છે. અહીંની રાજકીય આબોહવા પણ ઘણી સલામત છે.લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમમાં 32 દેશના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. વિક્રમસર્જક હાજરી અને મીટિંગ્સની નોંધ લેવાઈ હતી.’ તેમણે ઉમેર્યું હતું કે, ‘ જિન્જામાં અભ્યાસ કરવા આવતા બધા વિદ્યાર્થીઓ આસપાસના ગામડાં કે નાના શહેરોમાંથી રોજ અવરજવર કરતા હોય અથવા જિન્જામાં સગાંસંબંધીઓની સાથે રહ્યા હોય અથવા બોર્ડિંગ હાઉસમાં રહી જિન્જામાં શાળાકીય અભ્યાસ કર્યો હોય તે બધાને આ રીયુનિયનમાં આમંત્રિત કરાયા હતા.’
પ્રોફેશનલ ફોટોગ્રાફર ભુપેન્દ્ર જેઠવાએ કહ્યું હતું કે, ‘હું મારા સમયના 50 ટકા ચેરિટીને ફાળવું છું.’ બીજી તરફ, વીબી એન્ડ સન્સના માલિક ચંદુભાઈ નથવાણીએ જણાવ્યું હતું કે,‘એવું લાગે છે કે હું લંડનમાં નહિ પણ જિન્જામાં બેઠો છું. આ એવોર્ડ મારા માતાપિતાનો આશીર્વાદ છે. તેમણે સખત મહેનત કરી હતી. આજે પણ સમગ્ર પરિવાર અમારી સાથે જ છે. અમે પાંચ ભાઈઓ છીએ અને અમારા ગ્રાન્ડચિલ્ડ્રન્સની સાથે બધા ભેગા જ રહીએ છીએ.’ હિમત લાખાણીએ કહ્યું કે, ‘મેં 1974માં ઈમિગ્રેશન, નેશનાલિટી અને માનવ અધિકાર કાયદા સંબંધિત મફત સેવાની ચેરિટી શરૂ કરી હતી. અમે નેશનાલિટી, મૂળ અથવા ધર્મ તરફ ધ્યાન આપ્યા વિના જ લોકોની મદદ કરી. આજની તારીખ સુધી અમે સમગ્ર વિશ્વમાંથી 40,000થી વધુ લોકોને સેવા આપી છે.’
જિન્જા રીયુનિયનના સ્થાપક જગદીશ બલસારાએ જણાવ્યું હતું કે,‘મારી તરફેણમાં નોમિનેશન્સ કરવા બદલ આપ સહુનો આભાર. શરૂઆતમાં આનો સ્વીકાર કરતા મને ઘણો ખચકાટ થયો હતો કારણકે આ ઘણું સ્વાર્થી કાર્ય હોવાનું મને લાગતું હતું. પરંતુ, મારા નોમિનેટર્સે કહ્યું કે મારે આ એવોર્ડ સ્વીકારવો જ પડશે અને આથી, બધા જિન્જાઈટ્સ વતી હું આભારસહ આ એવોર્ડ સ્વીકારું છું.’
સ્ટ્રક્ચરલ ક્રેડિટ ઈન્ટરનેશનલ કોર્પ.ના પ્રેસિડેન્ટ અને સ્થાપક મહેશ કોટેચાએ જણાવ્યું હતું કે, ‘માધવાણી પરિવાર અને મારા પરિવાર ત્રણ પેઢી જૂનો છે. જિન્જામાં આટલા અદ્ભૂત લોકોનું જૂથ સર્જાતું રહે છે. જો યુગાન્ડા આફ્રિકાનું મોતી છે તો જિન્જા યુગાન્ડાનું મોતી છે. મારી માતાએ મને શીખવાનો જુસ્સો આપ્યો તો મારા પિતાએ મારી સફળતાનો સ્પષ્ટ માર્ગ કંડારી આપ્યો હતો. મારી શિક્ષક માતા લીલાવતી કોટેચાએ તેમના 98મા જન્મદિવસે પ્રાર્થનાત્મક કવિતા લખી હતી.’ તેમણે આ કવિતા ‘નીલ ગંગાના નીરની યાદી મા’ને ગાઈ સંભળાવી હતી.
અતિ લાગણીશીલ વક્તવ્ય આપતા ઓલિમ્પિયન મલકિત સિંહ સોંધ કિટાએ કહ્યું હતું કે, ‘હું જાણતો નથી કે મારે કઈ ભાષા-પંજાબી, ગુજરાતી અથવા સ્વાહિલીમાં વાત કરવી જોઈએ. પરંતુ, એક વાત સાચી છે કે આજે મને ભારે ગર્વની લાગણી થાય છે. તમે મને જે આપ્યું છે તેનાથી વધારેની અપેક્ષા પણ કરી શકાય નહિ. હું આ તમામ વડીલો, સ્પોર્ટ્સના ચાહકો-પ્રશંસકોનો આભારી છું જેઓ મને સ્વર્ગમાંથી પણ નિહાળી રહ્યા છે. તેમના લીધે જ આપણે અહીં ઉભા છીએ. જિન્જા હંમેશાં આપણા દિલમાં જ રહેશે. આ રત્ન એવોર્ડ નહિ પરંતુ, વતન એવોર્ડ છે.’
જિન્જા રત્ન એવોર્ડ્ઝ
જિન્જા છોડ્યા પછી બિઝનેસ, જાહેર જીવન, રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રોમાં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરનારા 24 વ્યક્તિવિશેષોને ‘જિન્જા રત્ન એવોર્ડ્ઝ’ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં આ મહાનુભાવો સમાવિષ્ટ છેઃ
• એમામા થોર્નલી • અશોક લાખાણી• ભાનુભાઈ પટેલ • ભરત ઘેલાણી • ભુપેન્દ્ર જેઠવા • ચંદેર મહેતા • ચંદુભાઈ નથવાણી • દીપક ખઝાનચી • દેવેન લાખાણી • હિંમત લાખાણી • જગદીશ બલસારા • જસબીર સિંહ ગિલ • જયંત ઉપાધ્યાય • મહેશ કોટેચા • મલકિત સિંહ સોંધ • મનોજ જોશી • મયુરભાઈ માધવાણી • નઝિમ માધવજી • નિમિષા માધવાણી • રાજ ગંભીર • રવિ ગોવિંદા • સુધીરભાઈ રુપારેલીઆ • ઠકરાર પરિવાર • ઉમેશ પટેલ