લેસ્ટરઃ પીઠના દુઃખાવાની ફરિયાદ સાથે સર્જરીમાં આવેલા પુરુષ દર્દી સાથે જાતીય અડપલાં કરવાનો આરોપ લેસ્ટરના ૩૫ વર્ષીય જીપી ફારુક પટેલ સામે લગાવાયો છે. ડો. ફારુક પટેલે દર્દી સાથે બેલગ્રેવ મેડિકલ સેન્ટરમાં ૨૦૧૬ની ૨૫ જુલાઈએ સંમતિ વિના જાતીય હરકત કે કોઈ ખરાબ વર્તન કર્યાનો ઈનકાર કર્યો હતો.
લેસ્ટર ક્રાઉન કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે ફારુક પટેલે પોલીસ પૂછપરછમાં તે આનંદી લગ્નજીવન સાથે હેટ્રોસેક્સ્યુઅલ વ્યક્તિ હોવાનું જણાવ્યું હતું. તેણે પુરુષ દર્દી સાથે જાતીય વ્યવહાર કર્યાના આક્ષેપ પછી સર્જરીઝના રુમ્સમાં પટેલ અને ચાર અજાણી વ્યક્તિના ડીએનએની તપાસમાં જોખમી હોમોસેક્સ્યુઅલ પ્રવૃત્તિ આચરાઈ હોવાનું જાણમાં આવ્યું હતું.
કથિત દર્દી સાથે પાંચ જ મિનિટની તપાસ કરવાની હતી તેના બદલે ૩૦ મિનિટ લેવાઈ હોવાનું ફરિયાદ પક્ષના વકીલ લાંગડેલે કોર્ટને જણાવ્યું હતું. દર્દીએ તેની સાથે અનુચિત વ્યવહારની ફરિયાદ પ્રેક્ટિસ મેનેજરને કરવા જણાવ્યું હતું પરંતુ, યોગ્ય પ્રતિભાવના અભાવે તેણે મેન્સફિલ્ડ હાઉસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફારુક પટેલે કથિતપણે દર્દીના નીચેના કપડાં ઉતાર્યા હતા અને પાછળના ભાગે મસાજ કર્યા પછી અનુચિત વ્યવહાર કર્યાનું કહેવાયું હતું. આ ટ્રાયલ હજુ ચાલી રહી છે.