લંડનઃ રાજસ્થાન એસોસિયેશન યુકે દ્વારા રવિવાર 30 જૂન 2024ના રોજ રાજસ્થાની સંસ્કૃતિની વિરાસત, પારંપરિક વ્યંજનો, ઉષ્માસભર આતિથ્ય, મનોરંજન અને સંગીતનું પ્રદર્શન કરતા જીવંત ઉત્સવ જીમણ 2024નું લંડનના વેમ્બલીમાં સત્તાવીસ પાટીદાર સેન્ટરમાં આયોજન કરાયું હતું. જીમણ કાર્યક્રમ રાજસ્થાનની સમૃદ્ધ સંસ્કૃતિ અને આતિથ્યનું પ્રતીક છે. આ કાર્યક્રમ મહેમાનોને રાજસ્થાનની સંસ્કૃતિ અને પરંપરાઓથી પરિચિત કરાવે છે. દૂર દૂર રહેતા રાજસ્થાની સમુદાયના સભ્યોને નિકટ લાવી આનંદ-મોજથી ઉત્સવ મનાવે છે. આવા કાર્યક્રમો સાંસ્કૃતિક વિરાસતનું રક્ષણ અને પોષણમાં મદદ કરવા સાથે ભાવિ પેઢીઓને પ્રેરણા પણ આપે છે.
વોલન્ટીઅર્સની ટીમે તિલક લગાવી અને પારંપરિક લોકગીતો સાથે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ઉત્સવનો આરંભ શુદ્ધ, સ્વાદિષ્ટ અને સોડમદાર રાજસ્થાની વાનગીઓ થકી આતિથ્ય વડે થયો હતો અને મહેમાનોને બેસવા માટે પારંપરિક વ્યવસ્થા રાખવામાં આવી હતી. મહેમાનોએ રાજસ્થાનના વિવિધ સ્વાદની રંગત માણી હતી.
બપોરના લગભગ 12 વાગ્યે આદિત્ય અને અનુજા સંચાલિત સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત આરતી સાથે કરાઈ હતી. યુવા રૂદ્રાંશની ‘થારો મ્હારો દેશ’ ગીતની રજૂઆતે સહુના દિલ જીતી લીધા હતા. કાર્યક્રમની વિભિન્ન રજૂઆતોમાં આસના ગુપ્તાનું વાંસળીવાદન, લવિશ્કાનું ઘૂમરનૃત્ય અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો સામેલ હતા. આખા દિવસ દરમિયાન લોકનૃત્યો, ગીત અને સાંસ્કૃતિક પરફોર્મન્સીસે ઓડિયન્સને જકડી રાખ્યું હતું.
વેદાંતા ગ્રૂપના અધ્યક્ષ અને મુખ્ય અતિથિ અનિલ અગ્રવાલે રાજસ્થાની ભાષામાં સંબોધન કર્યું હતું. વિશેષ અતિથિઓ લક્ષ્યરાજ સિંહ અને પવન અરોરાને પણ મંચ પર આમંત્રિત કરવામાં આવ્યા હતા. સંત સોહમ ચૈતન્ય સ્વામી, શ્રીપાલજી શક્તાવત, ભારતીય હાઈ કમિશનના કપિલ દેવજી મહેન્દ્ર મધૂપજી, અનિલ પુંગલિઆ સહિત રાજસ્થાનના અન્ય મહાનુભાવોએ પણ કાર્યક્રમને આશીર્વાદ આપ્યા હતા.
આ વાર્ષિક ઉત્સવ માટે અનુભવી સંયોજકો રાખી સિંહ ગેહલોત અને રાજીવ ખીચડની રાહબરીમાં સ્વયંસેવકોએ સજાવટ, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહેમાનોની યાદી, ભોજનની વાનગીઓ અને સ્થળની વ્યવસ્થા સહિતની કામગીરી લાંબા સમયથી ઉપાડી લીધી હતી. લંડનના આ ઈવેન્ટથી રાજસ્થાની સમુદાયને એકમેકની નિકટ આવવાની તેમજ પોતાના મૂળિયાં સાથે જોડાઈને સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને ઉજવવાની અનોખી તક સાંપડી હતી. ઢોલની થાપ અને ઘૂમરનૃત્યની લયથી જીવંત માહોલ થકી સમગ્ર લંડન રાજસ્થાનની સાંસ્કૃતિક ભવ્યતાનું સાક્ષી બની રહ્યું હોવાનું લાગતું હતું.
સાંજે કાર્યક્રમની સમાપન વેળાએ મહેમાનોને મસાલા ચાહ અને રાજસ્થાની બેસનની વિશિષ્ટ બરફી સહિત નાસ્તો પીરસાયો હતો. મહેમાનોએ જીમણના અનુભવોનું અરસપરસ સ્મરણ કર્યું હતું અને ધીરે ધીરે ઘર પ્રતિ પ્રયાણ કર્યું હતું.