લંડનઃ બ્રિટન 1950ના દાયકા પછી જીવનનિર્વાહના સૌથી ખરાબ ધોરણો તરફ આગળ વધી રહ્યું છે અને 1.3 મિલિયન લોકોઅ સંપૂર્ણ ગરીબીનો સામનો કરવો પડશે. ચાન્સેલર સુનાકે મિનિ બજેટમાં નેશનલ ઈન્સ્યુરન્સ અને ફ્યૂલ ડ્યૂટીમાં કાપની જાહેરાત તેમજ ઈન્કમ ટેક્સના બેઝિટ રેટમાં આગામી વર્ષે ઘટાડો કરવા આપેલા વચન છતાં, યુદ્ધ પછીના ચાન્સેલરના સ્ટેટમેન્ટ પછી આર્થિક થિન્ક ટેન્ક રેઝોલ્યુશન ફાઉન્ડેશને ચેતવણી આપી છે કે જીવનનિર્વાહ ખર્ચમાં વધારાના કારણે આશરે 1.3 મિલિયન બ્રિટિશરો ભારે ગરીબીમાં ધકેલાઈ જશે.સમયગાળામાં કુલ ટેક્સને આસમાને પહોંચતા અટકાવી શકાશે નહિ. ચાન્સેલર સુનાકે સૌથી ગરીબ લોકોને લાભ આપતી કોઈ જાહેરાત કરી નથી જેમના વેલ્ફેર બેનિફિટ્સ આ વર્ષે 9 ટકા જેટલે ઊંચે જનારા ઈન્ફ્લેશનના કારણે ધોવાઈ જવાના છે.
સોલાર પેનલ્સ અને હીટ પમ્પ્સના ઈન્સ્ટોલેશન સહિત ગ્રીન હોમ સુધારા માટે શૂન્ય VATની ઓફર કરી છે પરંતુ, ડોમેસ્ટિક ગેસ અને ઈલેક્ટ્રિસીટી બિલ્સમાં તત્કાળ આશરે 600 પાઉન્ડનો વધારો ઝીંકાવાનો છે તેવા પરિવારોને તત્કાળ મદદના કોઈ પગલાં લેવાયાં નથી. તેમણે એનર્જીની કિંમતો પર VATમાં કાપ મૂકવા નોર્થ સી ઓઈલ અને ગેસ કંપનીઓના જંગી નફા પર વિન્ડફોલ ટેક્સ નાખવાની વિપક્ષની માગણી પણ ફગાવી દીધી છે.
ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટીના જણાવ્યા અનુસાર વધતી કિંમતોનો અર્થ એવો થશે કે પરિવારની ખર્ચવાયોગ્ય વાસ્તવિક આવકમાં વ્યક્તિદીઠ 2.2 ટકાનો ઘટાડો થશે જે 1956-57માં ONS રેકોર્ડ્સ શરૂ કરાયા પછી એક નાણાકીય વર્ષમાં સૌથી મોટો ઘટાડો હશે. નેશનલ ઈન્સ્યુરન્સ ફાળામાં જુલાઈથી અમલી થનારા 6 બિલિયન પાઉન્ડના કાપ અને 2024થી ઈન્કમ ટેક્સમાં 5 બિલિયન પાઉન્ડની રાહત છતાં, સમગ્રતયા ટેક્સમાં વધારો જોવાં મળશે. ઈન્સ્ટિટ્યૂટ ફોર ફિસ્કલ સ્ટડીઝના જણાવ્યા મુજબ સુનાકના ફેરફારની સંપૂર્ણ અસરથી 2025માં લગભગ તમામ વર્કર્સ તેમની કમાણી પર વધુ ટેક્સ ચૂકવતા થઈ જશે.
દૂધથી માંડી ટામેટાં, ઈલેક્ટ્રિસિટીથી પેટ્રોલ મોંઘા થયાં
યુકેમાં રોજબરોજના વપરાશની જીવનજરૂરી ચીજવસ્તુઓ 1950ના દાયકાની સરખામણીએ સતત ઘણી મોંઘી થતી રહી છે. જેના પરિણામે, જીવનનિર્વાહ વધુ મુશ્કેલ બન્યો છે. મોંઘી થયેલી આ ચીજવસ્તુઓમાં દૂધ, બ્રેડ, ટામેટાં, ખાંડ, ટી બેગ્સ, પેટ્રોલ -ડિઝલ, ઈલેક્ટ્રિસિટી, વગેરેનો સમાવેશ થયો છે. આ સાથે દર વર્ષે ચીજવસ્તુઓની કિંમતોમાં સરેરાશ કેટલો વધારો થતો રહ્યો છે તે ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડાઓમાં દર્શાવાયું છે. સત્તાવાર આંકડા મુજબ ફેબ્રુઆરીમાં ઈન્ફ્લેશન વધીને 6.2 ટકા થયું હતું અને આ વર્ષમાં 9 ટકાની ટોચે પહોંચવાની આગાહી છે.
• ગેસ, ઈલેક્ટ્રિસિટી અને અન્ય ફ્યૂલઃ 23.1 ટકા • પેટ્રોલઃ 23 ટકા • ટી બેગ્સ. પ્રતિ 250 ગ્રામઃ 5.9 ટકા • સુગર, દાણાદાર, પ્રતિ કિલો ગ્રામઃ 8.5 ટકા • બટર, બ્લોક, પ્રતિ 250ગ્રામઃ 5.8 ટકા • બ્રેડ, વ્હાઈટ લોફ, સ્લાઈસ્ડ, 800 ગ્રામઃ 5.6 ટકા • ઘરવપરાશ ફર્નિચરઃ 14.7 ટકા • સ્ત્રીઓ માટેનાં વસ્ત્રોઃ 12.1 ટકા • ચિકન, ઓવન રેડી, રોસ્ટિંગ, પ્રતિ કિલો ગ્રામ, ફ્રેશ અથવા ચિલ્ડઃ 9.3 ટકા • બીફ, પ્રતિ કિલોગ્રામઃ 14 ટકા • ટામેટાં, પ્રતિ કિલોગ્રામઃ 13.6 ટકા • પેશ્ચરાઈઝ્ડ દૂધ, પ્રતિ પિન્ટઃ 16.7 ટકા • ઈંડાઃ 7.4 ટકા