જીવનલીલા સંકેલી લેતા જૈન રત્ન અને જૈન નેટવર્કના સર્વેસર્વા ડો. નટુભાઇ MBE

-જ્યોત્સના શાહ Wednesday 09th March 2022 06:20 EST
 
 

જૈન નેટવર્કના સર્વેસર્વા CEO ડો.નટુભાઇ શાહે રવિવાર તા 6 માર્ચની રાત્રે હોસ્પિટલમાં દેહત્યાગ કર્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર જૈન સમાજમાં ભારે ગમગીની ફેલાઇ ગઇ. જૈનોએ એક દીર્ઘદ્રષ્ટા - વિઝનરી, વિદ્વાન, નેતા ગુમાવ્યા છે. જૈન અને જૈનેતરોમાં આપસ-આપસમાં મૈત્રીભાવનું વાતાવરણ ઉભું કરી સમગ્ર સમાજને એકસૂત્રે સાંકળવાની દિશામાં તન-મન-ધનથી સમર્પિત એવા ડો.નટુભાઇની ખોટ ક્યારેય પૂરાશે નહિ. 19 ફેબ્રુઆરી 2022ના રોજ સંગત કોમ્યુનિટી સેન્ટરમાં ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ના શ્રી મહેશભાઇ લીલોરીયાની ગ્રૂપ એડીટર તરીકે નિમણૂંક થયાના યોજાયેલ સમારંભમાં ડો નટુભાઇએ હાજરી આપી ત્યારે તંત્રી શ્રી સી.બી. પટેલે એમનું યથોચિત સન્માન કરી આશીર્વચન આપવા આમંત્ર્યા હતા.  
90 વર્ષની વયે પણ અંતિમ શ્વાસ સુધી કાર્યરત રહેનાર નટુભાઇએ એક વિરાટ સ્વપ્ન જોયું હતું અને તે પૂર્ણ કરવા દિવસ-રાત એક કરી જહેમત ઉઠાવી રહ્યા હતા. 64 - 68 કોલીન્ડલ એવન્યુ, કોલીન્ડલ સ્ટેશન નજીક ભવ્ય 108 પાર્શ્વનાથ જીનાલય, કોમ્યુનિટી સેન્ટર, મલ્ટિફેઇથ સેન્ટર, આદી બહુવિધ પ્રવૃત્તિઓથી ધમધમતું કરવા થનગની રહેલ ડો.નટુભાઇનું સ્વપ્ન સાકાર થવાની પળો નજીક આવી રહી હતી એ જોવા તેઓ રહ્યા નહિ. માનવી ધારે શું અને કુદરત કરે શું? હું ભારત જઇ રહી છું એથી તાજેતરમાં જ મારી સાથે અંગત મુલાકાતમાં ત્યાં એના પ્રચાર-પ્રસાર કઇ રીતે કરવા એની વાટાઘાટો કરી હતી. આવતા વર્ષે પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીના આયોજન માટે ટ્રસ્ટીઓની મીટીંગમાં ચર્ચા-વિચારણા થઇ હતી. આ ભગીરથ કાર્ય હવે એના નેતા વિના નોંધારું ન બને એની જવાબદારી અન્ય સંનિષ્ઠ કાર્યકરોએ ઉઠાવી લેવી પડશે. જૈન નેટવર્કના ટેમ્પરરી જૈન સેન્ટર, કોલીન્ડલ ખાતે ગુરુવાર 16 સપ્ટેમ્બર 2021ની સમી સાંજે ડો.નટુભાઇની 90મી જન્મજયંતીનું શાનદાર આયોજન સંસ્થાની યુવા સ્પોર્ટસ ટીમે કર્યું હતું. એ પ્રસંગે અનેક જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જૈન સમાજમાં એમણે ચારેક દાયકાથી આપેલ અણમોલ પ્રદાનની અનુમોદના કરવા શબ્દો ઝાંખા પડે. નવયુવાનને શરમાવે તેવી સ્ફુર્તિ ધરાવતા, નીત નવા સોપાનો સર કરતા સમાજને સદ્ગુણોથી સમૃધ્ધ કરવા થનગની રહેલા નટુભાઇનું જીવન એક મિશાલ છે, દીવાદાંડી સમાન છે. હવે સમાજની ફરજ બને છે એમનું કામ આગળ ધપાવી પૂજ્ય નટુભાઇનું સપનું સાકાર કરવાની. એમના આદર્યા અધૂરા પૂર્ણ કરવામાં જ સાચી અંજલિ આપી કહેવાશે. પરમકૃપાળુ જીનેશ્વર ભગવંત એ પુણ્યાત્માને નિ:શંક ઉચ્ચ સ્થાન આપશે. ઇન્સ્ટિટ્યુટ ઓફ જૈનોલોજીના અને વન જૈનના સ્વપ્ન દ્રષ્ટા શ્રી નેમુભાઇ ચંદરિયાએ સદ્ગતને અંજલિ આપતા જણાવ્યું, "સમાજે એક રતન ગુમાવ્યું છે. થોડા દિવસો અગાઉ જ એમના હાર્ટમાં સ્ટેન્ટ મૂકાવ્યું હતું અને તબિયત સુધારા પર હતી. ત્યાં જ આ દુ:ખદ સમાચાર જાણી ખૂબ દુ:ખ થયું. એમના દિવ્યાત્માને ચિરશાંતિ મળે એવી અભ્યર્થના”આ દુ:ખદ સમયમાં એમના દીકરી - જમાઇ લીના - અજય, દીકરા-વહુ સમીર- નીતાના પરિવારને એ સહન કરવાની શક્તિ આપે અને પિતાના પગલે સત્કાર્યો કરવાની ક્ષમતા આપે એવી ‘ગુજરાત સમાચાર’ પરિવારની પ્રાર્થના. ઓમ શાંતિ: શાંતિ: શાંતિ:


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter