લંડનઃ યુકેમાં જૈન કોમ્યુનિટીનું પ્રતિનિધિત્વ કરતા અગ્રણીઓને સોમવાર 13 માર્ચે લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મર અને તેમની લેબર ટીમ સાથે વાતચીત કરવા આમંત્રિત કરાયા હતા. લેબર પાર્ટી વિવિધ આસ્થાઓ અને સંસ્કૃતિઓ સાથે સંપર્ક જાળવવા ઉત્સુક જણાય છે. સર સ્ટાર્મર અન્ય મીટિંગમાં વ્યસ્ત હોવાથી તેમની સાથે મુલાકાત થઈ શકી ન હતી.
આ બેઠકનું યજમાનપદ ગારેથ થોમસ MP અને સારાહ ઓવેન MPએ સંભાળ્યું હતું. સર કેર સ્ટાર્મરના ડાયરેક્ટર ઓફ એક્સ્ટર્નલ રીલેશન્સ પણ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા અને બેઠકમાં રજૂ કરાયેલી રજૂઆતો, સૂચનો અને જરૂરિયાતોની નોંધ પણ કરી હતી. લેબર પાર્ટીમાંથી ડો. રસેલ રૂક (ઓફિસ ઓફ બેરોનેસ શેરલોકOBE), હરજિત સાહોટા (એક્સ્ટર્નલ રીલેશન્સ અને સ્ટેકહોલ્ડર્સના વડા) પણ બેઠકમાં ઉપસ્થિત હતા.
બેઠકમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી (IOJ)ના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મેહૂલ સંઘરાજકા, ટ્રસ્ટીઓ સર્વશ્રી જયસુખ મહેતા, દીલિપ શાહ, હિમાંશુ જૈન અને અજય પુનાતર ઉપરાંત, જૈન સેન્સસના સમીર જુઠાણી, વનજૈન સંસ્થાના શ્રી રુમિત શાહ (પ્રમુખ,ઓશવાલ એસોસિયેશન ઓફ યુકે), શ્રી નીરજ સુતરિયા (પ્રમુખ, મહાવીર ફાઉન્ડેશન), શ્રી રાજેશ જૈન (ટ્રસ્ટી,જૈન વિશ્વ ભારતી), સુશ્રી સંગીતા બાવિશા (ટ્રસ્ટી,નવનાત વણિક એસોસિયેશન) ઉપસ્થિત હતા. આ ઉપરાંત, પરફ્યૂમના ઉત્પાદક અને વિતરક શાનીલ ગ્રૂપના ચેરમેન શ્રી દિલેશ મહેતા અને ફાર્માસ્યુટિકલ્સના ઉત્પાદક અને વિતરક સિગ્મા ફાર્માસ્યુટિકલ્સ PLCના ચેરમેન ડો. ભરત શાહCBE ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક અગાઉ, જૈનસમાજના સભ્યો માટેના એજન્ડામાં વિશેષ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. રુમિત શાહ અને દિલેશ મહેતાએ જાહેર જીવનમાં જૈનાના બહેતર પ્રતિનિધિત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. સમીર જુઠાણીએ સેન્સસના ધાર્મિક સેક્શનમાં જૈનિઝમ માટે ટિક બોક્સ રાખવાની માગણી કરી હતી.ડો. મેહૂલ સંઘરાજકાએ જૈનો શાંતિપૂર્ણ, સંવાદી અને સહિષ્ણુ બ્રિટનમાં રહેવા ઈચ્છતા હોવાની રજૂઆત સાથે લોકશાહીના બ્રિટિશ મૂલ્યો, કાયદાનું શાસન, વ્યક્તિગત સ્વાતંત્ર્ય, આપસી આદર્શ અને સહિષ્ણુતાને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. સંગીતા બાવિશાએ જૈનો બહેતર પ્રાણી અને પર્યાવરણીય અધિકારો ઈચ્છતા હોવાની રજૂઆત કરી હતી. ભરતભાઈએ શાળાઓ અને હોસ્પિટલોમાં સારા જૈન ભોજન મળતાં થાય તેની તરફેણ કરી હતી. તમામ સભ્યોએ ભારત અને યુકે વચ્ચે ગાઢ વેપારી સંબંધોને આગળ વધારવાની હિમાયત કરી હતી.
ગારેથ થોમસ MP અને સારાહ ઓવેન MPએ જણાવ્યું હતું કે લેબર પાર્ટી પાસેથી શું જરૂરિયાતો છે તે સમજવા હિન્દુ સંસ્થા સાથેની આ તેમની પ્રથમ મીટિંગ છે. લેબર પાર્ટી જૈન સમાજ સાથે કેવો સારો સંપર્ક સાધી શકે તેમજ જૈન કોમ્યિુનિટી લેબર પાર્ટીના આ પ્રયાસમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે તેની પણ ચર્ચા કરાઈ હતી.