લંડનઃ ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલનો ઉપયોગ કેવા ગંભીર પરિણામ લાવી શકે છે તેનો દાખલો જોવા મળ્યો છે. લેંકેશાયરના પ્રેસ્ટનમાં ભારતીય મૂળના ૨૬ વર્ષીય મોહમ્મદ પટેલે ડ્રાઈવિંગ દરમિયાન મોબાઇલમાં ટેક્સ મેસેજ વાંચવાનો પ્રયાસ કરતાં સર્જેલા અકસ્માતમા બે મહિલાનું મોત થયું હતું અને એક તરુણીને ગંભીર ઈજા પહોંચી હતી. પ્રેસ્ટન ક્રાઉન કોર્ટના જજ રોબર્ટ અલ્થામે મોહમ્મદને દોષિત ઠેરવીને છ વર્ષની જેલની સજા સાથે નવ વર્ષ સુધી ડ્રાઇવિંગ પર પ્રતિબંધ લાદ્યો હતો.
મોહમ્મદ પટેલ ચાલુ વાહને મોબાઇલ ચેક કરતો હતો ત્યારે તેણે રસ્તો ક્રોસ કરી રહેલા શેલ્બી માહેર અને રાચેલ મર્ફીને અડફેટે લીધાં હતા. મર્ફીનું ઘટનાસ્થળે જ અને માહેરનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ગંભીર ઘાયલ તરુણીને એક સપ્તાહ સુધી હોસ્પિટલમાં રાખવી પડી હતી.
જજ અલ્થામે કહ્યું હતું, ‘કોઇ પણ મેસેજ એટલો અરજન્ટ ના હોય કે જેના કારણે બે લોકોના જીવ જાય. કાર ચલાવતી વખતે આરોપી સામેથી આવતી બે મહિલાને જોઇ શક્યો ન હતો એ વાત સ્પષ્ટ છે.’ પટેલનો ફોન ચેક કરતાં જણાયું હતું કે અકસ્માત વખતે તેણે પોતાની ગર્લફ્રેન્ડને તું ક્યાં છે? તેવો મેસેજ મોકલ્યો હતો. પટેલે અકસ્માતની ૪૨ સેકંડ પછી ૯૯૯ ઇમરજન્સી સેવાને ફોન કર્યો હતો. તે વખતે તેની નજીકમાં કાર ચલાવી રહેલા એક ડ્રાઇવરે કોર્ટને કહ્યું હતું કે અકસ્માત વખતે પટેલ મોબાઇલમાં કંઇ લખતો હતો.