લેસ્ટરઃ જાન્યુઆરીની ૨૪મી તારીખે લેસ્ટરશાયરના ૭૪ વર્ષીય ગુજરાતી ઝવેરી રમણિકલાલ જોગિયાનું અપહરણ કર્યા પછી તેમની ઘાતકી હત્યાના આરોપમાં બર્મિંગહામ ક્રાઉન કોર્ટે પાંચ સપ્તાહમાં પુરી થયેલી કાર્યવાહીના અંતે ત્રણ વ્યક્તિને દોષી ઠરાવ્યા હતા. આરોપીઓને ૧૦ સપ્ટેમ્બરે સજા સંભળાવવામાં આવશે. મેઓલી, જાર્વિસ અને રીવે ટ્રાયલ અગાઉ જ અપહરણ અને લૂંટનો ગુનો કબૂલી લીધો હતો.
આરોપીઓને દોષી ઠરાવાયા પછી જોગિયાના પરિવારજનોએ આંસુ સાથે કોર્ટમાંથી વિદાય લીધી હતી. ચુકાદા પછી જોગિયાના પરિવારે એક નિવેદન જારી કરી જણાવ્યું હતું કે, તેઓ માત્ર સૌથી મોટા મહોવાના કારણે જ મોટાભાઈ તરીકે જાણીતા ન હતા. તેઓ વિશાળ હૃદયના હતા. અમારા પિતા સાચા અર્થમાં સદગૃહસ્થ હતા. તેઓ દયાળુ, મૈત્રીપૂર્ણ, વફાદાર, ઉદાર અને પોતાના સમુદાયમાં સન્માન ધરાવતા હતા. અમારા પિતા સમય પહેલા જ અમારી પાસેથી છીનવી લેવાયા હતા પરંતુ, અમે હંમેશાં તેમની સાથે વિતાવેલી સારી પળો યાદ કરીશું અને તેઓ હંમેશાં અમારા સ્મરણ અને હૃદયમાં જીવતા રહેશે.’
રમણિકલાલ જોગિયા ૨૪મી જાન્યુઆરીની રાત્રે બેલગ્રેવ રોડ પર આવેલી જ્વેલરીની દુકાન વામા કલેક્શન્સને તાળું લગાવી ચાલતા ચાલતા ઘરે જઇ રહ્યા હતા ત્યારે તેમનું અપહરણ કરાયું હતું અને બીજા દિવસે સવારે તેમનો મૃતદેહ મળ્યો હતો. અપહરણ કર્યા પછી તેમને કલાકો સુધી સખત માર મારી દુકાનની ચાવીઓ અને સેફનો કોડવર્ડ જણી લીધો હતો, પરંતુ તિજોરી ૧૨ કલાક પછી ખુલતી હોવાથી તેઓ લૂંટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. કંટાળીને તેમણે જોગિયાને કારમાં ઉઠાવી જઇ ભંયકર માર માર્યો હતો. તેમના હાથના એક સ્નાયુને હાડકાથી અલગ પાડી દેવાયો હતો અને તેમની છ પાંસળી તોડી નખાઈ હતી.
વ્હેટસ્ટોનના ચાર્લ્સ મેઓલી (૨૦) અને લેસ્ટરના જ થોમસ જાર્વિસે ઝવેરી જોગિયાની હત્યા કર્યાનો ઈનકાર કર્યો હતો પરંતુ, કોર્ટે તેમના મેળાપીપણાના આધારે તેમને હત્યાના દોષી ઠરાવ્યા હતા. ત્રીજા આરોપી અને લેસ્ટરના જ રહેવાસી કાલાન રીવ(૨૦)ને હત્યાનો નહિ પરંતુ, માનવવધનો દોષી ઠરાવાયો હતો. લેસ્ટરના રહેવાસી ચોથા આરોપી જેવોન રોશ અપહરણ, હત્યા અને લૂંટના ગુનામાં દોષી નહિ જણાતા તેને મુક્ત કરી દેવાયો હતો. આ ટોળકીએ જોગિયાનું અપહરણ કરવા સપ્તાહો સુધી રેકી કરી હતી.
પાંચ સપ્તાહની કોર્ટ સુનાવણી પછી જ્યૂરીએ તેમનો ચુકાદો આપવામાં આશરે સાત કલાકનો સમય લીધો હતો. કોર્ટ સમક્ષ જણાવાયું હતું કે રમણિકલાલ જોગિયાને માથા, ખભા, ધડ અને હાથમાં સંખ્યાબંધ ઈજા થઈ હતી. ચાર્લ્સ મેઓલીએ કોર્ટમાં જ્યૂરી સમક્ષ જણાવ્યું હતું કે તેનો સહઆરોપી બુરખાની નીચે સંતાડેલી ગન સાથે દુકાનમાં પ્રવેશ્યો હતો. તેની ભૂમિકા કોઈને જોગિયાની દુકાને ઉતારવાની જ હતી. જોગિયાને નિશાન બનાવવાનો વિચાર તેનો ન હતો. જોકે, જોગિયાને વાનમાં બેસાડ્યા પછી તે વાનને બિર્સ્ટાલમાં ફૂટબોલ સ્ટેડિયમ સુધી લઈ ગયો હતો. સહઆરોપી થોમસ જાર્વિસ સાથે ચર્ચા કર્યા પછી તેને પણ ટોળકીમાં સામેલ કરાયો હતો. વાનમાં પાછળ બે વ્યક્તિએ જાર્વિસને ગન આપી હતી અને તે બુરખો પહેરી દુકાનમાં જાય ત્યારે બહારથી કોઈ આવી ચડે તો તેને ગભરાવવા ગોળી ચલાવવા કહ્યું હતું.
આરોપી જેવોન રોશના વકીલે જ્યૂરીને જણાવ્યું હતું કે રમણિકલાલ જોગિયાની હત્યાના ત્રણ આરોપીએ તેના ક્લાયન્ટને ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું. ત્રણ આરોપીએ જણાવ્યું હતું કે રોશ અને પાંચમી વ્યક્તિ જેગિયા સાથે એકલા જ હતા. જ્વેલરી દુકાનની ચાવીઓ અને સિક્યોરિટી કોડ મેળવવામાં સફળ થયા પછી પણ સેફ તોડવામાં તેમને નિષ્ફળતા મળી હોવાનું જાર્વિસે અન્ય આરોપીઓને જણાવ્યું હતું. આ સેફમાં ૩૦૦,૦૦૦ના મૂલ્યની કેશ અને જ્વેલરી હોવાનો આરોપીઓનો અંદાજ હતો. રોશે વિટનેસ બોક્સમાં જવા તેમજ જોગિયાના અપહરણ કે હત્યામાં તેની કોઈ જ ભૂમિકા હોવાનો ઈનકાર કર્યો હતો.