દારે સ્સલામઃ શિક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવાના સતત પ્રયત્નોમાં સરકારે ૧૨,૦૦૦ શિક્ષકોને નોકરીએ રાખવાની પ્રક્રિયાને આખરી ઓપ આપી રહી છે. આ વ્યાપક ભરતી અભિયાનથી દેશભરમાં પ્રાઈમરી અને સેકન્ડરી સ્કૂલોમાં અપૂરતા શિક્ષકોની સમસ્યાનો ઉકેલ આવશે. આ સાથે પ્રમુખ જહોન માગુફુલીના શાસનના પ્રથમ તબક્કા દરમિયાન પબ્લિક સ્કૂલોમાં ભરતી પામેલા શિક્ષકોની કુલ સંખ્યા ૩૦,૧૦૦ થશે.
મિનિસ્ટર ઓફ સ્ટેટ, પ્રેસિડેન્ટ્સ ઓફિસ રિજનલ એન્ડ લોકલ ગવર્નમેન્ટ સેલેમી જાફોએ જણાવ્યું કે સરકારે પ્રાઈમરી અને સેકન્ડરી સ્કૂલોમાં અત્યાર સુધી ૧૮,૧૦૦ શિક્ષકોની નિમણુંક કરી છે. શિક્ષણ ક્ષેત્રમાં તેમની ઓફિસે મેળવેલી સિદ્ધિઓની માહિતી આપવાના કાર્યક્રમમાં જાફોએ આ માહિતી આપી હતી. અગાઉ, તેમણે હેલ્થ વિભાગની સિદ્ધિઓ વર્ણવી હતી. તેમણે કહ્યું કે દેશના વિકાસમાં શિક્ષણના મહત્ત્વને ધ્યાનમાં રાખીને સરકાર તેને સુધારવા માટે સમર્પિત છે. રોજગારીની તકો પૂરી પાડવા ઉપરાંત, અમે જૂની સ્કૂલોનું રિનોવેશન કરાવી રહ્યા છીએ અને બજેટમાં નિર્ધારિત કરેલ ફંડ સમયસર આપી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું કે સરકાર પણ જિલ્લા અને પ્રાદેશિક સ્તરે શિક્ષણ અધિકારીઓ તેમજ વોર્ડ એજ્યુકેશન કો-ઓર્ડિનેટર્સ માટે કામકાજનું વાતાવરણ સુધારી રહી છે.
શિક્ષણ અધિકારીઓની મહત્ત્વની ભૂમિકાને ધ્યાનમાં રાખીને સરકારે છેલ્લાં પાચ વર્ષમાં તમામ ૩૦ પ્રાદેશિક અધિકારીઓને વ્હીકલ જ્યારે, વોર્ડ એજ્યુકેશન કો-ઓર્ડિનેટર્સને કુલ ૩,૩૦૩ મોટરસાઈકલ પૂરા પાડ્યા છે. તેમણે ઉમેર્યું કે ૧૭,૧૨૫ નવા ક્લાસ રૂમ્સ, સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ બ્લોક્સ, ૨,૦૦૦થી વધુ ડોરમેટરીઝ, લેબોરેટરી રૂમ અને ટીચર્સ હાઉસિસ જેવા વિવિધ શૈક્ષણિક માળખાના બાંધકામ માટે પ્રમુખ મુગાફુલીએ તાજેતરમાં જ ૧૭૦ બિલિયન TZS (ટાન્ઝાનિયન શિલિંગ્સ)- આપ્યા હતા.
છેલ્લાં પાંચ વર્ષમાં ફી વિનાની એજ્યુકેશન પોલીસી પાછળ લગભગ TZS ૧.૦૯ ટ્રિલિયન ખર્ચ્યા છે. સત્તાવાર આંકડા મુજબ ૨૦૧૬માં પહેલા ધોરણમાં કુલ ૧,૮૯૬,૫૮૬ વિદ્યાર્થીઓ ( ૯૬૦,૮૭૭ છોકરા અને ૯૩૫,૭૦૭ છોકરી)એ પ્રવેશ મેળવ્યો હતો. દેશમાં સેકન્ડરી સ્કૂલ્સની સંખ્યા ૪,૭૦૮થી વધી ૫,૩૩૦ થઈ છે. શાળાઓ વધવાના પરિણામે, ૨૦૧૫માં એકથી ચાર ધોરણમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧,૬૪૮,૩૫૯ હતી તે ૨૦૨૦માં વધીને ૨,૧૮૫,૦૩૭ થઈ છે.