લંડનઃ હાઉસ ઓફ લોર્ડ્સમાં પ્રિઝન્સ મિનિસ્ટર લોર્ડ ટિમ્પસનના પ્રિઝન કેપિસિટી મુદ્દે નિવેદનનો લોર્ડ ધોળકીઆએ પ્રતિભાવ પાઠવ્યો હતો જે આપણી જેલોમાં પ્રવર્તમાન કટોકટી બાબતે યોગ્ય નિરાકરણ વિશે સૂચનો તેમની સંપૂર્ણ જાણકારી અને ડહાપણનું પ્રદર્શન કરે છે.
પ્રિઝન્સ અને પ્રોબેશન સર્વિસ વિશે દીર્ઘકાલીન સમસ્યાઓ પર પ્રકાશ પાથરતા લોર્ડ ધોળકીઆએ જણાવ્યું હતું કે,‘ મને યાદ છે ત્યાં સુધી આપણી જેલોમાં વધુપડતી ગીચતાનો મુદ્દો લાંબા સમયથી મથાળાઓમાં ચમકતો રહ્યો છે.’ આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં સુગઠિત આયોજનના અભાવ પ્રત્યે અંગૂલિનિર્દેશ કરતા લોર્ડ ધોળકીઆએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, લિબરલ ડેમોક્રેટ્સ લાંબા સમયથી ક્રિમિનલ સેન્ટન્સિંગની સમીક્ષા કરવા હાકલ કરતા આવ્યા છે, જે હવે આખરે થઈ રહ્યું છે.’ તેમણે વ્યવહારુ પરિણામોની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું હતું કે આ સમસ્યા ઉકેલી શકે તેવા સમગ્રતયા ઉપાયો તરફ કોઈ નજર કરતું હોય તેમ લાગતું જ નથી.
લોર્ડ ધોળકીઆએ સૂચવ્યું હતું કે વ્યવહારમાં આનો અર્થ પુનર્વસન અને કોમ્યુનિટી સુપરવિઝન તરફ સર્વાંગી અભિગમ રાખવાનો થાય છે જેના થકી ફરી અપરાધો થવામાં ઘટાડો જણાઈ શકે છે. તેમણે ભારપૂર્વક અનુરોધ કરતા કહ્યું હતું કે 12 મહિના અથવા તેથી ઓછાં સમયની સજાઓની ધારણા 12 મહિના સુધી સજા આપવાની બાબત લાંબી સજા આપવાની મેજિસ્ટ્રેટ્સ કોર્ટ્સની સત્તા અંગે નવી સરકારના અમલથી વિરુદ્ધ જાય છે. આવી ઓછી સજા કોમ્યુનિટીમાં પુનર્વસનની શક્યતા વધારતી હોવાનું તેઓ માને છે.
આ જાણીતી સમસ્યા છે જ્યાં ટુંકી મુદતની સજા એકોમોડેશન અને રોજગારી ગુમાવવા તરફ દોરી જાય છે અને મુક્ત કરાયેલા નવા કેદીઓને જેલની બહાર કોમ્યુનિટી ઓર્ડરની સજા ભોગવતા હોય તેની સરખામણીએ વધુ પડકારક્ષમ સંજોગોમાં સામાન્ય જીવન જીવવામાં ભારે સંઘર્ષ વેઠવો પડે છે. લોર્ડ ધોળકીઆએ નવી દરખાસ્તો ટુંકા ગાળાના ઉપાયો ઓફર કરતી હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે આવી સજા સમસ્યાને હળવી બનાવતી નથી કે આપણને તાકીદે જરૂર છે તેવા લાંબા ગાળાના ઉપાયો પણ આપતી નથી.
લોર્ડ ધોળકીઆએ જણાવ્યું હતું કે ‘યુરોપમાં જેલોના વધુપડતા ઉપયોગ બાબતે આપણે પ્રથમ ક્રમે છીએ અને જર્મનીની સરખામણીએ જેલોનો બમણો ઉપયોગ કરીએ છીએ.’ તેમણે કહ્યું હતું કે અગાઉની સરકાર પાસે સમસ્યાઓના એક સાથે નિવારણ માટે જસ્ટિસ સિસ્ટમ પર રોયલ કમિશન સ્થાપવાની સુવર્ણ તક હતી પરંતુ, તેને ધ્યાને ન લેવાઈ તે બાબતે તેમણે અફસોસ પણ વ્યક્ત કર્યો હતો.
લોર્ડ ધોળકીઆએ જેલોમાં વસ્તી ઘટાડવાની દરખાસ્તોને આવકારવા સાથે મિનિસ્ટરને જણાવ્યું હતું કે આપણે સેન્ટન્સિંગ કાઉન્સિલની કામગીરી તરફ ગંભીરપણે ધ્યાન આપવું રહ્યું. તેમણે ભલામણ કરી હતી કે સજા આપતા પહેલા જેલની વસ્તીને ધ્યાને લેવાનું ધારાકીય જવાબદારી ફરજિયાત બનાવવી જોઈએ. તેમણે લઘુમતી જૂથો અને સીમાંત કોમ્યુનિટીઓને કરાતી અપ્રમાણસરની સજા સંદર્ભે ચિંતાનું નિરાકરણ લાવવા સમીક્ષા યોજના વિશે પણ પૃચ્છા કરી હતી. તેમણે મિનિસ્ટરને પ્રશ્ન કર્યો હતો કે, ‘સતત વધી રહેલા કેદીઓની સંખ્યાને સમાવવા પ્રિઝન સિસ્ટ્મને વિસ્તારવા વધુ સંસાધનો ખર્ચવાની બાબત અપરાધોને હલ કરવાનો સૌથી યોગ્ય માર્ગ ગણી શકાય ખરો?’