લંડનઃ ટેક્સમાં ગેરરીતિઓને ડામવા માટે કામકાજના સ્થળોએ મહિલાઓને વધુ પ્રમાણમાં સ્થાન આપવું જોઈએ તેમ એક અભ્યાસમાં જણાવાયું છે. સંશોધકોનું તારણ એ છે કે પુરુષો ટેક્સની ઓછી ચુકવણી કરવાની માનસિકતા ધરાવે છે. યુકે, યુએસ, સ્વીડન અને ઈટાલીમાં ૧,૫૦૦ લોકોનો અભ્યાસ કર્યા પછી એવું જણાયું હતું કે પુરુષો પોતાની આવક ઓછી દર્શાવતા હોય છે, જ્યારે સ્ત્રીઓ આ બાબતે વધુ પ્રામાણિક રહે છે.
'ધ જર્નલ ઓફ બિહેવિરિયલ એન્ડ એક્સરિમેન્ટલ ઈકોનોમિક્સ'માં પ્રકાશિત આ અભ્યાસમાં પોતાની આવક જાહેર કરનારા લોકોમાં ટેક્સ ચુકવવા બાબતે માનસિકતાને માપવા વિશેષ ઉપકરણો ઉપયોગમાં લેવાયાં હતાં. પરીક્ષણમાં ભાગ લેનારાને જણાવાયું હતું કે તેમની કમાણી અંગે ઓડિટની શક્યતા પાંચ ટકા છે અને જો તેમણે છેતરપીંડી કર્યાનું જણાશે તો તેમણે નાણાકીય પેનલ્ટી ચુકવવી પડશે.
યુકેમાં મહિલાઓએ પોતાની આવકની ૪૮ ટકા કમાણી જાહેર કરી હતી, જ્યારે પુરુષોએ ૨૩ ટકા કમાણી જ જાહેર કરી હતી. યુએસમાં સ્ત્રીઓએ ૬૬ ટકા અને પુરુષોએ ૫૦ ટકા કમાણી જાહેર કરી હતી.