લંડનઃ ડોરસેટસ્થિત ભારતીય રેસ્ટોરાંનાં ૪૨ વર્ષીય માલિક મોતીન મિયાએ ૨૦૦,૦૦૦ પાઉન્ડની ટેક્સચોરી કરી હોવાનું રેવન્યુ એન્ડ કસ્ટમ્સ(HMRC)ની તપાસમાં બહાર આવતા બોર્નમથ ક્રાઉન કોર્ટના જજ ફૂલર QCએ તેને ૩૨ મહિનાની જેલની સજા ઉપરાંત, ૧૦ વર્ષ માટે કંપનીના ડિરેક્ટર બનવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.
ડોરસેટના ફર્નડાઉનના નિવાસી મિયાએ ચાર્મીન્સ્ટર, સાઉથબોર્ન અને ફર્નડાઉનની પોતાની જોય રેસ્ટોરાંની આવક વિશે જૂઠ્ઠું બોલીને પાંચ વર્ષના ગાળામાં ૧૫૪,૭૬૩ પાઉન્ડનો વેટ ભર્યો ન હતો. તેણે ઈન્કમટેક્સના ૪૮,૯૪૩ પાઉન્ડ પણ ભર્યા ન હતા. મિયાએ HMRC સમક્ષ વાર્ષિક આવક ક્યારેય ૭,૮૦૦ પાઉન્ડથી વધુ દર્શાવી ન હતી. પરંતુ, મોર્ગેજથી વાર્ષિક ૫૦,૦૦૦ પાઉન્ડની આવક જાહેર કરી હતી. મિયાને તેની માલિકીની તેમજ ભાડે આપેલી પ્રોપર્ટીની પણ આવક થતી હતી.
HMRCની ફ્રોડ ઈન્વેસ્ટિગેશન સર્વિસના આસિસ્ટન્ટ ડિરેક્ટર રિચાર્ડ વિલ્કિન્સને જણાવ્યું હતું કે મિયાએ ૨૦૦,૦૦૦ પાઉન્ડ કરતાં વધુની કરચોરી કરી હતી. તે અંગત ખર્ચ માટે નાણાં સેરવી લેવાના ઈરાદાથી આવક વિશે ખોટું બોલ્યો હતો અને સારા પ્રમાણમાં પ્રોપર્ટી ઉભી કરી હતી.
જજ ફૂલર QCએ જણાવ્યું હતું પોતે માલિક હોવા છતાં તે ઈન્ટરવ્યુમાં જૂઠ્ઠું બોલ્યો હતો અને પોતે માલિક ન હોવાનું તેમજ સાચા માલિકો કોણ છે તેના વિશે જાણકારી ન હોવાનું કહ્યું હતું. પબ્લિક રેવન્યુની છેતરપિંડી અને આવકવેરાની ચોરી બદલ કોર્ટે તેને ૧૬ નવેમ્બરે ગુનેગાર ઠેરવ્યો હતો.