લંડનઃ ભારત અને વિશ્વના દેશોમાં હિન્દુ, શીખ અને જૈનોના સૌથી મોટા તહેવાર દીવાળીની ઉજવણી લંડનના મેયર દ્વારા રવિવાર ૨૮ ઓક્ટોબરે ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે કરવામાં આવનાર છે. સેન્ટ્રલ લંડનના સ્ક્વેરમાં સંગીત અને નૃત્યની રમઝટ, ફૂડ અને ડ્રિન્ક્સ, ભારતીય કળાવસ્તુઓને વેચતા સ્ટોલ્સ, સમગ્ર પરિવાર માટે પ્રવૃત્તિઓ તેમજ રોશનીની રેલમછેલ જોવાં મળશે. દીવાળી ઈન લંડન કમિટીના સહયોગથી દીવાળી ઉત્સવની ઉજવણી થઈ રહી છે. તમામ લંડનવાસીઓ અને રાજધાનીના મુલાકાતીઓ નિઃશુલ્ક ઉજવણીને માણી શકશે. રંગીન આતશબાજી સાથે ઉજવણીનું સમાપન કરાશે.
લંડનના મેયર સાદીક ખાને જણાવ્યું હતું કે, ‘લંડન અને સમગ્ર વિશ્વમાં દીવાળી ઉજવતા તમામને મારી શુભેચ્છા આપવા ઈચ્છું છું. આ પ્રકાશના તહેવાર દરમિયાન આપણે સાથે મળીને ગત વર્ષ પર ચિંતન કરીએ અને અશુભ પર શુભ, અંધકાર પર પ્રકાશ અને શત્રુતા પર મિત્રતાના વિજયને ઉજવીએ.’ દીવાળી ઈન લંડન કમિટી ૨૦૧૮ના અધ્યક્ષ અને લંડનના BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરના નીતિન પલાણ MBEએ જણાવ્યું હતું કે લંડનમધ્યે દીવાળી ઉજવણીનું આ ૧૭મુ વર્ષ છે, જે લંડનવાસીઓના હૃદયમાં પણ છે. દીવાળીનો આ પ્રકાશ આપણને યાદ કરાવે છે કે આપણે પણ પ્રકાશની દીવાદાંડી બનીએ, પ્રેમ, શાંતિ અને સંવાદિતાની આંતરિક શક્તિઓ પ્રસરાવીએ અને ઉજવણીનો હિસ્સો બની રહીએ.’
પરિવારલક્ષી આ ઉજવણી બપોરના એક વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ચાલશે. નટરાજ ડાન્સ એકેડેમી અને ક્યુટીપાઈ ડાન્સ ગ્રૂપ દ્વારા ડાન્સ પરફોર્મન્સીસ, પ્રસિદ્ધ ઘૂમર નૃત્ય અને ગરબામાં લોકો સામેલ થઈ શકશે. સોહો થીએટરના સહયોગમાં સ્ટેન્ડ-અપ પરફોર્મનીસ, બાળકો માટેની પ્રવૃત્તિઓ, કઠપૂતળી શો, યોગસત્ર, સાડી ડ્રેસિંગ, ડાન્સ વર્કશોપ્સ અને સાંસ્કૃતિક કળા સહિતની પ્રવૃત્તિઓ અહી જોવા મળશે. બજારના સ્ટોલ્સમાં શાકાહારી અને વેગન વિકલ્પો સાથે વાનગીઓનો આસ્વાદ લઈ શકાશે.
૨૦૧૮માં પ્રથમ વિશ્વ યુદ્ધના અંતના ૧૦૦ વર્ષ થઈ રહ્યા છે ત્યારે સ્ક્વેરમાં WW1 પ્રદર્શન બસ દર્શાવશે અને સાઉથ એશિયન સૈનિકોની સેવાના સન્માનમાં રોયલ બ્રિટિશ લિજિયન એક સ્ટોલ પણ રાખશે.