લંડનઃ તાજેતરમાં થયેલી ટ્રાન્સપ્લાન્ટ સર્જરી બાદ એડેનોવાઈરસનો ચેપ લાગતાં છ વર્ષીય બહાદૂર બાળકી કૈયા પટેલનું ૧૩ જાન્યુઆરીએ દુઃખદ અવસાન થયું હતું. ગયા માર્ચમાં કૈયાને લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા હોવાનું નિદાન થયું હતું. આ પ્રકારના કેન્સરમાં દર્દીના બોન મેરોને અસર થાય છે. તેનો અર્થ એવો થાય કે દર્દીના શરીરમાં પુષ્કળ પ્રમાણમાં શ્વેતકણોનું ઉત્પાદન થાય.
૬૦ ટકા નોર્થ યુરોપિયન દર્દીઓની સરખામણીમાં માત્ર ૨૦ ટકા એશિયન અથવા વંશીય લઘુમતિના દર્દીઓને સંભવિત શ્રેષ્ઠ મેચીંગ મળતું હોવાના કારણે તેના માતાપિતા અનુ અને રુચિતે #CureKaiya કેમ્પેઈન હાથ ધર્યું હતું.
ઘણી સંસ્થાઓ પણ માત્ર કૈયા માટે જ નહીં પરંતુ કેન્સર સામે ઝઝૂમી રહેલા અન્ય એશિયન દર્દીઓની સારવારનો ઉકેલ મેળવવાની આશા સાથે સ્ટેમ સેલ અભિયાનના આયોજનમાં મદદરૂપ થઈ હતી. ગયા સપ્ટેમ્બરમાં ડોનર પણ મળ્યો હતો અને સપ્ટેમ્બરમાં સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. કમનસીબે કૈયાને એડેનોવાઈરસનો ચેપ લાગ્યો હતો.
કૈયાની લડતને લીધે તેને ગયા નવેમ્બરમાં એન્થની નોલાન સપોર્ટર એવોર્ડ્ઝ સમારોહમાં જહોન પેચી યંગ હીરો એવોર્ડ એનાયત થયો હતો, જે તેના વતી તેના કાકા નિક અને પ્રિયા દેસાઈએ સ્વીકાર્યો હતો.
‘Be Kaiya’s Donor’ ફેસબુક પેજ પર તેના માતાપિતાએ લખ્યું હતું,‘આપને ભારે હૈયે જણાવતાં ખૂબ દુઃખ થાય છે કે અમારી વહાલસોયી કૈયાનું ગઈ મોડી રાત્રે અવસાન થયું છે. કૈયાના નામે ચાલી રહેલા ડોનર અભિયાનની કેન્સરથી પીડાતાં ઘણાં બાળકોને મદદ મળી છે.’
દરમિયાન, બોલ્ટન હિંદુ ફોરમ દ્વારા જણાવાયું હતું કે કૈયાએ તેના ટૂંકા જીવન દરમિયાન દેશભરના લગભગ ૧૨,૦૦૦ લોકોને બોનમેરો રજિસ્ટ્રીમાં જોડાવાની પ્રેરણા પૂરી પાડી હતી જેનાથી તેના જેવા દર્દીઓને મદદ થઈ શકે. ઘણાં લોકો હજુ એવાં છે જેમને ડોનર્સની જરૂર છે અને તેથી કૈયાની જે હાલત હતી તેવી હાલતમાં મૂકાયેલા અન્ય લોકોને બચાવવા માટે ફોરમ રજિસ્ટ્રેશન સેશન્સ યોજવાનું ચાલુ રાખશે. ફોરમ દ્વારા આગામી બોન મેરો સ્વેબિંગ, ઓર્ગન ડોનેશન અને બ્લડ ડોનેશન રજિસ્ટ્રેશન ૩જી ફેબ્રુઆરીએ યોજાશે. આપે હજુ સુધી બોનમેરો ડોનેશન માટે રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો તે કરાવવા અનુરોધ છે.