લંડન, ઈન્દોરઃ ભારતમાં ટ્રેન પાંચ - દસ મિનિટ નહીં, પરંતુ કલાકો સુધી મોડી આવે અને ઘણીવાર તો ટ્રેન રદ પણ થઇ જાય, તે સામાન્ય ગણાય છે. આના પરિણામે, મુસાફરો રેલવે સ્ટેશન પર કે પછી ટ્રેનમાં સફર કરતાં રસ્તામાં સમય વીતાવતા જોવા મળે છે. પરંતુ યુરોપમાં આવું નથી. અહીં ટ્રેન એક મિનિટ પણ મોડી પડતી નથી. કોઇક કારણસર ટ્રેન મોડી પડે તો ટ્રેન કંપનીઓ માફી માંગવા સાથે વળતર પણ ચૂકવે છે. બ્રિટનની રેલવે કંપનીએ ઇન્દોરના રહીશ રાકેશ મિત્તલને માફીપત્ર સાથે ૩૩ પાઉન્ડનો ચેક મોકલી આપ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાકેશ મિત્તલ ડિસેમ્બર ૨૦૧૫માં એડિનબરાથી લંડન સુધીનો પ્રવાસ ખેડ્યો હતો. ટેકનિકલ કારણોસર ટ્રેન ૩૩ મિનિટ મોડી પડી હતી.
અધિકારી ચાલુ ટ્રેને તમામ પ્રવાસી પાસે આવ્યા અને ટ્રેન મોડી થવા બદલ માફી માંગતા એક ફોર્મ ભરવા આપ્યું. ફોર્મમાં પોતાનું નામ- સરનામું લખીને યાત્રાની ટિકિટ એટેચ કરીને ટપાલ ટિકિટ લગાવ્યા વિના પોસ્ટ બોક્સમાં નાખવાની હતી. મિત્તલ માટે આ અનોખો અનુભવ હતો. આ પછી તેઓ ભારત પરત થયા હતા. થોડા દિવસ પછી તેમને ઇન્દોરના સરનામે વર્જિન ઇસ્ટ કોસ્ટ રેલવેનું કવર મળ્યું, જેમાં ટ્રેન મોડી થવા બદલ માફીપત્ર સાથે વળતર તરીકે ૩૩ પાઉન્ડનો ચેક પણ હતો.