અમદાવાદઃ હોળી અને ધુળેટી પર ડાકોરના ઠાકોર રણછોડરાય ભગવાનના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને દર વર્ષે જતાં હોય છે. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આ વર્ષે પણ નવ માર્ચથી ભક્તોની સાથે વિવિધ પગપાળા સંઘો પણ પદયાત્રા શરૂ કરશે.
ડાકોરના રૂટ પર પદયાત્રીઓ માટે વિવિધ સંસ્થાઓ અને સામાજિક લોકો દ્વારા સ્થળ પર અને હરતાફરતા પણ સેવા આપતાં હોય છે. આ વર્ષે 250થી વધુ કેમ્પ ડાકોર રૂટ પર જોવા મળશે. ગત વર્ષે 200 જેટલી સંસ્થાઓ દ્વારા નાનામોટા કેમ્પ યોજીને પદયાત્રીઓ માટે સેવાકીય કાર્યો કર્યા હતા. હાલમાં જ ડાકોર પદયાત્રી સેવા કેન્દ્ર સંકલન સમિતિની મીટીંગ કનીજ પાટીયા ખાતેના રણછોડરાયજી મંદિરે કેમ્પ લગાવવાની સાથે ભંડારાની વ્યવસ્થા ઉભી કરતા આયોજકો હાજર રહ્યા હતા. કમિટીના અધ્યક્ષ હરીન પાઠકે જણાવ્યું કે, જેમાં પદયાત્રીઓ માટે થનાર ભંડારા સાથે વિવિધ કેમ્પોની વ્યવસ્થાઓ પર ચર્ચા કરાઈ હતી. ડાકોર માર્ગ પર સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પણ સૂચનાની સાથે સીસીટીવી કેમેરાથી નજર રાખવાની વ્યવસ્થા કરાશે. ગત વર્ષે કેળાના છાલથી પદયાત્રીઓ પડી જવાના બનાવો બન્યા હતા. જેને પગલે આ વર્ષે છાલવાળા ફળ જેવા કે કેળા, મોસંબી, નારંગીના વિતરણની સાથે પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વિવિધ સેવાકીય કાર્યોની પરવાનગી આપવા માટે 4 અને 5 માર્ચે કનીજ રણછોડ મંદિરે વાહન માલિકની સંમતિ, આરસી બુક, વીમાની કોપી, પીયુસી અને લાયસન્સ પુરાવા તરીકે લાવવાના રહેશે. આ સાથે આગ જેવી દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયર સેફ્ટીની વ્યવસ્થા પણ ઉભી કરાશે.
આ વર્ષે 50 કેમ્પ વધુ લાગશે
શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ તથા શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળના પ્રમુખ અતુલ પટેલે જણાવ્યું કે, દર વર્ષે ડાકોર પદયાત્રિકોની સેવા માટે ડાકોર રૂટના માર્ગ પર 200 જેટલા કેમ્પ લાગતા હોય છે, જેમાં ભંડારાની સાથે નાસ્તા અને માલિશ સહિતના કેમ્પ પણ વિવિધ સંસ્થાઓ અને સામાજિક આગેવાનો દ્વારા સેવાકીય કાર્યો કરતા હોય છે. આ વર્ષે 50 કેમ્પોનો વધારો થયો છે. ડાકોર સુધીના રૂટ પર આ વર્ષે 250થી વધુ કેમ્પ જોવા મળશે.