લંડનઃ ડેપ્યુટી મેયર ફોર ટ્રાન્સપોર્ટ હૈદી એલેકઝાન્ડરે સ્ટેપ-ફ્રી સુવિધા બાબતે લાંબા સમયની ચિંતા સમજવા સ્ટેનમોર અંડરગ્રાઉન્ડ સ્ટેશનની શુક્રવારે મુલાકાત લીધી હતી. તેમની સાથે હેરો અને બ્રેન્ટ માટેના લંડન એસેમ્બલી મેમ્બર નવીન શાહ AM, હેરો કાઉન્સિલના નેતા, રોયલ નેશનલ ઓર્થોપીડિક હોસ્પિટલ અને સ્પાઈનલ-કોર્ડ ઈન્જરી ચેરિટી એસ્પાયરના પ્રતિનિધિઓ તથા સ્ટેનમોર સોસાયટીના સભ્યો પણ જોડાયા હતા.
સ્થાનિક કેમ્પેઈનરો સાથે મળી નવીન શાહ એક દાયકા કરતા વધુ સમયથી આ સ્ટેશને સ્ટેપ-ફ્રી સુવિધા સુધારવાની માગણી કરતા રહ્યા છે. તેમણે સ્ટેશન પ્લેટફોર્મથી આવવા-જવા અક્ષમ પ્રવાસીઓને નડતી સમસ્યાઓ સહિત અનેક મુદ્દાઓની સમજ ડેપ્યુટી મેયરને આપી હતી. એસ્પાયર લેઝર સેન્ટરના ડેપ્યુટી મેનેજર અને વ્હીલચેરનો ઉપયોગ કરતા જો ગિલ્બર્ટે લાંબો અને ઉબડખાબડ રસ્તો પસાર કરવામાં નડતી મુશ્કેલીઓનું નિદર્શન પણ કર્યું હતું.
સમગ્ર દેશના પેશન્ટ્સ માટે નિષ્ણાત સંભાળ આપવા માટે જાણીતી રોયલ નેશનલ ઓર્થોપીડિક હોસ્પિટલ માટે મુખ્ય ટડ્રાન્સપોર્ટ લિન્ક સમાન સ્ટેનમોર સ્ટેશને લિફ્ટ ગોઠવવા લાંબા સમયથી માગણી થઈ રહી છે. નવીન શાહ હાલ સ્ટેશન અને હોસ્પિટલ વચ્ચે સીધી બસસેવા શરૂ કરાવવાના અભિયાનમાં સ્થાનિક જૂથો સાથે સંકળાયેલા છે.
નવીન શાહે જણાવ્યું હતું કે ડેપ્યુટી મેયર ફોર ટ્રાન્સપોર્ટ ખુદ તપાસ માટે સ્ટેનમોરની મુલાકાતે આવ્યાં તેનો આનંદ છે. સ્ટડેશન પર લિફ્ટ ગોઠવવાના વિકલ્પની ડેપ્યુટી મેયર સાથે વાતચીત કરવાનો પણ આનંદ છે. રોયલ નેશનલ ઓર્થોપીડિક હોસ્પિટલના ચીફ એક્ઝિક્યુટિવરોબ હર્ડ, સ્ટેનમોર સોસાયટીના ચેરમેન જ્હોન વિલિયમ્સ અને એસ્પાયર ચેરિટીના સીઈઓ બ્રિઆન કાર્લિન સહિત સ્થાનિક કેમ્પેઈનર્સ પણ આ લાંબી લડતમાં નવીન શાહ સાથે જોડાયેલા હતા.