જીવનની જેમ મૃત્યુમાં પણ, આર્ચબિશપ ડેસમન્ડ ટુટુએ દફન કે અગ્નિસંસ્કાર કરતાં એક્વામેશનની તેમની પસંદગી સાથે પર્યાવરણીય મુદ્દાઓ પર ધ્યાન દોર્યું છે. નોબેલ પારિતોષિક વિજેતા, હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટ અને પર્યાવરણ પ્રચારકનું બોક્સિંગ ડે પર નિધન થયું અને કેપ ટાઉનના સેન્ટ જ્યોર્જ કેથેડ્રલમાં શનિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
તેમના અંતિમ સંસ્કાર માટેની તેમની સૂચનાઓમાં તેમના અવશેષો પર એક્વામેશનની પ્રક્રિયા કરવાની સૂચના હતી. એક્વામેશન આલ્કલાઈન હાઈડ્રોલિસીસ, રિસોમેશન, લિક્વિડ ક્રિમેશન (પ્રવાહી અંતિમસંસ્કાર), બાયો ક્રિમેશન અથવા વોટર ક્રિમેશન તરીક પણ જાણીતું છે. આ પ્રક્રિયામાં મૃત વ્યક્તિના શરીરને પાણી અને કેમિકલ્સ દ્વારા તોડી નાખવામાં આવે છે.
મૃતદેહને ગરમ પાણી અને આલ્કલાઇન કેમિકલ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અથવા સોડિયમ હાઇડ્રોક્સાઇડ (જેને લાઇ અથવા કોસ્ટિક સોડા તરીકે ઓળખવામાં આવે છે) અથવા તે બંનેના મિશ્રણના દ્રાવણ સાથે મોટી ચેમ્બરમાં મૂકવામાં આવે છે.
તાપમાન ૧૬૦ ડિગ્રી સુધી પહોંચે છે. પરંતુ ચેમ્બરનું દબાણ પાણીને ઉકળતા અટકાવે છે. પાણી, ગરમી અને રાસાયણિક સંયોજનોના આ મિશ્રણથી શરીરના પેશીઓ અને ચરબી ત્રણથી ચાર કલાકમાં ઓગળી જાય છે.
માત્ર હાડકાં જ બાકી રહે છે, જેનો પાઉડર કરીને કળશમાં પરિવારજનોને પરત કરી શકાય છે. તે અગાઉ તબીબી સંશોધન માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓના શરીર અને માનવ શરીરની પ્રક્રિયા માટે તેનો ઉપયોગ થતો હતો.
તે ક્યાં ક્યાં કાયદેસર છે ? નેશનલ એસોસિએશન ઑફ ફ્યુનરલ ડિરેક્ટર્સ (NAFD) એ જણાવ્યું કે વર્તમાન કાયદા હેઠળ તેને માત્ર સ્વાસ્થ્ય, સલામતી અને પર્યાવરણીય નિયમનના પાલનને આધીન જ મંજૂરી અપાય છે અને આ સેવા હાલ યુકેમાં ઉપલબ્ધ નથી. જોકે ત્યાં સંખ્યાબંધ સંસ્થાઓ છે જે તેને લાવવા માટે સ્થાનિક સરકાર સાથે કામ કરી રહી છે. NAFDએ જણાવ્યું યુકેમાં આ પ્રક્રિયા અપનાવવાનો આધાર પ્રક્રિયાના અંતે જે કંઈપણ પાણીમાં પ્રવેશે છે તે "યોગ્ય" છે કે નહીં તે સુનિશ્ચિત કરવા પર રહે છે.
NAFD જણાવ્યું હતું કે જ્યારે કાયદામાં સુધારો કરવામાં આવે ત્યારે તે તાજેતરના વર્ષોમાં અંતિમ સંસ્કારના સંદર્ભમાં થયેલા મોટા ફેરફારોને માન્યતા આપે અને નિકાલના વધારાના પ્રકારોને અમલી બનાવવા માટે વાજબી જોગવાઈ કરે તે મહત્વનું છે.
આ સેવા અમેરિકાના કેટલાંક રાજ્યો, કેનેડાના ત્રણ રાજ્યો, ઓસ્ટ્રેલિયા, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડના કેટલાંક ભાગો સહિત અન્ય દેશોમાં ઉપલબ્ધ છે.
તેનો ખર્ચ શું થાય ?
અમેરિકામાં આલ્કલાઇન હાઇડ્રોલિસિસ સર્વિસ માટેનો ખર્ચ ૯૦૦થી ૨૫૦૦ ડોલર સુધીનો થઈ શકે છે, જે ૬૬૫થી ૧૮૪૭ પાઉન્ડ જેટલો થાય. તેની સરખામણીમાં, funeralguide.co.uk અનુસાર.યુકેમાં પરંપરાગત અગ્નિસંસ્કારનો સરેરાશ ખર્ચ આશરે ૮૦૦ પાઉન્ડ છે અને દફનવિધીનો સરેરાશ ખર્ચ લગભગ ૧૭૦૦ પાઉન્ડ હોય છે,
શા માટે એક્વામેશનને વધુ પર્યાવરણને અનુકૂળ ગણવામાં આવે છે?
પર્યાવરણ માટે આ પ્રક્રિયાને વધુ સારી માનવામાં આવે છે કારણ કે જ્યોતના અગ્નિસંસ્કાર કરતાં આ પ્રક્રિયામાં ઓછા ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થાય છે. તેમાં પરંપરાગત અગ્નિસંસ્કાર કરતાં ૯૦ ટકા જેટલી ઓછી ઉર્જાનો ઉપયોગ થતો હોવાનું જણાયું છે. આ પ્રક્રિયામાં શબપેટીને બાળવાની જરૂર હોતી નથી અને અસ્થિના ૩૦ ટકાથી વધુ સુધીના અવશેષો પરિવારને પરત કરવામાં આવે છે.