લંડનઃ પીઢ કોમ્યુનિટી અગ્રણી ડો. પ્રેમ શર્મા OBEને રોયલ સોસાયટી ઓફ મેડિસીનની ‘વોલ ઓફ ઓનર’માં સ્થાન આપી શુક્રવાર, ૨૦ ઓક્ટોબરે હિન્દુ નૂતન વર્ષના દિને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. લંડનની વિમ્પોલ સ્ટ્રીટ ખાતે રોયલ સોસાયટી ઓફ મેડિસીનના સેન્ટ્રલ એટ્રિયમમાં આયોજિત કાર્યક્રમમાં વેટરનરી મેડિસીન ઉપરાંત, કોમ્યુનિટી સંબંધો, રાજકીય હિસ્સેદારી અને શાંતિના ધ્યેયના ક્ષેત્રોમાં ડો. શર્માના પ્રદાનને તેમના પરિવાર અને મિત્રોની હાજરીમાં વધાવી લેવાયું હતું.
રોયલ સોસાયટી ઓફ મેડિસીનની સ્થાપના બે સદી અગાઉ ૧૮૦૫માં થઈ હતી. યુકેમાં મેડિકલ પોસ્ટગ્રેજ્યુએટ શિક્ષણ આપનારી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં એક હોવા સાથે સમગ્ર યુરોપમાં સૌથી વિશાળ મેડિકલ લાઈબ્રેરીઓમાં પણ તેનું સ્થાન છે. વેટરનરી સર્જન અને વ્યવસાયે ચાર્ટર્ડ બાયોલોજિસ્ટ ડો. શર્માએ નાઈજિરિયામાં કાનો સ્ટેટ ગવર્મેન્ટ (૧૯૬૯-૧૯૭૬)માં પરમેનન્ટ સેક્રેટરી તેમજ સાઉદી અરેબિયામાં વિશ્વબેન્કના ફંડ સાથેના એગ્રીકલ્ચરલ પ્રોજેક્ટના ડાયરેક્ટર (૧૯૭૬-૧૯૭૮)તરીકે સેવા આપી હતી. આ પછી, તેમણે એગ્રીકલ્ચરલ, ટ્રેડ અને ટેકનોલોજી સંલગ્ન પોતાની આંતરરાષ્ટ્રીય કન્સલ્ટન્સી સ્થાપી હતી.
ડો. શર્મા બ્રિટિશ ભારતીય સમુદાયને કન્ઝર્વેટિવ પાર્ટી સાથે જોડવામાં પ્રણેતા રહ્યા હતા. કન્ઝર્વેટિવ પાર્લામેન્ટેરી ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયાના સ્થાપક પેટ્રન તરીકે તેમણે ૨૦૦૩માં ભારત ગયેલા હાઈ પ્રોફાઈલ ડેલિગેશનનું વડપણ સંભાળ્યું હતું. ઈન્ડિયા ડેવલપમેન્ટ ટ્રસ્ટના સ્થાપક ચેરમેન ડો. શર્માને બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીની નોંધપાત્ર સેવા બદલ હિન્દ રત્ન (૧૯૯૧) અને નવ રત્ન (૧૯૯૫) એવોર્ડ્સથી સન્માનિત કરાયા હતા. ડો. શર્માને યુકેમાં કોમ્યુનિટી રીલેશન્સની સેવા બદલ ૨૦૧૦માં ક્વીન દ્વારા OBE ઈલકાબ એનાયત કરાયો હતો.
રોયલ સોસાયટી ઓફ મેડિસીન સમારંભમાં ડો. શર્માના પુત્ર સાંસદ અને હાઉસિંગ-પ્લાનિંગ મિનિસ્ટર આલોક શર્મા અને તેમની પત્ની ઈન્જેલા, બેરોનેસ ઉષા પ્રશાર CBE, અગ્રણી સોલિસિટર વિજય શર્મા, લોર્ડ જીતેશ ગઢિયા, રેમી રેન્જર CBE, ભારતીય વિદ્યા ભવનના ચેરમેન જોગીન્દર સંગેર અને સુનિતા સંગેર, કોમનવેલ્થ બિઝનેસ કાઉન્સિલના પૂર્વ ચેરમેન ડો.મોહન કૌલ અને ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક તંત્રી સી.બી. પટેલ ઉપસ્થિત હતા.