યુગાન્ડાના બિઝનેસ અગ્રણી ડો. સુધીર રૂપારેલિયાએ તેમના અને તેમના પરિવારે ગુનાહિત પ્રવૃત્તિ કરી હોવાના દાવાને નકારી કાઢ્યો છે. ૬૨ વર્ષીય ડો. રૂપારેલિયાએ અફવાઓને ‘ફેક પ્રોપેગેન્ડા’ ગણાવ્યો હતો. હકીકતમાં તો લગભગ એક સદી જૂની ટ્રાન્સનેશનલ પોલીસીંગમાં કાર્યરત સંસ્થા ઈન્ટરપોલ દ્વારા ડો. રૂપારેલિયાને સારા ચારિત્ર્યનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું, જે આવા પાયાવિહોણા દાવાઓ સામે પૂરતો પૂરાવો છે. ત્રણ સંતાનોના પિતા ડો. રૂપારેલિયા માટે આવા ફેક ન્યૂઝ કોઈ નવી વાત નથી.
ગયા વર્ષે ૧લી ફેબ્રુઆરીએ એક ફેક ન્યૂઝ પોર્ટલે કેલિફોર્નિયાની મુલાકાત દરમિયાન ટૂંકી બીમારી બાદ ડો. રૂપારેલિયાનું મૃત્યુ થયું હોવાના અહેવાલ આપ્યા હતા. તેમણે સ્મિત સાથે કહ્યું ,‘હકીકત એવી છે કે ડો. રૂપારેલિયા સતત પ્રગતિ કરી રહ્યા છે, મુંગુ (ભગવાન)ની કૃપાથી.’
તાજેતરમાં તેમને યુગાન્ડાના પાટનગર કમ્પાલામાં વર્ષ ૨૦૧૮ માટેનો ઈસ્ટ આફ્રિકન બિઝનેસ લીડર એવોર્ડ એનાયત થયો હતો. એવોર્ડ સ્વીકારતા તેમણે જણાવ્યું હતું કે જ્યારે તેમણે કારકિર્દી શરૂ કરી ત્યારે તેમનું સ્વપ્ન ફક્ત એક સુંદર મઝાનું ઘર અને તેમના બાળકોને પ્રાઈવેટ શિક્ષણ મળે તેવું હતું. કબીરા કન્ટ્રી ક્લબ ખાતે યોજાયેલા શાનદાર સમારોહમાં તેમણે મહેમાનોને કહ્યું હતું‘ પાયો મજબૂત હોવો જોઈએ. તમે જ્યાં પહોંચી ન શકો તેટલું ઉંચુ ધ્યેય રાખવાની કોઈ જરૂર નથી. તમે જ્યાં પહોંચી શકો તેવું જ લક્ષ્ય રાખો અને પછી બીજા પડાવ માટે લક્ષ્ય નક્કી કરો. તે પછી બીજું અને પ્રસંગોપાત ઘણી તકો હોય છે. ડો. રૂપારેલિયાએ દરેક વ્યક્તિ સમૃદ્ધ થઈ શકે તે માટે તેમને બિઝનેસની તકો પૂરી પાડવા બદલ યુગાન્ડા સરકાર અને પ્રમુખ યોવેરી મુસેવેનીનો આભાર માન્યો હતો.