લંડનઃ ૫૩ વર્ષીય પોડિયાટ્રીસ્ટ અનુરાધા મેઘપરાએ એક પરીણિત ડોક્ટર અને પૂર્વ સહકર્મી ડો. ડેરિલ બેકરને સતત ચાર વર્ષ સુધી ૪૦૦ લવ લેટર્સ અને ગ્રીટીંગ્સ મોકલ્યા હતા અને આ પછી તેમના પર હેરાનગતિનો આક્ષેપ મૂક્યો હતો. હવે આ મહિલાને જેલમાં જવું પડશે.
ફૂટ ડોક્ટર મેઘપરાએ ડો. બેકરને સતત ચાર વર્ષ સુધી તેમના ભાવિ લગ્ન, વેડિંગ ડ્રેસ અને ભવિષ્યના ઘર વિશે પત્રો મોકલ્યા હતા. સેન્ટ જ્હોન‘સ વુડમાં વેલિંગ્ટનની પ્રાઈવેટ હોસ્પિટલમાં વાસ્ક્યુલર એક્સપર્ટ તરીકે ફરજ બજાવતા ડો .બેકરે શરૂઆતમાં તો આ પત્રોને ધ્યાનમાં લીધા નહોતા. જોકે, ગયા વર્ષે મેઘપરાએ તેમની સામે નોન-મોલેસ્ટેશન ઓર્ડર મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ પોલીસ પાસે ગયા હતા.
હેરાનગતિ બંધ કરવા માટે મેઘપરાને ગયા જૂનમાં સત્તાવાર ચેતવણી અપાઈ હતી અને તેણે છ અઠવાડિયા સુધી પત્રો મોકલવાનું બંધ કર્યું હતું. પરંતુ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેના પર હેરેસમેન્ટનો ચાર્જ મૂકાયો તે પહેલા તેણે ૩૦ કાર્ડસ અને લેટર્સ મોકલ્યા હતા.
ડો. બેકર અને મેઘપરા હેમ્પસ્ટેડમાં રોયલ ફ્રી હોસ્પિટલમાં કામ કરતા હતા ત્યારે મળ્યા હતા. તેઓ ઘણી વખત તેમના પેશન્ટસને મેઘપરાને રિફર કરતાં હતા. કેસની કાર્યવાહી શરૂ થતા પહેલા મેઘપરાએ તેનો ગુનો કબૂલી લીધો હતો.