લંડનઃ કેન્ટમાં ડોવર ખાતે એન્ટિ-ઈમિગ્રેશન જમણેરી વિરોધ પ્રદર્શન દરમિયાન ફાસીવાદવિરોધી કાર્યકરોએ કરેલા પ્રતિવિરોધમાં હિંસા પાટી નીકળી હતી. નેશનલ ફ્રન્ટ દ્વારા આયોજિત રેલીમાં ઈંટો અને સ્મોક બોમ્બ પણ ફેંકાયા હતા. પોલીસે હિંસાની ઘટના અંગે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે ચાકુ, નકલ-ડસ્ટર અને હથોડીઓ સહિતના શસ્ત્રો જપ્ત કર્યા હતા.
કેન્ટ એન્ટિ-ફાસિસ્ટ નેટવર્ક સહિત ડાબેરી જૂથોએ શનિવારે સવારે પ્રતિવિરોધ શરૂ કરી એન્ટિ-ઈમિગ્રેશન સામે કૂચ કરી હતી. પોલીસે જાહેર વ્યવસ્થાના ભંગ, પોલીસ સામે હુમલા અને શસ્ત્રો રાખવા સબબે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી. એક સમયે ડાબેરી કાર્યકરોએ પોલીસ ઓફિસર્સને પાછા હટાવી દીધા હતા. વિરોધ પ્રદર્શનનો અહેવાલ લેતી મહિલા રિપોર્ટરે જમણેરી કાર્યકરો દ્વારા તેને બળાત્કારની ધમકી અપાયાનું પણ જણાવ્યું હતું. કેન્ટ પોલીસે જણાવ્યું હતું કે એક વ્યક્તિનો હાથ ભાંગી ગયો હતો અને અન્ય પાંચને ઈજા થઈ હતી.
અગાઉ, રેલીમાં લોકોને લઈ જતા કેટલાંક કોચને નુકસાન કરાતા M20 પર મેઈડસ્ટોન સર્વિસીસ બંધ કરી દેવાઈ હતી. સામસામે અથડામણમાં છ વ્યક્તિને ઈજા પહોંચી હતી અને બે કોચ પર લોહીથી સ્વસ્તિકના નિશાન પેઈન્ટ કરવામાં આવ્યા હતા. હિંસક અરાજકતાની શંકાએ અહીં છ વ્યક્તિની ધરપકડ કરાઈ હતી.