ઢાકાઃ શેખ હસીના સરકારનું પતન થયું ત્યારે જૂના ઢાકામાં અનેક મસ્જિદોની વચ્ચે આવેલાં પ્રાચીન ઢાકેશ્વરીના મંદિરની રક્ષા કરવા માટે સ્થાનિક હિન્દુ-મુસ્લિમોએ સંપી જઈ આ મંદિરની રક્ષા કરી હતી તેમ મંદિરના બંગાળી પૂજારી એશીમ મૈત્રોનું કહેવું છે. પંદર વર્ષથી મા ઢાકેશ્વરીની પૂજા કરતાં અશીમ મૈત્રો હવે આ મંદિરને ધાર્મિક અને કોમી સંવાદિતાનું પ્રતીક ગણે છે.
મૈત્રોએ જણાવ્યું હતું કે 13 ઓગસ્ટે વર્તમાન સરકારના સલાહકાર મોહમ્મદ યુનુસે આ મંદિરની મુલાકાત લીધી ત્યારે ઢાક એટલે એક પ્રકારનું બંગાળી ઢોલક વગાડીને તેમનું સ્વાગત કરાયું હતું. 53 વર્ષના પુજારીએ જણાવ્યું હતું કે પાંચ ઓગસ્ટથી માંડી તેર ઓગસ્ટ દરમ્યાન આખા દેશમાં અશાંતિ હતી ત્યારે પણ આ મંદિરમાં નિયમિત પૂજા-પ્રસાદ થતાં હતાં. રોજ મસ્જિદોમાં મગરીબની નમાજ અદા થઇ જાય તે પછી અડધાં કલાક બાદ આ મંદિરમાં મા ઢાકેશ્વરીની આરતી થાય છે. અઝાન વચ્ચે આ મંદિરની આરતીમાં થતો ઘંટડીનો રણકાર અનેરી સંવાદિતાનું દર્શન કરાવે છે.
મૈત્રોએ જણાવ્યું હતું કે અગાઉની સરકારનું પતન થયું ત્યારે કોઈ સરકારી અધિકારી કે પોલીસ અધિકારી અહીં તહેનાત નહોતાં પણ હવે વચગાળાની સરકાર સ્થપાવાને પગલે પોલીસની હાજરી વધી છે. 1971માં જન્મેલા મૈત્રોએ જણાવ્યું હતું કે હવે તો સ્થિતિ થાળે પડી ગઈ છે અને રોજ આશરે એક હજાર માણસ આ મંદિરની મુલાકાતે આવે છે.
મૈત્રોએ જણાવ્યું હતું કે સ્થાનિક સમુદાયના હિન્દુ, મુસ્લિમ અને અન્ય કોમના લોકોએ મંદિરની બહાર ચોકી પહેરો ભરી સતત મંદિરની રક્ષા કરી હતી. આજસુધી આ મંદિરમાં કોઇ અનિચ્છનીય બનાવ બન્યો નથી. મા તમામ માણસોની મા છે. પછી તે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી કે બોદ્ધ ગમે તે જ ન હોય, બધાં જ અહીં માનસિક શાંતિ અને સમૃદ્ધિ મેળવવાની આશાએ માના દર્શન કરવા આવે છે.