નમસ્તે શ્રી સી.બી., ઘણી વખત મારે તમારા અંગે કંઈ કહેવું હોય છે કે લખવું હોય છે, પણ કોઇને લાગે કે તમો મારા સ્નેહી મિત્ર છો એટલે વખાણ કરી રહ્યો છું, આથી અત્યાર સુધી લખવાનું ટાળી રહ્યો હતો. જોકે હવે લખ્યા વગર રહી શકતો નથી અને જે સાચું છે તે લખવાની કોશિષ કરી રહ્યો છું. ભાવનાઓ, સંજોગો અને જીત એ ત્રણેયમાં શુભેચ્છકોની શુભ લાગણી સૌથી અગત્યની પુરવાર થતી હોય છે. આપને પત્રકારત્વમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે પ્રવાસી ભારતીય એવોર્ડથી સન્માનવામાં આવ્યા તે અમારા સર્વ માટે એક ગૌરવની વાત છે. તમારા માથે તમારા વડીલોના આર્શીવાદ જરૂર છે, પરંતુ મારા માટે તો તમે ખરા અર્થમાં લડવૈયા છો.
હું પચાસ વર્ષથી તમને જાણું છું અને આ વર્ષો દરમિયાન મેં મારી નજર સામે જે જોયું છે અને અનુભવ્યું છે તે જોતાં એમ લાગે છે કે તમે એવી વ્યક્તિ નથી કે જે હાર માનીને બેસી ગઇ હોય કે સંજોગો સ્વીકારીને નિરાશામાં ડૂબી ગઇ હોય કે પોતાની શક્તિને વિસરી ગઇ હોય. ઘણા સંઘર્ષ વેઠ્યા.
તમે કે તમારા પ્રકાશન ‘ગુજરાત સમાચાર’એ માત્ર આવકને જ નજરમાં રાખીને કામ કર્યાં નથી. તમે ઘણી રીતે સમાજઉપયોગી કાર્યો હાથ પર લીધા છે અને તેને સફળતાપૂર્વક પાર પણ પાડ્યા છે. તમે ક્યારેય ‘ગુજરાત સમાચાર’નું સંચાલન ક્યારેય ધંધા-વ્યવસાય તરીકે નથી કર્યું. તમે જીવનમાં ક્યારેય કોઇ પણ મુદ્દે એવા સ્વાર્થી વિચાર નથી કર્યા કે મારું શું છે? કે મારે શું? આપણા સમાજની સહુ કોઇ વ્યક્તિ આ બાબત જાણે છે એટલે આ મુદ્દે વધુ લખતો નથી. એબીપીએલ ગ્રૂપ હરહંમેશ - નિત્ય પ્રગતિ કરતું એવી મારી હૃદયપૂર્વકની ઇચ્છાને - શુભકામનાઓને સ્વીકારશો.