તમે શું ઇચ્છો છો... લંડન-અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ ક્યાંથી ઓપરેટ થવી જોઇએ - હિથ્રોથી કે ગેટવિકથી?

Wednesday 21st June 2023 05:47 EDT
 
 

અમારા માનવંતા વાચકો, બૃહદ સમાજસેવીઓ,
બ્રિટનવાસી ગુજરાતી સમુદાયમાં છેલ્લા કેટલાય સમયથી એક સવાલ ચર્ચાના ચકરાવે ચઢ્યો છેઃ લંડન-અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ હિથ્રોથી ઓપરેટ થવી જોઇએ કે ગેટવિકથી?
અન્યોની નજરે સામાન્ય જણાતો આ સવાલ બ્રિટનમાં વસતાં ગુજરાતી સમુદાય માટે બહુ મહત્ત્વનો છે. કેમ કે તેની સાથે પ્રવાસીના સમય - શક્તિ - નાણાં અને સવલત સંકળાયેલા છે. અત્યાર સુધી આ ફ્લાઇટ હિથ્રો એરપોર્ટથી ઓપરેટ થતી હતી, હવે આ ફ્લાઇટ હિથ્રોના બદલે ગેટવિક એરપોર્ટથી ઓપરેટ થાય છે. ફ્લાઇટ ઓપરેટર એર ઇંડિયાનો આ નિર્ણય માદરે વતનની મુલાકાતે જઇ રહેલા બહુમતી ગુજરાતી પ્રવાસીને સ્પર્શે છે એમ જણાય છે.
આ જ કારણસર થોડાક સમય પૂર્વે અમે ‘ગુજરાત સમાચાર’ - Asian Voiceમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે સાથે જ અમે એર ઇન્ડિયાના સીઇઓ અને મેને. ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સનને પત્ર પાઠવીને પ્રવાસીઓની પરેશાની અંગે રજૂઆત કરીને લંડન-અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટને ગેટવિક એરપોર્ટથી ઓપરેટ કરવાના નિર્ણય અંગે ફેરવિચારણા કરવા અનુરોધ કર્યો હતો.
એર ઇંડિયા અત્યારે લંડન-અમદાવાદ-લંડન રૂટ પર દર સપ્તાહે ત્રણ ફ્લાઇટ ઓપરેટ કરે છે. અને આ ત્રણેય ફ્લાઇટ ગેટવિક એરપોર્ટથી આવે-જાય છે. ગુજરાતી સમુદાય વતી અમારી એટલી જ લાગણી અને માગણી છે કે કમસે કમ એક ડાયરેક્ટ ફ્લાઇટનું હિથ્રો એરપોર્ટથી સંચાલન કરો. આ માગણીના સમર્થનમાં એટલું જ કહેવાનું છે કે...
• બ્રિટનમાં વસતાં ગુજરાતીઓમાંથી અંદાજે 65 ટકા લોકો ગ્રેટર લંડનમાં (M-25ની અંદર) વસે છે. અને બીજા લગભગ 15થી 20 ટકા ઇસ્ટવેસ્ટ મિડલેન્ડ એટલે કે બર્મિંગહામ - લેસ્ટરમાં નિવાસ કરે છે.
અને બીજું,
• ગેટવિક એરપોર્ટ આજુબાજુના 20-30 માઇલના વિસ્તારમાં સાઉથ લંડનના અમુક ભાગનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં વસતાં લોકો માટે ગેટવિક એરપોર્ટ સુગમ ગણી શકાય, પરંતુ એસેક્સનો અમુક ભાગ, હર્ટફર્ડશાયર, નોર્થ લંડન, નોર્થ ઇસ્ટ, નોર્થ વેસ્ટ, સાઉથ વેસ્ટ અને સેન્ટ્રલ લંડન માટે તો અંતર - ટ્રાવેલ ટાઇમ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ખર્ચ જોતાં હિથ્રો એરપોર્ટ જ વધુ સુગમતાભર્યું છે.
ઉલ્લેખનીય છે કે માન. વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ બ્રિટનની ઐતિહાસિક મુલાકાત દરમિયાન 13 નવેમ્બર 2015ના રોજ વેમ્બલી સ્ટેડિયમમાં વિશાળ જનમેદનીને સંબોધતા લંડન-અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ ફરી શરૂ કરવાની ઘોષણા કરી હતી. શ્રી નરેન્દ્રભાઇએ આ ફ્લાઇટ ફરી શરૂ થઇ રહી છે તેના માટે આપણા ‘ગુજરાત સમાચાર’ - Asian Voiceના ડાયરેક્ટ ફ્લાઇટ કેમ્પેઇનને જશ આપ્યો હતો. ડાયરેક્ટ ફ્લાઇટ ફરી શરૂ થઇ રહી હોવાની જાહેરાતને લોકોએ પ્રચંડ ઉત્સાહ સાથે વધાવી લીધી હતી કારણ કે ગુજરાતની મુલાકાતે જતા પ્રવાસીઓ લંડન-અમદાવાદની સીધી ફ્લાઇટનું મહત્ત્વ જાણતા હતા. આ ફ્લાઇટ મોટા ભાગના દિવસોમાં ફુલ હોય છે એ જ તેની ઉપયોગિતા દર્શાવે છે.
એર ઇંડિયાના મેનેજમેન્ટે હિથ્રોના બદલે ગેટવિક એરપોર્ટથી ફ્લાઇટ ઓપરેટ કરવાના પોતાના નિર્ણયની તરફેણમાં બહુ સારી ભાષામાં રજૂઆત કરી હોવા છતાં અમારી દલીલ એટલી જ છે કે કંપનીએ માત્ર નફાતોટાને ધ્યાનમાં ન રાખવો જોઇએ, પ્રવાસીઓની સગવડ-સુવિધાનો પણ તેમણે ખ્યાલ રાખવો રહ્યો. લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઇટ ફરી શરૂ થતાં હજારો પ્રવાસીએ રાહત અનુભવી છે. અગાઉ કેટલાય વડીલો - વૃદ્ધો, અશક્ત - અક્ષમ પ્રવાસીઓ, સંતાનો સાથે એકલી પ્રવાસ કરતી માતાઓ - પરિવારો... એવા હતા જેઓ મુંબઇ - દિલ્હી કે મિડલ ઇસ્ટના લાંબા લાંબા ટ્રાન્ઝીટ હોલ્ટના કારણે વતનની મુલાકાતે જવાનું ટાળતા હતા. આ લોકો માટે ડાયરેક્ટ ફ્લાઇટ ખરા અર્થમાં આશીર્વાદરૂપ પુરવાર થઇ છે. લંડનથી બેઠા ને અમદાવાદ ઉતર્યા કે પછી અમદાવાદથી સીધા લંડન પહોંચાડતી ફ્લાઇટ આથી જ તો પ્રવાસીઓની પહેલી પસંદ રહી છે. સમય - શક્તિ - નાણાંનો બચાવ નફામાં.
કેટલાય વાચકોએ અમને રજૂઆત કરી છે કે લંડન-અમદાવાદ-લંડન રૂટની કમસે એક ડાયરેક્ટ ફ્લાઇટ હિથ્રો એરપોર્ટથી ઓપરેટ થાય તે માટે આપણે સહુએ સાથે મળીને રજૂઆત કરવાની જરૂર છે. સંગ સંગ ભેરુ તો સર થાય મેરુ. અમે પણ ઇચ્છીએ છીએ કે વધુને વધુ વાચકો આ ઝૂંબેશમાં સામેલ થાય. હિથ્રો કે ગેટવિક? તે મુદ્દે આપના વિચારો મોકળા મને રજૂ કરો. આપના વિચારો - અભિપ્રાયોથી અમને પણ માર્ગદર્શન સાંપડશે.
મારું ઇમેઇલ આઇડી છે [email protected] આપ મને ઇમેઇલ દ્વારા અથવા તો ઓફિસ એડ્રેસ (Asian Business Publications Ltd., Units 207-208, Harrow Business Centre, 429-433 Pinner Road, North Harrow, Middlesex, HA1 4HN) પર પત્ર પાઠવીને આપના વિચારો જણાવી શકો છો.
‘ગુજરાત સમાચાર’ - Asian Voice હંમેશાની જેમ વાચકો - ગ્રાહકો - સમાજની સેવા માટે સમર્પિત છે, પ્રતિબદ્ધ છે તે આપ સહુ જાણો છો. પરંતુ સમાજની શું ઇચ્છા છે તે પણ અમારે જાણવું રહ્યું. આપ આપના વિચારો નામ - સરનામા સાથે સત્વરે મને લખી જણાવશો તેવો આપને હાર્દિક અનુરોધ છે, વિનંતી છે.
આપનો
સી.બી. પટેલ
પ્રકાશક / એડિટર-ઇન-ચીફ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter