લંડનઃ ગત જુલાઈમાં ત્રણ મહિનાના કુરુપ બાળક રિફાત મોહમ્મદની હત્યા કરવાનો કેસ તેના માતા-પિતા રેબેકા નાઝમિન અને મોહમ્મદ મિયા સામે ઓલ્ડ બેઈલી કોર્ટમાં ચાલી રહ્યો છે. બાળક કુરુપ હોવાથી તેની સાથે ખરાબ વ્યવહાર કરાયો હતો. તેના શરીરમાં ૪૭ હાડકાં તૂટેલાં હતા અને તેને હલાવી ગલાવી મોતને ઘાટ ઉતારાયો હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. પેરન્ટ્સે નાના બાળકની હત્યાનો ઈનકાર કર્યો છે.
બાળકની છાતી પર ભારે દબાણ અને તેના અવયવોને ખેંચવાથી જીવલેણ ઈજા થઈ હતી. તેને મોબાઈલ ફોન ચાર્જરના તારથી ફટકારવામાં આવ્યો હતો અને રેડિયેટરથી દઝાડાયો પણ હતો. રિફાતને તૂટેલાં હાડકા અને મગજની જીવલેણ ઈજા સાથે ૨૦૧૬ની ચોથી જુલાઈએ હોસ્પિટલ લઈ જવાયો હતો.
નાઝમિને એક બાળકને રિફાતને હલાવવા અથવા તેના પર પાણી રેડી ભાનમાં લાવવા કહ્યું હતુ અને જો તે ભાનમાં ન આવે તો એમ્બ્યુલન્સ બોલાવવા જણાવ્યું હતું. આ બાળકે રિફાતના મોતના આગલા દિવસે તેને હલાવ્યાનું કબૂલ કરવા સાથે આ મોત માટે મિયા જવાબદાર હોવાનું કહ્યું હતું. રિફાતના પેરન્ટસ તેના મોત માટે બાળકને જવાબદાર ગણાવી રહ્યા છે.
નાઝમિને પોલીસને એમ કહ્યાનું મનાય છે કે તેના પતિને રિફાતના હાથની ખોડની ચીડ હતી અને તેથી તેની સાથે ખરાબ વ્યવહાર કરતો હતો. ટ્રાયલ હજુ ચાલે છે.