લેસ્ટરઃ થોડા વર્ષો પહેલાં આતંકવાદી સંગઠન ISIS-આઇએસમાં જોડાવા માટે સિરીયા જવાનો પ્રયાસ કરનાર અને પકડાઇ ગયેલા ગુજરાતી મૂળના યુવક હંઝાલાહ પટેલ અને તેના મિત્ર સફવાન મનસુરને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે બ્રિટનમાં આતંકવાદ ફેલાવવાના ગુનાસર ૧૪ વર્ષની જેલની સજા ફટકારી હતી. લેસ્ટર શહેરના રહેવાસી હંઝાલાહ પટેલ અને બર્મિંગહામના નિવાસી સફવાન મનસુરે તમામ આરોપો નકાર્યા હતા, પરંતુ એપ્રિલમાં સુનાવણીના અંતે જ્યુરીએ તેમને દોષિત ઠેરવ્યા હતા. તેમને ૧૨ મહિનાના એક્સ્ટેન્ડેડ લાયસન્સની સજા પણ ફરમાવાઈ હતી.
૨૨ વર્ષના હંઝાલાહ પટેલે પોતાના પરિવારને કહ્યું હતું કે તે જર્મનીમાં એક મસ્જિદમાં ઇબાદત કરવા જવાનો છે. જોકે, વેસ્ટમિડલેન્ડ પોલીસે ઘરની તપાસ કરતા ત્યાંથી સિરીયા જવાના દસ્તાવેજો મળ્યા હતા. પટેલ અને તેના મિત્ર તેમજ શાળાના સાથી એવા ૨૩ વર્ષના સફવાન મનસુરની યુકેની તપાસના એક ભાગ તરીકે તુર્કીશ સત્તાવાળાઓ દ્વારા ઇસ્તંબુલની હોટેલમાંથી ધરપકડ કરાઈ હતી. તેઓ ઈસ્તંબુલથી પરત થયા ત્યારે વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે પહેલી જુલાઇ ૨૦૧૭માં હીથ્રો એરપોર્ટ ખાતેથી ધરપકડ કરી હતી.
એપ્રિલમાં બે સપ્તાહની ટ્રાયલ દરમિયાન પટેલે કહ્યું હતું કે તે પોતાની જાતને ખૂબ મોટો બનાવવા સિરીયા જઇ રહ્યો હતો. ટ્રાયલમાં૧૪ વર્ષની સજા પામેલા પટેલ અને મનસુરે કહ્યું હતું કે તેઓ કેમ્પીંગના સાધનો અને આઉટડોર સર્વાઇવલ સાધનો અને કપડાં લાવ્યા હતા. તમામ તૈયારીઓ કર્યા પછી તેમણે જર્મની જતાં પહેલા ટિકિટ ખરીદી હતી અને ઇસ્તંબુલ જઇ સિરીયા કેવી રીતે જવાય તેની માહિતી મેળવી હતી. તેમણે પોલીસને છેતરવા રિટર્ન ટિકિટ પણ ખરીદી હતી અને વિવિધ એરલાઇનોનો ઉપયોગ કર્યો હતો
‘જો કોઇને એ વાતની ચિંતા હોય કે તેનો મિત્ર અથવા તો પરિવારનો કોઇ સભ્ય સિરીયા જવાનો પ્રયાસ કરે છે, તો એ જરૂરી બની જાય છે કે તેઓ અમને જાણ કરે. પોલીસ અને અન્ય એજન્સીઓ રેડિકલ બનનારને મદદ કરવા તૈયાર હોય છે.’ એમ વેસ્ટમિડલેન્ડ પોલીસ આતંકવાદ વિરોધી દળના વડાએ કહ્યું હતું.