લંડનઃ ભારે શસ્ત્રસજ્જ પોલીસે ગુરુવારની સાંજે ત્રાસવાદવિરોધી દરોડામાં નોર્થ લંડનના સોમાલિયન પરિવારના એક ઘરમાંથી એક તરુણ સહિત ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી તેમજ એક યુવતીને ગોળી મારતા તે ઈજાગ્રસ્ત થઈ હતી. હજુ તે હોસ્પિટલમાં હોવાથી તેની ધરપકડ કરાઈ ન હતી. વિલ્સડનના હાર્લેસડન રોડ પર પાંચ ગોળીબારના અવાજ સાંભળી શકાયા હતા. ત્રાસવાદવિરોધી અન્ય ઘટનામાં પોલીસે ડાઉનિંગ સ્ટ્રીટ અને પાર્લામેન્ટથી નજીક વ્હાઈટહોલ પાસે ચાકુથી ભરેલી બેગ સાથે પસાર થતા એક ૨૭ વર્ષીય શંકાસ્પદ ઈસ્લામિક કટ્ટરવાદી યુવકની ધરપકડ સાથે સંભવિત હુમલાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. જોકે, મેટ્રોપોલીટન પોલીસે જણાવ્યા અનુસાર આ બે ઘટના સંકળાયેલી નથી. વડા પ્રધાન થેરેસા મેએ પોલીસ અને MI5ની કામગીરીની પ્રશંસા કરી હતી.
નોર્થ લંડનમાં પોલીસ ગોળીબારઃ યુવતીને ઈજા
શસ્ત્રસજ્જ મેટ્રોપોલીટન પોલીસે ગુરુવારની સાંજે વિલ્સડન, નોર્થ લંડનના એક ઘર પર દરોડો પાડ્યો હતો. પોલીસ અધિકારીઓએ આશરે ૨૦ વર્ષીય યુવતી પર ગોળી ચલાવતા તેને ઈજા પહોંચી હતી. આ યુવતીને હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં તેને પોલીસ કસ્ટડી હેઠળ રખાઈ હતી. આ ઘટનામાં આ ઘર નજીક ૨૦ વર્ષીય યુવકને પકડી લેવાયા પછી ઘરમાંથી ૧૬ વર્ષના તરુણ અને ૨૦ વર્ષની યુવતી તેમજ થોડા સમય પછી કેન્ટ નજીક ૪૩ વર્ષીય મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. આ ચાર વ્યક્તિને ટેરરિઝમ એમક્ટ ૨૦૦૦ના સેક્શન ૪૧ અન્વયે ત્રાસવાદી કૃત્યો આચરવા, તૈયારી અને ઉશ્કેરણીની શંકા હેઠળ પકડવામાં આવ્યાં હતાં. આ લોકોને ગુપ્તચર ઓપરેશન હેઠળ ત્રાસવાદવિરોધી પોલીસ અધિકારીઓની નજરમાં રખાયાં હતાં. દરોડાના સ્થળે તેમજ લંડન અને કેન્ટના અન્ય સંબંધિત સ્થળોએ તપાસ હજુ જારી છે.
પાર્કફિલ્ડ રોડ અને હાર્લેસડન રોડ એરિયાને પોલીસે કોર્ડન કરી લીધો હતો અને રહેવાસીઓને તેમના ઘરમાંથી બહાર લઈ જવાયાં હતાં. સ્થાનિક રહેવાસીઓએ ગોળીબારના અવાજો સાંભળ્યા હતા. ઘટનાની સાક્ષી ૮૬ વર્ષીય હાના ઝાબોએ જણાવ્યું હતું કે,‘આશરે ૨૦ જેટલા પોલીસમેન જોવાં મળ્યા હતા. શું થયું તે જોવાં હું બહાર ગઈ ત્યારે પોલીસે એટલું જ કહ્યું કે બધું જ નિયંત્રણ હેઠળ છે. મને ભારે ચિંતા થઈ હતી.’ મેટ્રોપોલીટન પોલીસે જણાવ્યું હતું કે વ્હાઈટહોલ પાસેથી એક વ્યક્તિની ધરપકડ સાથે આ ઘટનાને કોઈ સંબંધ નથી.
વ્હાઈટ હોલ નજીક શંકાસ્પદ ઈસ્લામિક કટ્ટરવાદી ઝડપાયો
શસ્ત્રસજ્જ પોલીસે ગુરુવારની બપોરે ડાઉનિંગ સ્ટ્રીટ અને પાર્લામેન્ટ નજીક વ્હાઈટ હોલ પાસે ૨૭ વર્ષના શંકાસ્પદ ઈસ્લામિક કટ્ટરવાદી દાઢીદારી યુવકની ધરપકડ કરી હતી. તેની પાસેથી ચાકુથી ભરેલી બેગ મળી આવ્યાનું કહેવાય છે. ખાસ ઉલ્લેખનીય છે કે બ્રિટનની મુસ્લિમ કોમ્યુનિટીના સભ્ય દ્વારા પોલીસને આ યુવકને બાતમી અપાયા પછી પોલીસે MI5 સાથે મળી ઓપરેશન આરંભ્યું હતુ અને સતર્કતા સાથે તેનો પીછો કર્યો હતો. પાંચ સપ્તાહ અગાઉ ખાલિદ મસૂદે તેના સહિત પાંચ લોકોનાં મોત થયાં હતા તેવા વેસ્ટમિન્સ્ટર બ્રિજ અને પાર્લામેન્ટ એસ્ટેટ નજીક હુમલાઓ કર્યા હતા તેની ઘણી નજીક આ યુવકની ધરપકડ કરાઈ હતી. શકમંદને સાઉથ લંડન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયો છે.
આ શકમંદ યુવક લંડન એરિયામાં રહેતો હોવાનું અને બ્રિટન બહાર જન્મેલો હોવાનું તેમજ આ કાર્ય એકલો જ કરી રહ્યો હોવાનું મનાય છે. ધરપકડના સ્થળને ધ્યાનમાં લેતા પોલીસ વેસ્ટમિન્સ્ટર અથવા વ્હાઈટહોલ વિસ્તારોમાં હુમલાની શક્યતા માની રહી છે. MI5 અને સ્કોટલેન્ડ યાર્ડના ત્રાસવાદવિરોધી કમાન્ડ શકમંદને વિદેશમાંથી સૂચના મળતી હતી અથવા ઈસ્લામિક સ્ટેટ (IS) સાથે તેનો કોઈ સંબંધ છે તેની પૂછપરછ હવે આદરશે.