લંડનઃ બીબીસી ઈનસાઈડ આઉટ લંડનના વિશેષ રિપોર્ટ અનુસાર બર્મિંગહામ ઈસ્લામિક સ્ટેટના ત્રાસવાદી જૂનૈદ હુસેને ૩ જૂનના લંડન બ્રિજ હુમલાના એક વર્ષ અગાઉ આ કામ માટે અન્ડરકવર રિપોર્ટરને ભરતી કરવાનો પ્રયાસ કર્યો હતો. બીબીસીને જણાવ્યું હતું કે કિંગ્સ હીથના ત્રાસવાદીએ લંડન બ્રિજને લક્ષ્ય બનાવવા તેના એક જર્નાલિસ્ટનો સંપર્ક કર્યો હતો. આ કામ તે એકલા કરી શકે અથવા ગ્રૂપ સાથે પણ કરી શકે તેમ તેને જણાવાયું હતું. શિકારને ચાકુના ઘા મારી વધુમાં વધુ નુકસાન કેવી રીતે થાય તે પણ તેને સમજાવાયું હતું.
ઈસ્લામવાદી પ્રેરિત ત્રાસવાદ વિશે બે વર્ષથી અભ્યાસ કરી રહેલા છુપા જર્નાલિસ્ટે જિહાદી અને ISના ભરતીકાર જૂનૈદ હુસેનનો ટ્વીટર મારફત સંપર્ક કર્યો હતો. સાંકેતિક મેસેજિંગ સાઈટ મારફત ૨૧ વર્ષના જુનૈદે ઘરમાં જ બોમ્બ કેવી રીતે બનાવી શકાય તે વિશે તે મદદ અને તાલીમ આપી શકે છે તેમ રિપોર્ટરને જણાવ્યું હતું. હુસૈને બોમ્બ બનાવવા તબક્કાવાર સૂચનાઓ તેમજ બનાવટી સુસાઈડ વેસ્ટ બનાવવા સહિત ચોક્કસ ત્રાસવાદી ટ્યુટોરિયલ્સ પણ ડાર્ક વેબસાઈટ પર જાહેર કર્યા હતા.
સીરિયામાં યુએસ આર્મીના ડ્રોન હુમલામાં હુસૈન માર્યો ગતો ત્યારે અન્ય રીક્રુટરે પણ વાતચીત ચાલુ રાખવા રિપોર્ટરનો સંપર્ક કર્યો હતો અને શસ્ત્રો અને બુલેટ્સ મેળવવા સહિત પોલીસ ઓફિસરની હત્યા કરવાની વિસ્તૃત યોજના પણ જણાવી હતી.