લંડનઃ બ્રિટિશ આર્મી પરિવારના ૨૪ વર્ષીય સંતાન મોહમ્મદ અબ્બાસ ઈદરીસ અવાનને યુકેમાં ત્રાસવાદી હુમલાનું કાવતરું ઘડવા બદલ શેફિલ્ડ ક્રાઉન કોર્ટે ૧૦ વર્ષની જેલની સજા ફરમાવી છે. શેફિલ્ડ યુનિવર્સિટીનો ડેન્ટિસ્ટ્રીનો વિદ્યાર્થી મોહમ્મદ અબ્બાસ સીરિયામાં સ્યુસાઈડ બોમ્બિંગમાં ભાગ લેનારા જેહાદી રિઝવાન અવાનનો નાનો ભાઈ છે.
રિઝવાને ૨૦૧૬માં ઈરાકમાં બોમ્બ વિસ્ફોટમાં ૩૦ લોકોને મારી નાખ્યા હતા. તેણે મોહમ્મદને કટ્ટરવાદમાં પલોટ્યો હોવાનું મનાય છે. તેમના પિતા મોહમ્મદ ઈદરીસે બ્રિટિશ આર્મીમાં સેવા આપી હતી. મોહમ્મદ અવાને જૂન મહિનામાં ૫૦૦ બોલ બેરિંગ્સની ઓનલાઈન ખરીદી કરી હતી. પોલીસે તેના પારિવારિક ઘર તેમજ અભ્યાસના સ્થળે દરોડાઓમાં ૧૧ મોબાઈલ ફોન્સ, ૧૬ મેમરી સ્ટીક્સ અને સાત કોમ્પ્યુટર સહિત આતંકવાદ સંબંધિત પ્રચાર સામગ્રી કબજે લીધા હતા. જ્યુરીએ ત્રણ સપ્તાહની ટ્રાયલ પછી તેને ત્રાસવાદના ત્રણ ગુના માટે અપરાધી ઠરાવ્યો હતો.