લંડનઃ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ તરીકે વૈભવી લાઈફસ્ટાઈલ જીવતાં પતિ-પત્નીએ જનરલ પ્રેક્ટિશનર્સ તરીકે તાલીમ હાંસલ કરી છે. દિપાલી શાર્પ અને તેના પતિ ક્રિસ્ટિયનનું પ્રથમ સંતાન સ્ટિલબોર્ન જન્મતા તેમને આઘાત લાગ્યો હતો પરંતુ, જે રીતે તેમની કાળજી અને સંભાળ લેવાઈ હતી તેમાંથી પ્રેરણા મેળવી તેઓએ જીપી તરીકે તાલીમ લેવાનો નિર્ણય કર્યો હતો. આજે તેઓ જીપી તરીકે ક્વોલિફાય થયાં છે અને બે બાળકો સચિન અને અમ્બિકાના પેરન્ટ્સ પણ છે.
ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ દિપાલી શાર્પ અને ક્રિસ્ટિયન શાર્પ કોઈને પણ ઈર્ષા જગાવે તેવું વૈભવી જીવન માણતાં હતાં, દરરોજ રાત્રે વૈભવી રેસ્ટોરાંમાં ભોજન, પોર્શ કારમાં ડ્રાઈવ તેમજ ફર્સ્ટ ક્લાસમાં હવાઈ પ્રવાસ તેમના જીવનમાં વણાઈ ગયેલી બાબતો હતો. તેમનું જીવન સેન્ટ્રલ લંડનના ટાઉન હાઉસ અને ન્યૂ યોર્કના ઈસ્ટ સાઈડના વૈભવી એપાર્ટમેન્ટ વચ્ચે વહેંચાયેલું હતું.
જોકે, તેમનું પ્રથમ સંતાન આ વિશ્વમાં શ્વાસ ન લઈ શક્યું ત્યારે તેમને અપાયેલી મેડિકલ સારસંભાળે આ જીવન બદલી નાખ્યું હતું. તેમણે પોતાની નોકરીઓ છોડી દીધી અને ડોક્ટર્સ તરીકે તાલીમ હાંસલ કરવા બધી બચત ખર્ચી નાખી હતી. હવે તેઓ GP તરીકે ક્વોલિફાય થયાં છે. તેમણે ડિઝાઈનર વસ્ત્રો અને વૈભવી વેકેશન્સ છોડી દીધાં છે છતાં, અગાઉ કરતા વધુ સુખી છે.
મૂળ ભારતીય ૪૪ વર્ષની દિપાલી કહે છે, ‘મારું પ્રથમ સંતાન મૃત જન્મ્યું ત્યાં સુધી તો શોપિંગ જ મારું જીવન હતું. પુત્રને ગુમાવતા અમારું જીવન કેટલું ખાલી અને છીછરું હતું તેની સમજ આવી. મારી જૂની જિંદગી હવે સ્વપ્ન જ છે. હવે અમને મિલિયોનેર લાઈફ પોસાય તેવી નથી છતાં, ક્રિસ્ટિયન અને હું વધુ ખુશ છીએ. હું હવે સામાન્ય સુપરમાર્કેટ્સમાં બાર્ગેઈનથી શોપિંગ કરું છું. હાઈ સ્ટ્રીટ સ્ટોર્સમાંથી વસ્ત્રો ખરીદું છું. ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી તો શક્ય જ રહી નથી છતાં, પેકેજ હોલિડેઝનો આનંદ માણીએ છીએ. હવે અમને ખબર પડી છે કે નાણા એ જ સાચી ખુશી મેળવવાનો માર્ગ નથી. વિશ્વના તમામ ડિજાઈનર વસ્ત્રો કે જ્વેલરી તમને ખુશી આપી શકતાં નતી. અમે અગાઉ કરતા પણ વધુ સમૃદ્ધ હોવાની લાગણી અનુભવીએ છીએ.’
બાળક ગુમાવવાનો આઘાત ભૂલવા ક્રિસ્ટિયન સ્થાનિક હોસ્પિટમાં મદદ કરવા લાગ્યો અને દિપાલી ચેલ્સી એન્ડ વેસ્ટમિન્સ્ટર હોસ્પિટલમાં સેવાકાર્યમાં જોડાઈ. તેને મેડિકલ ઈસ્યુઝમાં વધુ રસ પડવા લાગ્યો અને આખરે તે મેડિકલ ડીગ્રી મેળવવા નોટિંગહામ યુનિવર્સિટીમાં જોડાઈ હતી. દિપાલીના ઉત્સાહથી ક્રિસ્ટિયનને પણ પ્રેરણા મળી અને એક વર્ષ પછી નોકરી છોડી ડોક્ટરની ટ્રેનિંગ મેળવવા તેની સાથે જોડાયો. દંપતી માટે આ ટ્રેનિંગ મુશ્કેલ હતી પરંતુ, ૨૦૧૦માં તેઓ ડોક્ટર તરીકે ક્વોલિફાય થયાં અને ગયા વર્ષથી તેમની જીપી ટ્રેનિંગ પણ પૂરી થયા પછી હવે તેઓ પોતાના ૧૩ વર્ષીય પુત્ર સચિન અને ૧૧ વર્ષીય પુત્રી અમ્બિકા સાથે ગ્લાસગોમાં સ્થાયી થયાં છે.