લંડનઃ દર વર્ષે આશરેો ૫૦,૦૦૦ વિદેશી વિદ્યાર્થી તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી સ્વદેશ પરત ફરતા નથી. સત્તાવાર આંકડાથી સ્પષ્ટ થાય છે કે દેશની કોલેજો અથવા યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે નોંધણી કરાવ્યા પછી યુકેમાં રહેવા માટે આતુર ઈમિગ્રન્ટ્સ સિસ્ટમનો દુરુપયોગ કરવા કોઈ પણ હદે જાય છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS) દ્વારા દેશમાં આવતા ઓવરસીઝ સ્ટુડન્ટ્સની સંખ્યાની ગણતરી ઓછી કરાતી હોવાની ચિંતા પણ વ્યક્ત કરાઈ છે. ઓવરસીઝ સ્ટુડન્ટ્સને સ્વદેશ પાછા મોકલવામાં નિષ્ફળતાના કારણે જાહેર સેવાઓ પરનું દબાણ પણ વધતું જાય છે.
કેબિનેટ મિનિસ્ટર્સ દ્વારા વડા પ્રધાન થેરેસા મેને ચેતવણી અપાઈ છે કે વિદેશી વિદ્યાર્થીઓને ઈમિગ્રન્ટ યાદીમાંથી દૂર કરવામાં નહિ આવે તો સરકાર ઈમિગ્રન્ટ્સ યાદીને હજારોમાં લાવવાનું ટોરી વચન કદી પૂર્ણ કરી શકશે નહિ.
ગત વર્ષે ૧૨૬,૦૦૦ વિદ્યાર્થી યુકે આવ્યા હતા, જેમાંથી ૭૦ ટકા તો ઈયુ બહારના દેશોના હતા. ડિસેમ્બર સુધીના એક વર્ષ માટે ONS આંકડા અનુસાર યુરોપ બહારના ૮૭,૦૦૦ લોકોને યુકેમાં અભ્યાસ માટેના વિઝા અપાયા હતા પરંતુ, માત્ર ૪૧,૦૦૦ ઓવરસીઝ વિદ્યાર્થી પાછાં ગયાં હતાં, જે ૪૬,૦૦૦નો તફાવત દર્શાવે છે. અગાઉના વર્ષોમાં તફાવતનો આંકડો ૧૦૦,૦૦૦ જેટલો હતો. કેટલાક વિદ્યાર્થી કાયદેસર નોકરી મેળવે છે, પાર્ટનર સાથે વસવાટની પરવાનગી મેળવે છે અથવા વધુ અભ્યાસમાં જોડાય છે.
યુકે અભ્યાસ કરવા આવતા હોવાનો દાવો કરનારા ઘણા લોકો તેમના કોર્સીસ પૂર્ણ કરીને ખરેખર યુકે છોડી જતા નથી. અગાઉના અંદાજો મુજબ દર વર્ષે એક તૃતીઆંશ અથવા ૧૭,૦૦૦ જેટલા વિદ્યાર્થી યુકેમાં ગેરકાયદે રહી જાય છે અને બ્લેક ઈકોનોમીમાં કામે વળગે છે.