લંડનઃ જોખમી બ્લડ કેન્સરમાંથી બચેલા ૨૦ વર્ષીય દર્દી એન્ડ્રયુ ડેવિસે NHSનું ઋણ ચુકવવા સાત વર્ષમાં ૧૫૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કર્યા હતા. એન્ડ્રયુ ડેવિસ ૧૩ વર્ષીય વિદ્યાર્થી હતો ત્યારે તેને એક્યુટ માઈલોઈડ લ્યુકેમિયાનું નિદાન કરાયું હતું. આના કારણે તેને બોન-મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડ્યું હતું. તેણે નર્સને ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશનના ખર્ચ વિશે પૂછતા તેને અંદાજે ૧૫૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ જણાવાયો હતો. બસ ત્યારથી તેણે NHSને આ રકમ પરત વાળવાનો નિર્ધાર કર્યો હતો.
નિર્ધારના સાત વર્ષ પછી એન્ડ્રયુ ડેવિસે શેફિલ્ડ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ એન્ડ ચેરિટી માટે ફાળો એકત્ર કરવાનું લક્ષ્ય પૂર્ણ કર્યું છે. આ નાણા હોસ્પિટલના કેન્સર વોર્ડ અને લ્યૂકેમિયા સંશોધન માટે ઉપયોગમાં લેવાશે. ડર્બીશાયરના ઓલ્ડ બ્રામ્પ્ટનના એન્ડ્રયુએ વિવિધ સ્પોન્સર્સ વોક અને લિવરપૂલથી સ્કેગનેસ સુધી ૨૧૫ માઈલના સાયકલિંગ સહિત બાઈક રાઈડ્સ દ્વારા નાણા એકત્ર કર્યા છે. તેણે વેસ્ટ યોર્કશાયરના ઈલ્કલીથી કમ્બ્રીઆના વિન્ડરમીઅર સુધી ૮૧ માઈલની વોકમાં ૪૦૦૦ પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરી હતી.
લિવરપૂલ જ્હોન મૂર્સ યુનિવર્સિટીના વિદ્યાર્થી એન્ડ્રયુએ લક્ષ્ય પાર પાડ્યા પછી શેફિલ્ડ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ એન્ડ ચેરિટી દ્વારા તેના માનમાં ૨૦૧૨માં તેની જિંદગી બચાવી લેવાઈ હતી તે કેન્સર વોર્ડમાં સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કરાયું હતું. એન્ડ્રયુએ અશ્રુસભર આંખે સહુનો આભાર માન્યો હતો.