લંડનઃ યુકે દ્વારા જાહેર કરાયેલી આર્થિક રીતે પ્રતિબંધિત વ્યક્તિઓની યાદીમાં એકમાત્ર ‘ભારતીય નાગરિક’ દાઉદ ઇબ્રાહિમનો સમાવેશ કરાયો છે. ભારતમાં મોસ્ટ વોન્ટેડ દાઉદની કુલ ૨૧ ગુપ્ત ઓળખ, સરનામા જાહેર કરાયા છે, જેમાંના ત્રણ ઠેકાણાં પાકિસ્તાનના છે. યુકે ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે વિવિધ એજન્સીઓની મદદથી ‘કોન્સોલિડેટેડ લિસ્ટ ઓફ ફાઈનાન્સિયલ સેન્ક્શન્સ ટાર્ગેટ્સ ઈન ધ યુકે’ યાદી જાહેર કરી છે. આ યાદીમાં સમાવિષ્ટ કોઈ પણ વ્યક્તિ કે સંગઠન પર કડક આર્થિક પ્રતિબંધો લાદવામાં આવે છે.
દાઉદ ઇબ્રાહિમ મુંબઈમાં ૧૯૯૩માં થયેલા બોમ્બ વિસ્ફોટનો મુખ્ય આરોપી છે, જેમાં ૨૬૦ લોકોના મૃત્યુ થયા હતા અને ૭૦૦થી વધુને ઈજા થઈ હતી. આ વિસ્ફોટોનું કાવતરું ઘડાયું એ પહેલાં જ દાઉદ પાકિસ્તાન ભાગી ગયો હતો અને ત્યારથી પાકિસ્તાન સરકાર અને તેની ઈન્ટેલિજન્સ એજન્સીઓ દાઉદને સુરક્ષા પૂરી પાડી રહી છે. જોકે, દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં હયાત જ ન હોવાનું રટણ પાકિસ્તાન વર્ષોથી રટણ કરી રહ્યું છે.
યુકે દ્વારા દાઉદને ભારતીય નાગરિક ગણાવાયો છે, પરંતુ તેનું નિવાસસ્થાન પાકિસ્તાનમાં દર્શાવ્યું છે. આ યાદીમાં દર્શાવેલા તેના ત્રણ સરનામા આ પ્રમાણે છે. (૧) દાઉદ ઈબ્રાહિમ કાસકર હાઉસ નં.૩૭, સ્ટ્રીટ નં. ૩૦, ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી, કરાચી, પાકિસ્તાન. (૨) નૂરાહદ કરાચી, પેલેટિયલ બંગલૉ, હિલી એરિયા, પાકિસ્તાન. (૩) વ્હાઈટ હાઉસ, સાઉદી મોસ્ક, ક્લિફ્ટન, કરાચી, પાકિસ્તાન. આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ હજુ ગયા વર્ષે જ દાઉદ ઇબ્રાહિમનું એક ચોથું સરનામું હાઉસ નં.૨૯, મર્ગલ્લા રોડ, એફ ૬/૨ સ્ટ્રીટ નં. ૨૨, કરાચી, પાકિસ્તાન પણ આપ્યું હતું.