લંડનઃ અનેક બિઝનેસિસ અને વ્યક્તિઓ વેન્ચર કેપિટાલીસ્ટ સહિતને ફાઇનાન્સિંગ સેવા ઓફર કરતી કંપનીઓ ચલાવતાં DVK ગ્રૂપના દિપક કુંતાવાલા નાદાર જાહેર કરાતાં બ્રિટનની એશિયન બિઝનેસ કોમ્યુનિટીમાં સનસનાટી વ્યાપી ગઈ હતી. DK નામથી વધુ જાણીતા કુંતાવાલા મોટી બડાશો મારવા માટે પણ જાણીતા હતા.
પોતાના હીરો ગણાવતા કુંતાવાલાએ ભારતની તાજ દુર્ઘટના વેળાએ બેડ શીટ્સનો દોરડા તરીકે ઉપયોગ કરીને તાજના ૧૫૦થી વધુ નિવાસીઓને મૃત્યુના મુખમાંથી બચાવ્યા હોવાનું કહેવાય છે. તેમણે મુંબઈ ત્રાસવાદના પીડિતોને મદદ કરવા માટે લંડનના કેન્સિંગ્ટન પેલેસમાં એક કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડ સ્ટાર્સ હાઉસ ઓફ લોર્ડસના અનેક સભ્યો તેમ જ ક્વિન એલિઝાબેથના કઝિન કેન્ટના પ્રિન્સ માઇકલની હાજરી પણ નોંધપાત્ર હતી.
DKએ લંડનમાં ભારતીય બિઝનેસ કોમ્યુનિટી સમક્ષ ઘણા ડ્રીમ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. જેમાં સાઉદી અરેબિયા અને મીડલ ઈસ્ટ દેશો, ચીન અને આફ્રિકામાં પ્રોજેક્ટસનો પણ સમાવેશ થાય છે. જોકે, જિતેન પટેલ દ્વારા ૩.૮ મિલિયન પાઉન્ડની વસૂલાત માટે કુંતાવાલા સામે કાનૂની દાવો કરાયાના પગલે કોર્ટે નાદારીનો ચૂકાદો જાહેર કર્યો હતો.