લંડનઃ કોમ્યુનિટીના સમૃદ્ધ મેળાવડા થકી અનોખા સાંસ્કૃતિક અનુભવ અને દિવાળીના ઉત્સવી વાતાવરણ સાથે હેરો લેઈઝર સેન્ટર ખાતે પંકજભાઈ સોઢાની યજમાનીમાં 26 અને 27 ઓક્ટોબરે દિવાળી શોપિંગ બાઝારનું આયોજન કરાયું હતું. આશરે 3000થી વધુ લોકોએ પ્રકાશના ઉત્સવની ઊજવણી કરવાની સાથે શોપિંગ, મનોરંજન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સમન્વય ધરાવતા ઈવેન્ટને માણ્યો હતો. લોકપ્રિય ભારતીય ટેલિવિઝન સીરીઝ અનુપમામાં કિંજલ અને ડિમ્પીની ભૂમિકાઓથી ખ્યાતનામ બનેલી અભિનેત્રીઓ અનુક્રમે નિધિ શાહ અને નિશિ સક્સેનાની હાજરીએ જાણે ચાર ચાંદ લગાવી દીધા હોય તેમ આકર્ષણ સર્જ્યું હતું. સેલેબ્રિટી અભિનેત્રીઓએ ઊજવણીમાં ગ્લેમર અને ઉત્સાહના સ્પર્શ થકી મુલાકાતીઓ સાથે ગપસપ લગાવી હતી, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને પ્રશંસકો સાથે ફોટોગ્રાફ્સ ખેંચાવ્યાં હતાં.
દિવાળી શોપિંગ બાઝારમાં 50થી વધુ સ્ટોલ્સ લાગ્યા હતા જેમાં, રીઅલ એસ્ટેટ, ટ્રાવેલ, જ્વેલરી, ક્લોધિંગ અને ફૂડ સહિત વિવિધ સેક્ટરનો સમાવેશ થયો હતો. વેન્ડર્સ દ્વારા ખરીદારો સમક્ષ કોતરણીસભર જ્વેલરીથી માંડી એથનિક વસ્ત્રો અને ઉત્સવી સ્વાદિષ્ટ વાનગીઓ સહિત પરંપરાગત અને વર્તમાનકાલીન સામાન રજૂ કરાયો હતો. પ્રોડક્ટ્સના વૈવિધ્ય અને ક્વોલિટીના લીધે દિવાળીના ખરીદારોને દરેકના સ્વાદ અને જરૂરની વસ્તુઓ મળી રહી હતી.
રોમાંચકારી માર્કેટ ઉપરાંત, આ ઈવેન્ટમાં પરંપરાગત અને વર્તમાનકાલીન ડાન્સ અને કંઠ્ય પરફોર્મન્સ સહિત શ્રેણીબદ્ધ જીવંત સાંસ્કૃતિક પરફોર્મન્સ પણ જોવાં મળ્યાં હતાં. ઉપસ્થિત લોકોએ દિવાળીની પરંપરા અને કોમ્યુનિટીના સાંસ્કૃતિક વારસાને જીવંત બનાવતી આ રજૂઆતોને વધાવી લીધી હતી.
આ ઈવેન્ટમાં હેરોના મેયર, સાંસદ બોબ બ્લેકમેન અને ડેપ્યુટી મેયર અંજના પટેલની હાજરીએ શોભા વધારી હતી. બંને મહાનુભાવોએ સફળ ઈવેન્ટ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કોમ્યુનિટીના સાંસ્કૃતિક ફલક પર મૂલ્યવૃદ્ધિની પ્રશંસા કરી હતી. સાંસદ બોબ બ્લેકમેને દિવાળી શોપિંગ બાઝારના આયોજનમાં નિષ્ઠા અને યોગદાન તેમજ કોમ્યુનિટીમાં એકતા વધારવાની પ્રતિબદ્ધતાની કદર કરી પંકજભાઈ સોઢાને એક્સેલન્સ ઈન લીડરશિપ એવોર્ડ એનાયત કર્યો હતો. હેરોમાં દિવાળીનો ઉત્સાહ અને રોમાંચ લાવવાની પહેલ બદલ ઓડિયન્સે પંકજભાઈને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.
દિવાળી શોપિંગ બાઝાર કોમ્યુનિટીના સભ્યો માટે પરસ્પર હળવામળવા, ઊજવણી કરવા તેમજ વેપાર, સંસ્કૃતિ અને ભાઈચારાના સમન્વય થકી દિવાળીનો આનંદ માણવાનો અસામાન્ય અવસર બની રહ્યો હતો. ઉત્સવી સાજશણગાર, ઉત્સાહી વેન્ડર્સ, દિલચસ્પ પરફોર્મન્સીસ સાથેના આ ઈવેન્ટથી લોકોને દિવાળીના મૂળભૂત અનુભવ અને નવચેતનાના વાતાવરણની અનુભૂતિ થઈ હતી.