લેસ્ટરઃ વ્હીલચેરનો ઉપયોગ કરતી વૃદ્ધા જો પડી જાય તો તેમને મદદ કરવાનો ઈનકાર કરનારા ટેક્સી ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દેવાયો છે. ત્રણ વર્ષ અગાઉ જમણો પગ કાપી નખાયો છે તેવાં ૭૮ વર્ષનાં સરોજ સેઠ MBEએ લેસ્ટરના ક્લેરેન્ડોન પાર્કસ્થિત શ્રી ગીતા ભવન મંદિરના રેમ્પમાં નીચે ઉતરવા ટેક્સી ડ્રાઈવરની મદદ માગી હતી પરંતુ, ડ્રાઈવરે ઈનકાર કરતા સરોજ સેઠનું અપમાન થયું હતું.
શ્રીમતી સેઠે જણાવ્યું હતું કે,‘ મોટા ભાગના ટેક્સી ડ્રાઈવર ઘણા સારા હોય છે પરંતુ, આ ડ્રાઈવર ત્યાં આવી ટેક્સીમાં જ બેસી રહ્યો હતો. તેનામાં જરા પણ લાગણી કે દયા દેખાઈ નહિ. તેણે કહ્યું કે, ના અક્ષમ વ્યક્તિને લઈ જવાની મોટી જવાબદારી હોય છે. તેણે કહ્યું કે તે વ્હીલચેરને હાથ પણ લગાવશે નહિ. તે મારાં નજીક આવવા ઈચ્છતો ન હતો અને તેની કાર પાસે જ ઉભો રહ્યો.’
પૂર્વ મેજિસ્ટ્રેટ શ્રીમતી સેઠને લેસ્ટમાં સામાજિક સુમેળની સેવા બદલ ૨૦૧૧માં MBE એનાયત કરાયો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ ADT Taxisના કાયમી ગ્રાહક છે અને બુકિંગ સમયે જ તેમને સહાયની જરૂર હોવાનું જણાવી દેવાય છે. તેમણે કહ્યું હતું કે ‘આ ઘટનાથી હું એટલી રોષે ભરાઈ છું કે મારી સખત મહેનત છતાં લોકો હજુ સમાનતા વિશે સમજી શક્યાં નથી. જે લોકો સક્ષમ નથી અને અન્યો પર આધારિત હોય છે તેવા લોકો પ્રત્યે કોઈ અનુકંપા રહી નથી.’ આ વાતચીતની સાક્ષી એક મહિલાએ કહ્યું હતું કે તેને પણ ભારે આઘાત લાગ્યો હતો.
ADT મેનેજર નાઈજેલ ઓર્ડે કહ્યું હતું કે ‘કંપનીએ ડ્રાઈવરને અચોક્કસ મુદત સુધી સસ્પેન્ડ કરી દીધો છે અને કાઉન્સિલની લાયસન્સ ઓથોરિટીને તેની જાણ પણ કરી છે. અમારી જ કોઈ ભૂલ છે અને અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. આ સ્થિતિ દુર્ભાગ્યપૂર્ણ છે અને અમે તેમાંથી શીખીશું.’